ભારતીય સૈન્યએ POKમાં સ્ટ્રાઈક કરીને આતંકવાદીઓને જવાબ આપ્યો છે. આ ઘટના પછી અમને પંચતંત્રની બે વારતાઓ યાદ આવે છે…
- જેમાં પંચતંત્રનો નવો ટ્વિસ્ટ પણ હશે !
***
પંચતંત્રની વારતા
એક ગામમાં એક ઝાડ નીચે મોટા રાફડામાં એક નાગ રહેતો હતો. ગામ લોકો તેનાથી બહુ ડરતા.
એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા. તેમની અહિંસા અને પ્રેમની વાતો સાંભળીને નાગ અહિંસક બની ગયો. હવે તે ફૂંફાડા પણ નહોતો મારતો.
ગામ લોકો જાણી ગયા કે આ તો કંઈ કરતો નથી એટલે સૌ તેને પજવવા લાગ્યા. કોઈ કાંકરા મારે, કોઈ સળી કરે, કોઈ ડંડા મારે.
નાગ કંટાળ્યો. પણ શું કરે ? એવામાં ગામમાં બીજા સાધુ પધાર્યા. નાગ એમને જઈને કહે છે “આ અહિંસા-પ્રેમમાં તો મને ત્રાસ ત્રાસ થઈ ગયો છે.”
નવા સાધુ કહે “તું ભલે કોઈને કરડે નહિ પણ તારે ફૂંફાડો તો મારવો જ જોઈએ ને !”
બસ ત્યારથી નાગ ફૂંફાડા મારતો થઈ ગયો…
હવે પ્રપંચતંત્રનો ટ્વિસ્ટ
નવા સાધુની વાતો અમુક ગામ લોકોને પસંદ નહોતી. એમણે ગામ લોકોને ભડકાવવા માંડ્યા :
“જુઓ જુઓ ! સાધુના ઉપદેશથી કેવી સ્થિતિ ઊભી થઈ છે ! ગામ લોકોને માથે સતત જોખમ છે ! ગામનાં બાળકો ડરથી ફફડે છે… પહેલાં તો કેટલી શાંતિ હતી ! નાનાં મોટાં સાપોલિયાં આરામથી ગામમાં અવર-જવર કરતાં હતાં… હવે આ નાગને કારણે બધાં સાપોલિયાં ડંખીલા થઈ જશે… કાઢો, કાઢો, આ સાધુને ગામમાંથી કાઢો !”
***
પંચતંત્રની વારતા
એક ખેતરમાં લાવરીએ બચ્ચાં મુક્યાં હતાં. બચ્ચાંઓએ ખેતરના માલિક અને એના દિકરાની વાતો સાંભળીને લાવરીને કહ્યું “આવતી કાલે આ ખેતરનો પાક લણાઈ જશે. બાપ-દિકરાનાં સગા-વ્હાલાં મદદ કરવા આવવાનાં છે.”
લાવરી કહે “કોઈ નહિ આવે..”
આવું ચાર-પાંચ દિવસ ચાલ્યું. છેવટે લાવરીનાં બચ્ચાંએ બાપ-દિકરાને વાત કરતાં સાંભળ્યા કે “કોઈ મદદે આવે કે ના આવે, આપણે જાતે જ પાક લણીને ખેતરને સાફ કરી નાંખીશું.”
લાવરી સમજી ગઈ. “ચાલો, બચ્ચાંઓ, હવે અહીંથી જતા રહેવાનો સમય આવી ગયો.”
હવે પ્રપંચતંત્રનો ટ્વિસ્ટ
લાવરીએ ખેતરમાં વસતી બીજી લાવરીઓને ભેગી કરીને કાગારોળ મચાવવા માંડી. “આ ખેડૂત અમને બે-ઘર કરવા માગે છે ! અહીં રહેવાનો તથા અહીંનું મફતિયું અનાજ ખાવાનો અમારો અધિકાર છે ! ખેડૂત અમને બે-ઘર કરીને અહીં કાગડા, કાબર અને સમડીઓને વસાવવાની સાજિશ કરી રહ્યો છે….”
(બસ થોડી રાહ જુઓ… તમને બન્ને ટ્વિસ્ટ નજરે જોવા મળશે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment