PUBG ગેઈમના ફાયદા !


આજકાલ યુવા પેઢીને PUBG ગેઈમનું ઘેલું લાગ્યું છે.

સૌ કહે છે આ ગેઈમ ખરાબ છે. એટલે જ અમને વિચાર આવ્યો કે PUBGથી કેવા કેવા ફાયદા થાય છે…

***

સૌથી પહેલો ફાયદો તો એ કે યુવાનો આ ત્રણ-ચાર-પાંચ કલાક દરમ્યાન ભલતી સલતી પોર્ન-સાઈટ વગેરેથી દૂર રહે છે.

***

બીજો ફાયદો એ છે કે ભારતની ભાવિ પેઢીને જાણવા મળે છે કે કેટલી જાતની મશીનગનો કેટલી જાતની રિવોલ્વરો અને કઈ કઈ ટાઈપના બોમ્બ હોય છે.

***

અંગૂઠાને કસરત મળે છે એ તો સમજ્યા પણ અંગૂઠા વડે યુધ્ધો લડવાની ટ્રેનીંગ પણ મળી રહી છે. કારણ કે ભવિષ્યમાં યુધ્ધો આવી જ કોઈ ટેકનોલોજી વડે લડાવાનાં છે !

***

સૌથી મોટી શીખવાલાયક બાબત (ખાસ કરીને ગુજરાતી યુવાનોને) એ છે કે લડાઈ લડતાં લડતાં કંટાળો આવે તો ક્યાંક સંતાઈને સૂઈ જવાનું ! ભલે લડતા બીજાઓ…

***

આ ગેઈમ અહિંસાના પાઠ ભણાવે છે... કેમ  કે આપણે મારીએ છીએ છતાં કોઈ મરતું નથી !

***

આ ગેઈમ એવું પણ શીખવે છે કે ‘આત્મા અમર છે !'...  કારણ કે ગેઈમમાં મરી ગયા હોઈએ છતાં બીજી ગેઈમ માટે પાછા જીવતા જ હોઈએ છીએ !’

***

પપ્પા-મમ્મીને ઈમોશનલી બ્લેક-મેલ કરવા માટે પણ આ ગેમ બેસ્ટ છે. ભલે આપણને એનો ક્રેઝ હોય કે ના હોય, છતાં અમથી અમથી ધમકી આપી દેવાની કે “જો મને નવું જિન્સ નહીં અપાવો તો હું આપઘાત કરી નાંખીશ ! હા…”

***

અને હા, જ્યારે તમે પોતે વડીલ થઈ જાઓ ત્યારે તમે ફાંકા મારી શકશો કે "હું તો એક જ સેશનમાં 500-500 દુશ્મનોને મારી નાંખતો હતો ! મને તો ઈન્ડિયન આર્મીમાં જોઈન થવાની ઓફર બી આવેલી, પણ તારી આન્ટીએ ના પાડી ..."

***

- મન્નુ શેખચલ્લી

Comments