ગડી વાળી શકાય એવા મોબાઇલ !


હમણાં અમે વોટ્સએપમાં એક વિડીયો જોયો. એમાં બતાડ્યું છે કે હવે એવા પાતળા મોબાઈલો આવવાના છે કે તમે એને ગડી વાળીને ગમે ત્યાં મુકી શકશો !

લો બોલો ! એ પછી તો…

***

સૌથી પહેલાં બહેનો આનો ફાયદો ઉઠાવશે. જે રીતે એ લોકો દસની નોટની યે પાંચ ગડી વાળીને પોતાની પર્સમાં મૂકી રાખે છે એ રીતે મોબાઈલને પણ ગડીઓ વાળીને પર્સમાં રાખશે !

***

જેન્ટ્સ લોકો જે પોતાના શર્ટના ખિસ્સામાં જાતભાતની કાપલીઓ, કાગળિયાં, વિઝિટીંગ કાર્ડઝ, પરચૂરણ વગેરેના ડૂચા ભરી રાખે છે એમાં હવે કાપલીઓની જોડે મોબાઈલ પણ ગડી વાળીને મુકતા થઈ જશે.

***

ટ્રેનોમાં અને બસોમાં અપ-ડાઉન કરનારા મુસાફરો જે રીતે ટિકીટને ગડી વાળીને ઘડિયાળના બેલ્ટમાં ખોસી રાખે છે એ જ રીતે હવે મોબાઈલને પણ ગડી વાળીને ખોસી રાખશે.

***

એ તો ઠીક, સુથારો – મિસ્ત્રીઓ વગેરે તો કાન ઉપર પેન્સિલ ખોસી રાખે છે એ રીતે બીજા કાન ઉપર મોબાઈલ ખોસી રાખશે !

***

સ્કુટર – બાઈક પર જતાં તો કેટલું ઈઝી થઈ જવાનું ! કાનમાં બ્લુ-ટુથનો ડટ્ટો ભરાવવાને બદલે ગડી વાળીને સીધો ફોન જ કાનમાં ખોસી દેવાનો ને ?

***

અમુક મસલ્સવાળા બોડીબાજો, જે ટુંકી બાંયના ટી-શર્ટો પહેરીને બાવડાનાં ગોટલા બતાડે છે એ લોકો ટી-શર્ટની બાંયમાં ગડી વાળીને મોબાઈલ રાખી શકશે.

***

કોલેજમાં અને સ્કુલોમાં મોબાઈલ લઈ જવામાં કેટલી આસાની થઈ જશે ! ગડી વાળીને મોબાઈલ નોટમાં જ ખોસી દેવાનો !

***

જો ક્લાસના સર તમારો મોબાઈલ પકડવા આવે તો ફટાફટ ગડી વાળીને મોંમાં મુકી દેવાનો !

***

બાકી છેવટે… જ્યારે મોબાઈલ બગડી જાય ત્યારે એની ‘ગડી’ વાળવાને બદલે ‘ભૂંગળી’ વાળીને…

***

- મન્નુ શેખચલ્લી

Comments