CBI ની નવી કહેવતો !


બંગાળમાં CBI રેઈડ પાડવા ગઈ એ પછી જે નાટકો, ભવાઈ અને ભવાડા થયા એ જોતાં અમને જુની કહેવતો ઉપરથી નવી નવી કહેવતો યાદ આવી રહી છે.

***

જુની : કરવા ગયા કંસાર, ને થઈ ગઈ થૂલી

નવી : કરવા ગયા પૂછપરછ, ને થઈ ગઈ ધરપકડ !

***

જુની : ધરમ કરતાં ધાડ પડી.

નવી : તપાસ કરતાં ટપલી પડી !

***

જુની : ખાયા પીયા કુછ નહીં, ગિલાસ તોડા બારા આના.

નવી : ખોજા પૂછા કુછ નહીં, પ્રોટોકોલ તોડા, સૌ હેડલાઈન !

***

જુની : નેકી ઔર પૂછપૂછ ? તૌબા તૌબા…

નવી : ચીટફંડ ઔર પૂછપૂછ ? તૌબા તૌબા !

***

જુની : જે દુઃખે બાવા થયા એ તો ત્યાંનું ત્યાં જ

નવી : જે શોધવા બંગાળ ગયા, એ તો ઠેરનું ઠેર !

***

જુની : આગ લાગે ત્યારે કૂવો ખોદવો.

નવી : કોઈ કૂવો ખોદવા આવે ત્યારે જ આગ લગાડવાની !

***

જુની : પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે મઝા કરે

નવી : સીબીઆઈ નબળી નથી, સીબીઆઈ ભોળી નથી, સીબીઆઈ કોલકત્તાની ડાળે આરામ કરે..

***

જુની : હીરો ઘોઘે જઈ આવ્યો, ડેલીએ હાથ દઈ આવ્યો

નવી : સીબીઆઈ કોલકતા જઈ આવી, મમતાને બહાનું દઈ આવી !

***

જુની : દુઃખે છે પેટ, ને કુટે છે માથું

નવી : નડે છે કૌભાંડ, ને કરે છે ધરણાં !

***

જુની : શૂળીનો ઘા સોયથી ટળ્યો

નવી : સીબીઆઈની રેઈડ, ધરણાંથી ટળી

***

જુની : હોઠ સાજા તો ઉત્તર ઝાઝા

નવી : કૌભાંડ ખુલે તો ગઠબંધન ઝાઝાં !

***

જુની : આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા

નવી : આવો રાહુલ – મમતા, આપણે બેઉ સરખા !

***

જુની : સાપ ગયા ને લીસોટા રહ્યા

નવી : ચીટફંડ ગયા ને દાવપેચ રહ્યા !

***

- મન્નુ શેખચલ્લી

Comments