નેગેટિવિટીમાં નવ ગુણ !


“આ અમિતાભ આવડો મોટો એકટર છે. છતાં એની એકેય ફિલમ માંડ 100 કરોડનો ય ધંધો કરી શકતી નથી… પેલો સુનીલ ગવાસકર ઘૂસણિયો છે. ગમે તે મેચમાં એ કોમેન્ટ્રી બોક્સમાં ચોંટેલો જ હોય છે… મોદીમાં કોઈ આવડત નથી, ખાલી મોટી મોટી વાતો કર્યે રાખે છે… હું તો બધાને ઓળખું છું…”

તમે માર્ક કરજો. તમારી સોસાયટીમાં, એપાર્ટમેન્ટમાં, ઓફિસમાં, કોલેજમાં, કેન્ટિનમાં કે છેવટે પાનના ગલ્લે તમને એકાદ આવો નમૂનો મળી જ જવાનો ! એને કોઈને માટે માન નથી, એને કોઈ ફિલ્મ ગમતી નથી, કોઈ લેખક પસંદ નથી, કોઈ સરકાર એના હિસાબે સારી નથી, એ તો ઠીક, આખી દુનિયામાં ક્યાંય કશુંય (એના હિસાબે) ‘બરોબર’ નથી !

છતાં તમે જોજો, એ માણસ જ્યારે આ રીતે નેગેટિવિટીના ધૂમાડાઓ છોડતો હોય છે ત્યારે એના ચહેરા ઉપર કેવો પરમ આનંદ હોય છે !

મૂળ વાત જ આ છે. આજકાલના આ પોઝિટિવિટીના પુરમાં તણાઈને તમારા જેવા ભોળા લોકો સતત પોતાની જાતને ‘સુધારવાની’ ‘ઈમ્પ્રુવ કરવાની’ કે ‘સફળ બનાવવાની’ વ્યર્થ કોશિશોમાં લાગ્યા રહો છો. સરવાળે સુધરવું, ઈમ્પ્રુવ થવું કે સફળ થવું બાજુ પર રહ્યું… ઉલ્ટું, તમને પોતાને ગિલ્ટ થવા માંડે છે કે યાર, મારામાં કંઈક ખૂટે છે !

જ્યારે પેલા નેગેટિવિટીના નવ ગુણ ધરાવતા લોકો ? એમને કશું નડતું જ નથી !

ઓફિસમાં કોઈ એનાથી આગળ નીકળી જાય તો કહેવાનું “એ તો ચમચો છે !” કોઈ એના કરતાં વધારે કમાતું હોય તો કહેવાનું “એના બધા અવળા ધંધાની મને ખબર છે !” કોઈ ફેમસ થઈ ગયું તો કહેવાનું “એને શો-બાજી કરવાની બહુ ચૂલ છે !”

આવા માણસો ક્યારેય કોઈના વખાણ નહિ કરે. હા, કોઈ દોસ્ત મફતમાં દારૂ પીવડાવે ત્યારે એને ‘જિગર..’ ‘જાનુ…’ ‘બોસ..’ ‘રાજ્જા…’ એવું બધું કહેશે પણ જેવો નશો ઉતરી ગયો કે તરત એની પીઠ પાછળ ચાલુ થઈ જશે “હલકટ છે સાલો, દારૂડીયો !”

હું આવા લોકોની અહીં ટીકા નથી કરી રહ્યો. બલ્કે હું તો કહું છું કે જીવનમાં જલસા કરવા હોય તો આવા લોકો પાસેથી ‘પ્રેરણા’ લો !

યાર, જ્યારે તમે એમ કહેશો કે “મુકેશ અંબાણીએ આટલા બધા રૂપિયા કમાઈને શું ધાડ મારી, હેં ?” ત્યારે તમને કોઈ મુકેશ અંબાણીની સિધ્ધિઓ ગણાવી સંભળાવવાનું નથી !

જો તમે એમ કહેશો કે “મોદીને તો કંઈ આવડતું નથી” તો તમને કોઈ એમ પૂછવાનું નથી કે “ટોપા, તને શું આવડે છે, એમ બોલ ને ?”

બસ, આ જ મઝા છે ! તમે જાતે ટ્રાય કરી જોજો. પાનના ગલ્લે, ઓફિસની કેન્ટિનમાં કે સોસાયટીના ઓટલે બેસીને જો તમે માત્ર એક કલાક સુધી મોટા મોટા અવાજે બધાની પત્તર ખાંડીને ઊભા થશો ત્યારે કેવી ‘થ્રિલ’નો અનુભવ થાય છે ! તમારી છાતી ફૂલી ગયેલી હોય છે, મગજ અને બોડીમાં લોહી ધમધમ કરતું ફરતું થઈ જાય છે અને તમારી આજુબાજુના લોકો તમારાથી ‘ઈમ્પ્રેસ’ થઈ ગયા છે એવી એક ફિલિંગ દસ-બાર કલાક સુધી મનમાં ટકી રહે છે !

તો યાર, લાઈફમાં બીજું જોઈએ પણ શું ? હેં ? દાખલા તરીકે આ લેખ વાંચ્યા પછી મોટેથી બોલો: “આ મન્નુ શેખચલ્લીને તો કંઈ હાસ્ય લેખક કહેવાતો હશે ? સાવ રોંચો છે, રોંચો…”

બસ, આટલું તો કરી જુઓ ? તમને ખરેખર સારું લાગશે !

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. વાહ મજા પડી ગઈ... નવું નવું લાવ્યા જ કરો છો હો

    ReplyDelete

Post a Comment