કહે છે વિશ્વભરમાં ‘પોલાર વોર્ટેક્સ’ નામનું શીત-વાવાઝોડું ત્રાટક્યું છે એના કારણે જ શિકાગો જેવા શહેરોમાં માઈનસ 25 ડીગ્રીએ તાપમાન ફરી ગયું હતું.
આવા માહૌલમાં બીજી પણ અનોખી ઘટનાઓ બની હતી…
***
શિકાગોના ઘેટ્ટોઝમાં (ગરીબ લોકોની વસ્તીઓમાં) વિચિત્ર પ્રકારની ઘટનાઓ બની. ત્યાંથી પસાર થઈ રહેલા પૈસાદારોના પૈસા, પાકિટ, વીંટી, ઘડિયાળ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ વગેરે બધું જ સલામત રહ્યું…
- બસ એમના ઓવરકોટ, સૂટ, સ્વેટર, મફલર, ટોપા, હાથમોજાં, પગનાં મોજાં એવું બધું ચાકુની અણીએ લૂંટાઈ જતું હતું !
***
લૂંટાઈ રહેલા પૈસાદારોએ ફરિયાદ કરી હતી કે અમને આ શહેરમાં ‘પોલીસ પ્રોટેક્શન’ નહિ, પણ ‘બોડી પ્રોટેક્શન’ની તાતી જરૂર હતી !
***
એક રાત્રે એટલી ખતરનાક ઠંડી હતી કે 36 માળના એક બિલ્ડિંગના બેઝમેન્ટમાં જ્યારે આગ લાગી ગઈ ત્યારે આખા બિલ્ડીંગના રહેવાસીઓમાંથી કોઈએ ફાયર-બ્રિગેડમાં ફોન જ ના કર્યો !
***
શિકાગોની નાઈટ ક્લબોમાં ડાન્સ કરતી છોકરીઓ સ્વેટર, મફલર અને ઓવરકોટ ‘પહેરીને’ પરફોર્મન્સ કરી રહી હતી !
***
અરે, દેહના સોદા કરનારી વર્કરોએ તો એમના ભાવ પાંચ ગણા વધારી દીધા હતા ! આ એકસ્ટ્રા ભાવ માત્ર કપડાં ‘ઉતારવા’ માટેના હતા…
***
શિકાગોની ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ગોરા લોકોએ જોરદાર ધસારો કર્યો હતો. કારણ કે…
… આપણી તીખી અને મસાલેદાર વાનગીઓ ખાવાથી એમના શરીરમાં આગ લાગી જતી હતી !
***
જોકે શિકાગોમાં રહેતા ઇન્ડિયનો વધારે શાણા નીકળ્યા. એ લોકો શિકાગોની મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં જઈને , માત્ર ‘મેનુ’ ખોલીને બેસી રહ્યા…
- કારણ કે આપણને તો એટલા મોંઘા ભાવ જોઈને જ પરસેવો છૂટી જતો હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment