પાકિસ્તાની આર્મીની સ્ટ્રેટેજી ...


POKમાં ભારતની એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાની છાવણીમાં ભારે હલચલ મચી ગઈ છે ! ત્યાંની આર્મીના ઓફિસરો મિટિંગ ઉપર મિટિંગો કરી રહ્યા છે…

છેલ્લા બે દિવસમાં આ સત્તરમી મિટિંગ છે ! જુઓ, શું ચાલી રહ્યું છે…

***

“દેખિયે…” વડા અફસર હવે ઘસાઈ ગયેલા અવાજે બોલી રહ્યાં છે. “હાલાત બડે સિરિયસ હોતે જા રહે હૈ. હમેં કોઈ સ્ટ્રેટેજી બનાની પડેગી…”

પણ સ્ટ્રેટેજી શું બનાવે ? સખત કન્ફ્યુઝન ચાલી રહ્યું છે… ભારત નવો હુમલો કરે તો આપણે શું કરવું ? આપણે નવો હુમલો કરીશું તો ભારત શું કરશે ? આતંકવાદીઓ નવો હુમલો કરશે તો શું જવાબ આપીશું ? ભારત નવો જવાબ આપશે તો આપણે શું જવાબી કાર્યવાહી કરીશું ? હુમલા સામે હુમલો ? હુમલા પછી હુમલો ? હુમલા પહેલાં હુમલો ? કે હુમલા વિના જ હુમલો ?

આ ગુંચવાડામાં સૌના દિમાગ બહેર મારી ગયાં છે ! એવામાં એક જુનિયર અફસર ઊભો થઈને કહે છે :

“સર ! હમલા તો હુઆ હી નહીં !! હમારા તો કોઈ મરા હી નહીં ! 1000 કિલો બોમ્બ તો કહીં જંગલ મેં ગિરે હૈં… ફિર હમ ઈતના ટેન્શન ક્યું લે રહે હૈં ?”

અચાનક સન્નાટો છવાઈ જાય છે ! કોઈ કશું જ બોલી શકતું નથી ! એકાદ મિનિટ પછી વડા ઓફિસર ટોપિક બદલી નાંખતાં કહે છે :

“યાર, લંચ કે બાદ પાન ખાને કો નહીં મિલે… કુછ મૂડ ઠીક નહીં હૈ.”

“હાં જનાબ !” બીજો ટાપશી પૂરે છે. “બિરીયાની ભી બેસવાદ થી.”

“ઔર સબજી ભી ફીકી ફીકી સી થી… ખાને કે બાદ દિમાગ કામ હી નહીં કર રહા…”

વડા ઓફિસર બાજુમાં ઊભેલા કર્મચારીને પૂછે છે “યે લન્ચ ઇતના ખરાબ ક્યું થા ?”

“જનાબ, કેટરિંગવાલા કહતા હૈં કિ ટમાટર, પ્યાજ, બાસમતી ચાવલ ઔર બનારસી પાન… સબ કે ભાવ ચાર ગુના બઢ ગયે હૈં ! ઔર મારકેટ મેં માલ હી નહીં હૈ… ક્યા કરેં ?”

ફરી સન્નાટો છવાઈ જાય છે !

છેવટે મિટિંગમાં બે મહત્વના ઠરાવો મંજુર થાય છે.

(1) પાકિસ્તનના તમામ VIPઓ તથા આર્મીના અફસરોને વધારાનું ‘પ્યાજ-ટમાટર, ચાવલ-પાન’ ભથ્થું આપવામાં આવે !

(2) ભારતમાં ઘૂસનારા આતંકવાદીઓએ હવેથી બીજાં બધાં ઓપરેશનો પડતાં મુકીને ઇન્ડિયામાંથી પ્યાજ-ટમાટર અને ચાવલ-પાનનું સ્મગલિંગ કરી લાવવાનું રહેશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments