બેની લડાઈમાં ત્રીજી ત્રાંસ !


સંસ્કૃતમાં કહે છે કે “યુધ્ધસ્ય કથા: રમ્યા:” યાને કે લડાઈની વારતા બધાને ગમતી હોય છે. એ તો ઠીક, પણ રસ્તામાં બે જણા લડતા હોય તોય લોકોને તમાશો જોવાની મજા પડે છે !

- આ તમાશો જોનારાઓના વિવિધ પ્રકારો છે….

***

રસ્તામાં બે જણા લડતા હોય અને ત્રીજો આવીને તેમને શાંત પાડે…

- તો એ ભલો માણસ કહેવાય.

***

રસ્તામાં ત્રણ-ચાર જણા ઝગડતા હોય એમને જોવા માટે પંદર-વીસ માણસોનું ટોળું ભેગું થાય…

- તો એ નોર્મલ માણસો કહેવાય.

***

એ પંદર વીસના ટોળામાં અચાનક ઘૂસ મારીને, બધાને ધક્કે ચડાવીને, ખુબ હોહા મચાવીને અચાનક ક્યાંક જતા રહે…

- તો એ ખિસ્સાકાતરુઓ હોય !

***

પણ પંદર-વીસના ઝગડમાં કૂદી પડીને સામાસામી મારામારી ઉપર ઉતરી આવે…

- તો એ ગુન્ડાઓ કહેવાય.

***

સામસામી મારામારીમાં અચાનક પથ્થરમારો શરૂ થઈ જા, આજુબાજુની દુકાનો બંધ થઈ જાય…

- તો એને ‘સ્થાનિક નેતાગિરી’ કહેવાય.

***

માત્ર બે જણાની લડાઈમાંથી દુકાનો સળગવા માંડે, શહેરનાં બજારો બંધ થઈ જાય અને કરફ્યુ લાગી જા…

તો એને ‘કોમી નેતાગિરી’ કહેવાય.

***

અને બે જણાની લડાઈથી શરૂ થયેલી બબાલ આગળ જતાં બે જુથ, બે કોમો, બે રાજ્યો અને બે વિચારધારાઓ સુધી પહોંચી જાય…

- તો એને ‘રાષ્ટ્રિય’ નેતાગિરી કહેવાય !

***

અને, સ્વાભાવિક છે, જો બે દેશો વચ્ચે લડાઈ થવા લાગે ત્યારે બન્ને દેશોને શાંતિ રાખવાનું કહેતાં કહેતાં બન્નેને હથિયારો વેચતા જાય..

- તો એને ‘આંતરરાષ્ટ્રિય’ રાજનિતિ કહેવાય.

***

પણ બે જણા લડીને છૂટા પડી ગયા હોય, બધું ઠંડુ પડી ગયું હોય, છતાં અમુક લોકો ‘તનાવ…’ ‘તંગદિલી…’ ‘જંગ…’રણભૂમિ…’ એવા ઘાંટા પાડ્યા કરતા હોય…

- એ ન્યુઝ ચેનલના એન્કરો કહેવાય !

***

- મન્નુ શેખચલ્લી

Comments