ડબલ શાહરુખ ( હાસ્ય કથા)

‘હેએએય ! મુઝે પહેચાના તો નહીં ?’


મુંબઈની એક ફૂટપાથ પર પાંવભાજીની લારી ચલાવતો રઘુ ચિપલુણકર મોડી રાત્રે, ઘરાકી પતી ગયા પછી, પોતાની લારી બંધ કરવાની તૈયારીમાં હતો ત્યાં જ રીક્ષામાંથી ઉતરીને આવેલા નવા ઘરાકને જોઈને તે ચોંકી ગયો !

“હાઈલા ! શાહરૂખખાન ? આપ ?”

“શી…. શ!” શાહરૂખખાને નાક ઉપર આંગળી મુકીને ચૂપ રહેવાનો ઈશારો કરતાં આજુબાજુ નજર નાંખી લીધી.

“ક્યા હૈ, ફાઈવ સ્ટાર હોટલોં કા ખાના ખાતે ખાતે મૈં પક ગયા હું ! વહી સાલા ફીકા ફીકા સ્વાદ…. ઉં? ભાઈ સાહબ, પાંવભાજી કા અસલી કરારા સ્વાદ ચખે તો બરસોં હો ગયે ! એક બના દેંગે, મેરે લિયે?”

બિચારો રઘુ ચિપલુણકર તો ઘેલો ઘેલો થઈ ગયો ! “બૈઠીયે ના, શાહરુખજી ! બૈઠિયે ના ! અભી બનાતા હું !”

“જરા તીખા બનાના, મસાલેદાર… ડબલ બટર માર કે !”

શાહરુખ જરા સાઈડના સ્ટુલ પર જઈને બેઠો. તેણે હજી ગોગલ્સ પહેરી રાખ્યા હતા. આસપાસથી પસાર થતાં વાહનોનું ધ્યાન ના ખેંચાય એટલા ખાતર કાળા જાકિટનો કોલર ઊંચો કરી દીધો.

મસ્ત ગરમાગરમ પાંવભાજી ખાધા પછી તેણે જાકીટના ખિસ્સામાં હાથ નાંખતાં પૂછ્યું “ભૈયા કિતના હુઆ?”

ચિપલુણકર ગળગળો થઈ ગયો. “અરે ક્યા સા’બ ! આપ સે પૈસા કૈસે લે સકતા હું ? બસ, એક સેલ્ફી લેને દો, આપ કે સાથ.”

બસ, એ જ વાતે શાહરુખે હસીને ઈનકાર કરી દીધો. “ક્યા હૈ, કિ આજ તુમ સેલ્ફી લોગે, કલ ઉસકા પ્રિન્ટ નિકાલ કે અપને ઠેલે પે લગાઓગે… ઔર પરસોં સે યહાં ભીડ જમા હોને લગેગી ! ફિર મૈં તો ઈધર આ હી નહીં સકતા ના ?.... ઉં? અગર ચાહતે હો કિ મૈં યહાં આતા રહું, તો…”

ચિપલુણકર માની ગયો. મોબાઈલ પાછો મુકી દીધો. શાહરૂખ ખાન તેનો ખભો થપથપાવી, હાથ મિલાવીને જતો રહ્યો…

***

… એ શાહરુખ નહોતો, બબ્બન હતો ! શાહરૂખનો ડુપ્લીકેટ ! ઓછા અજવાળામાં અને બહુ ટીકીટીકીને ના જુઓ તો શાહરુખ જ લાગે.

ફિલ્મોમાં એને ડુપ્લીકેટનું કામ મળી રહેતું. બબ્બન અચ્છો ડાન્સર હતો. શાહરૂખનાં સ્ટેપ્સની અદલોઅદ્દલ કોપી કરી લેતો હતો. હા, ફાઈટ સીન માટે અલગ ડુપ્લીકેટો હતા. આપણા બબ્બનને તો ગાયનોમાં જ્યારે કેમેરો દૂર ગોઠવેલો હોય,  ખાસ કરીને ભીડમાં અથવા પહાડોની ટોચ ઉપર હિરોઈન સાથે નાચવાનું હોય ત્યારે તેને ડુપ્લીકેટ એકટ્રેસ જોડે ઊભો કરી દેવામાં આવતો.

શૂટિંગ હોય ત્યારે તો પૈસા ઠીકઠાક મળી રહેતા હતા પણ જ્યારે દિવસો લગી તેનું કામ ના હોય ત્યારે બબ્બનની દશા ખરાબ થઈ જતી હતી. નાના મોટા કોમેડી-મિમિક્રી શો પણ કંઈ રોજેરોજ થોડા હોય ?

એવામાં એક દિવસ જ્યારે બબ્બનનાં ખિસ્સાં સાવ ખાલી થઈ ગયાં અને પેટમાં પણ મોટી પોલ પડી હતી ત્યારે એણે આ આઈડિયા અજમાવ્યો.

પાંવભાજી મફતમાં ખાવા મળી ગયાં ! બસ, એ દિવસથી બબ્બન રોજ રાતનું ‘ડીનર’ આ જ રીતે કરતો થઈ ગયો. એણે અલગ અલગ એરિયામાં એવી લારીઓ શોધી કાઢી, જે થોડા અંધારામાં હોય અને જ્યાં ખાસી ઘરાકી ના થતી હોય.

પાંવભાજી ઉપરાંત તેણે ઈંડા-આમલેટ, ફીશ-ફ્રાય, ચિકનફ્રાય, છોલેપુરી તથા ચાઈનિઝ ફૂડની લારીઓ પણ શોધી રાખી હતી.

છેલ્લા ચાર વરસથી બબ્બનનો આ ખેલ ચાલી રહ્યો હતો. બસ, આ ‘ઝિરો’ ફ્લોપ ગયું ને, એ પછી શાહરૂખની જેમ બબ્બનની પણ દશા બેસી ગઈ ! થયું એવું કે…

***

“આઈયે ! આઈયે શાહરુખ સા’બ!”

બબ્બન હજી રીક્ષામાંથી ઉતરીને પેલા રઘુ ચિપલુણકરની ભાજીપાંવની લારી પાસે પહોંચે એ પહેલાં જ કોઈ ઊંચા સરખા પહોળા માણસે ઓલમોસ્ટ અમરિશપુરીનો અવાજ કાઢીને તેને આવકાર આપ્યો !

બબ્બન ચોંક્યો. “બિચારા અમરિશપુરીના ડુપ્લીકેટને હવે પાંવભાજીની લારી ચલાવવી પડે છે ?”

એ નજીક ગયો. ગોગલ્સ સ્હેજ નીચા કરીને શાહરૂખની અદામાં ગાલમાં ડિમ્પલ પડે એ રીતે સ્માઈલ આપતાં કહ્યું “હેએએય ! મુઝે કહીં પહેચાન તો નહીં લિયા?”

“સરજી, આપ કો કૌન નહીં પહેચાનતા?” પેલાએ અમરિશપુરીની જેમ જ અટ્ટહાસ્ય કરતાં બબ્બનનો ખભો હચમચાવી નાંખ્યો.

“આપ બૈઠીયે, મૈં આપ કી ફેવરીટ ગરમાગરમ તીખી મસાલેદાર પાંવભાજી ડબલ બટર મારે કે લે આતા હું…”

બબ્બન બેઠો તો ખરો, પણ આખો માહૌલ એને શંકાસ્પદ લાગી રહ્યો હતો. ચિપલુણકરને બદલે લારીનો વહીવટ કરનારો માણસ પાંવભાજી બનાવવાને બદલે વારાફરતી ફોનો કરી રહ્યો હતો : “આ જાઓ ભઈ, આ જાઓ ! શા’રુખજી પધાર ચુકે હૈ…”

“હેએએય! યે ક-કક-ક-કિસ કો ફોન કરકે બુલા રહે હૈં ?” બબ્બનને ગભરામણ થતી હતી એટલે શાહરુખના તોતડાપણાની મિમિક્રી પણ પરફેક્ટ રીતે નીકળી.

પેલો હસ્યો. “ફિકર મત કરો શાહરુખ સા’બ, સબ આપ કે ફેન હી હૈ…”

થોડી જ વારમાં શાહરુખના દસ બાર ‘ફેન’ આવી ચડ્યા ! કોઈ જીપમાં આવ્યું, કોઈ બાઈક ઉપર તો કોઈ સ્કુટર ઉપર.. કોઈના હાથમાં ડંડો હતો, કોઈના હાથમાં હોકી તો કોઈના હાથમાં લોખંડની ચેઈન હતી !

બબ્બનનું તોતડાપણું વધી ગયું. “હેએએએય ! ક-ક-ક-કકકક ક્યા હો રહા હૈ ? ઉં?”

“દેખિયે, મૈં મુંબઈ કે લારી-ગલ્લા એસોસિએશન કા પ્રેસિડેન્ટ હું. યે જનરલ સેક્રેટરી હૈ… યે ખજાનચી હૈ.. ઔર બાકી સારે ફાઉન્ડર મેમ્બર હૈં…”

બબ્બનના ટાંટિયા ધ્રુજવા લાગ્યા. અમરિશપુરી જેવા લાગતા પેલા પ્રેસિડેન્ટે તેના ગાલે પોતાનો પંજો ફેરવતાં કહ્યું “યે તો અચ્છા હુઆ કિ કલ હમારી જનરલ બોડી મિટીંગ થી… વહાં ઈસ લારીવાલે ચિપલુણકરને બડે ગર્વ કે સાથ બતાયા કિ શાહરુખ તો ઉસ કા રેગ્યુલર કસ્ટમર હૈ ! તભી પતા ચલા કિ શાહરુખ સા’બ, આપ તો હમારે પચાસ મેમ્બર કે ખાસ કસ્ટમર હો !... અબ આપકા સન્માન તો કરના પડેગા ના?”

બીજી જ ક્ષણે બબ્બન સમજી ગયો કે હવે બહુ ધૂલાઈ થશે... બબ્બન એનો જીવ બચાવીને ભાગ્યો !

જોકે ભાગવા જતાં એનો પગ લાઈટના થાંભલા સાથે ખરાબ રીતે અથડાયો અને એના ઘુંટણની ઢાંકણી ફ્રેક્ચર થઈ ગઈ !

હવે તમે જ કહો, લંગડી ચાલે ચાલતો શાહરુખ ડાન્સ કરે તો કેવો લાગે ? ટુંકમાં, બિચારા બબ્બનને શાહરુખનું કામ મળતું બંધ થઈ ગયું.

હવે એ વિચારી રહ્યો છે કે એકાદ પાંવભાજીની લારી ચાલુ કરી દે.

શી ખબર, કોઈક દહાડો ખરેખર અસલી શાહરુખ આવીને કહે, કે….

***

- મન્નુ શેખચલ્લી

Email : mannu41955@gmail.com

Comments