બજેટ પછીની ચિંતન કણિકાઓ ...


બજેટ રજુ થાય પછી એક્સ્પર્ટો એનું ‘વિશ્ર્લેષણ’ કરે છે…

વિરોધપક્ષો એને ‘વખોડી’ કાઢે છે…

શાસક પક્ષને એમાં ‘ભવિષ્ય’ દેખાય છે…

અને બિચારા સામાન્ય લોકો છેવટે ‘ટેક્સ’ ભરે છે !

***

બજેટમાં, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એ બતાડનારાઓ જ જાણે છે કે રૂપિયો ખરેખર ક્યાં જશે !

***

એ જ રીતે, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એની ખૂબ ચર્ચાઓ થાય છે પણ કોઈ પૂછતું નથી કે…  “ગયો ક્યાં ?”

***

સામી ચૂંટણીએ રજુ થનારાં બજેટો ‘લોલિપોપ’ જેવા હોય છે તેથી વિરોધપક્ષનાં મોં બગડી જાય છે…

અને ચૂંટણી જીતી લીધા પછીનાં બજેટો ‘કડવી ગોળી’ જેવાં હોય છે જેમાં બિચારી પ્રજાનું પેટ બગડી જાય છે.

***

બજેટનું આખું ગણિત એક દોડની રેસ જેવું હોય છે…

જેમાં સૌથી આગળનાં નંબરે આવીને જે લોકો ઈનામો જીતી જાય છે તેમની ઈનામની રકમમાંથી ટેક્સ કાપીને…

જે બિચારા પાછળ રહી ગયા છે અથવા દોડ્યા જ નથી તેવા લોકોને ‘નહિ દોડવાની’ સબસીડીઓ આપવામાં આવે છે !

***

તમે છેલ્લાં 70 વરસનાં બજેટો જોઈ લો…

એમાં વૈભવી જીવનશૈલી (લકઝરી આઈટમો) ઉપર સૌથી વધુ ટેક્સ નંખાયો છે છતાં લોકોની લકઝરીઓ તો વધતી જ જાય છે !

એ જ રીતે છેલ્લાં 70 વરસમાં ગરીબોને મદદ કરવા માટે અબજો ખર્વો રૂપિયાની જોગવાઈ થઈ છે છતાં ગરીબોની સંખ્યા પણ વધતી જ જાય છે ! એવું કેવું ?

***

ટુંકમાં, તમામ બજેટોનો સાર એક જ છે :

જો તમે કમાઈ રહ્યા છો તો એવા લોકોને મદદ કરો જે લોકો કમાતા નથી.

અને જો તમે કમાતા નથી ? તો ચિંતા ના કરો… તમારા માટે કમાનારા મુરખાઓ પુરતી સંખ્યામાં છે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments