વડીલો ફરિયાદ કરતા હોય છે કે આજકાલનાં નવાં ફિલ્મી ગાયનોમાં શબ્દો સાવ ‘મિનિંગ-લેસ’ હોય છે.
અમે કહીએ છીએ કે વડીલ, અમુક ગાયનોમાં તો એવો ગૂઢ અર્થ છૂપાયેલો હોય છે કે પહેલીવાર સાંભળવાથી સમજાય જ નહિ ! એ તો જરા ‘મનોમંથન’ કરો પછી જ સમજાય… જુઓ…
***
ગાયન :
ચાર બોતલ વોડકા, કામ મેરા રોજ કા…
ગૂઢાર્થ :
હકીકતમાં આ ઘેર ઘેર દારૂ પહોંચાડતા બૂટલેગરના સપ્લાયર બોયનું ગાયન છે ! એ ટપોરી રોજની ચાર બોતલ વોડકા, આઠ બોતલ વ્હિસ્કી અને બાર બોતલ બ્રાન્ડીની હોમ ડિલીવરી કરે છે.
***
ગાયન :
સિગડી પે દિલ સેક રહા હું, તેરા રસ્તા દેખ રહા હું…
ગૂઢાર્થ :
આ એક ‘લોક-ફરિયાદ’ છે ! ફરિયાદ કરી રહેલો બિચારો કોમનમેન સબસીડીના ગેસ-બાટલાની રાહ જોઈને થાકી ગયો છે…. હવે તે સગડી ઉપર જ દિલ શેકી લેવા માગે છે !
***
ગાયન :
તૂ હૈ… તો મૈં હૂં… તૂ હૈ, તો મૈં હૂં…
ગૂઢાર્થ :
બકો વોટ્સ-એપ ઉપર એની ગર્લ-ફ્રેન્ડ જોડે ચેટિંગ કરી રહ્યો છે. પેલી લખે છે : Hey… તો આ ભઈ લખે છે : Hmm… Hey.... તો Hmm... Hey... તો Hmm... સમજી ગયા ?
***
ગાયન :
તૂં હૈ કે નહીં… તૂ હૈ કે નહીં…
ગૂઢાર્થ :
બકો કલાકો લગી Hmm… Hmmm…. કરતો રહ્યો એમાં પેલી બીજા જોડે જતી રહી ! હવે બકો રડે છે કે તૂ Hey… કે નહીં ?
***
ગાયન :
પિન્ક લિપ્સ પિન્ક લિપ્સ, પિન્ક લિપ્સ પિન્ક લિપ્સ, મેરે પિન્ક લિપ્સ, પિન્ક-લિપ્સ, પિન્ક-લિપ્સ…
ગૂઢાર્થ :
સની લિઓનનું આ ગાયન સાંભળીને ઘણાં વડીલો ‘ઉત્તેજિત’ થઈ જાય છે ! (બન્ને અર્થમાં) પરંતુ અંકલ, ગુસ્સે થવાની જરૂર નથી…
હકીકતમાં તો એ બિચારી ‘પિન-ક્લિપ્સ’ વગેરે વેચનારી પાથરણાવાળી છે ! જરા ધ્યાનથી ઉચ્ચારો સાંભળો… અને બિચારીને કંઈ બોણી કરાવો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment