આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે. દુનિયાના બીજાં શહેરો કરતાં અમદાવાદ જુદું કેમ પડે છે ? કારણ કે અહીંની અમુક ખાસિયતો છે….
***
અડધાની યે અડધી ચા અહીં મળે છે છતાં અમુક નમૂના એવા છે કે બે જણા વચ્ચે પ્લાસ્ટિકનો કપ ‘એકસ્ટ્રા’ મંગાવશે !
***
ફક્ત અમદાવાદની રેસ્ટોરન્ટોમાં તમને એવું વાંચવા મળશે કે “એકસ્ટ્રા સાંભાર ફક્ત એક જ વાર આપવામાં આવશે !”
***
અહીં તો લોકો ‘સ્વીગી’ ઉપર ઓર્ડર કરીને ‘ગાંઠીયા’ મંગાવે તેવા છે ! ઉપરથી ‘ઇન્સ્ટ્રક્શન’ આપશે… “પીળી ચટની બે વાડકા એકસ્ટ્રા પેક કરજો હોં !”
***
અમદાવાદમાં તમારે ગમે ત્યાં ભીડ ભેગી કરવી હોય તો ત્રણ જ અક્ષરો પુરતા છે… ‘મ’ ‘ફ’ ‘ત’ !
***
છતાં અહીં અમુક લોકો ‘ફ્રી હાર્ટ કેમ્પ’માં જતા નથી ! કેમ ? તો કહે “એ લોકો ચેકિંગ કરીને કંઈ ને કંઈ ડિફેક્ટ તો કાઢે જ ! પછી ખરચો મોંઘો પડે ને ?”
***
જોકે ‘ફ્રી આઈ-ચેક-અપ’માં જરૂર જશે… “બોસ, જોઈ તો લઈએ કે શું શું ચેક કરે છે ? પછી આપણે જોઈ લઈશું…”
***
મહિલાઓ બેસણામાં જાય ત્યારે સતત એકબીજાને જોતી હોય છે કે એણે શોકમાં પહેરવાનાં કપડાંમાં કેવી ‘ફેશન’ કરી છે !
***
જ્યારે પુરુષોમાં અમુક એવા છે કે ઈલેક્ટ્રીક સ્મશાનમાં ગયા હોય તો પૂછી લેશે “અહીં ચાર્જ શું છે ? એમાં કોઈ ડિસ્કાઉન્ટ ખરું ? ના ના, આ તો અમારા ફેમિલીમાં ચારેક વડીલ એકાદ મહિનામાં જાય એવા છે…”
***
તમે બિલિવ નહિ કરો, પણ એક અંગ્રેજને સખ્ખત નવાઈ લાગી હતી કે અહીંની સૌથી મોટી ક્લબોમાં લોકો રાતના ટાઈમે…
- ‘ગરબા’ કરવા જાય છે ! બોલો.
***
અહીંના ‘સાંસ્કૃતિક’ મંડળોના સભ્યોને ડબલ-મિનિંગવાળા નાટકો જોવાનો કોઈ જ વાંધો નથી હોતો !
***
અને હા, સદીઓ પહેલાં પેલો સસલો પેલા કૂતરા પાછળ કેમ દોડ્યો હતો, ખબર છે ?
- કારણ કે કૂતરો છુટ્ટા આપ્યા વિના ભાગી રહ્યો હતો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment