પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI પોતાના દેશમાં અને POKમાં તો આતંકવાદીઓને ટ્રેનીંગ આપવાના કોર્સ ચલાવે જ છે, પરંતુ ભારતમાં પણ એમના અમુક કોર્સ ચાલી રહ્યા છે…
***
MTHR = માસ્ટર્સ ઈન ટેરરિઝમ હ્યુમન રાઈટ્સ
“આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો અને ‘છેવટે’ તો આતંકવાદીઓ પણ માનવીઓ જ છે” એવું માનતા હો કે ન માનતા હો, પરંતુ આ કોર્સ કરવાથી તમને ભારતમાં અમુક NGOમાં, અમુક મિડીયા હાઉસોમાં તથા વકીલાતની ડિગ્રી ધરાવતા હો તો કોર્ટોમાં બહુ સારી આવકની રોજગારી મળતી રહે છે.
***
Ph.D. (Psu.Sec) = પીએચડી ઈન સ્યુડો-સેક્યુલારીઝમ
જોકે આવો કોઈ કોર્સ કર્યા વિના જ અમુક લોકો મોટા મોટા રાજકીય નેતાઓ બની ગયા છે ! છતાં, જો તમે આ કોર્સ કરી લેશો તો વકીલાતો કરવાની તક મળે છે. (કોર્ટમાં નહિ પણ મિડીયામાં)
***
BPT = બેચલર ઈન પીસ ટોક
દુશ્મન દેશ જોડે દાયકાઓ લગી શાંતિમંત્રણાઓ કેવી રીતે કર્યા કરવી, તેમને ભારતમાં કેવી કેવી રમણીય જગાઓમાં ફેરવવા, કેવી કેવી ભાવતી ભારતીય વાનગીઓનાં ભોજન કરાવવાં તથા વાર તહેવારે સંગીતના જલસા ગોઠવીને શાંતિનું કેવું ‘વાતાવરણ’ બનાવી રાખવું… વગેરે હાઈ-સોસાયટીની ટેકનિકો શીખવવામાં આવે છે.
તમને નવાઈ લાગશે, પણ આમાં મહારત હોય તો ભારતનાં જ દૂતાલયોમાં નોકરી પણ મળી જાય છે.
***
AII = એક્ટિંગ ઈન ઈનટોલરન્સ એન્ડ ઈનસિક્યોરીટી
આ એક નાનકડો શોર્ટ-ટર્મ એક્ટિંગ કોર્સ છે. આ કોર્સ ખાસ કરીને અભિનેતાઓ, કલાકારો, લેખકો તથા બુધ્ધિજીવીઓ માટે બનાવવામાં આવ્યો છે. આ નાનો કોર્સ કરતાંની સાથે તમને આ દેશમાં ભય દેખાવા માંડશે અને ચારે તરફ અસહિષ્ણુતાનાં દર્શન પણ થવા માંડશે.
તા.ક. : આ કોર્સના પ્રભાવમાં આવીને તમને મળેલા એવોર્ડ્ઝ પાછા જતા કરવાનો વારો આવી શકે છે.
***
CANA = સર્ટિફિકેટ ઈન એન્ટી-નેશનલ આઝાદી
આ સર્ટિફિકેટ કોર્સ કરવાથી તમે દેશવિરોધી સુત્રો પોકરતાં શીખી જશો. આ સર્ટી. બતાડવાથી તમને ‘એન્ટી-નેશનલ આઝાદી’ પણ મળી જશે.
ખાસ નોંધ : પથ્થરમારાનો કોર્સ માત્ર કાશ્મીરમાં ચાલે છે. એમાં પણ પથ્થરો ઘરેથી લાવવાના રહેશે. ISI પાસે પથ્થરોનું બજેટ નથી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment