ફિલ્મી શાયરની બેન્ક રોબરી !


આ બધી બાયોપિક્સ અને દેશભક્તિની ફિલ્મોના વાયરામાં બેન્ક-રોબરીની ફિલ્મો તો આવતી જ બંધ થઈ ગઈ !

બાકી એક સમયે શું જમાનો હતો ? આપણા ફિલ્મ સ્ટારો છેક ફોરેનમાં જઈને ઊંચામાં ઊંચી બેન્ક-રોબરીઓ કરી આવતા હતા. તમે ‘ડોન-2’ જુઓ... ‘આંખે’ જુઓ... અરે ‘હેપ્પી ન્યુ યર’માં તો ઇન્ડિયાના ટપોરી ટાઈપના ડાન્સરો ફોરેનમાં જઈને અબજોની લૂંટ કરી આવ્યા હતા !

એ જમાનો તો ગયો... પણ જરા વિચાર કરો, આપણી હિન્દી ફિલ્મોનો કોઈ શાયર ઇન્ડિયામાં જ ક્યાંક બેન્ક-રોબરી કરવા જાય તો શું થાય ?

***

દ્રશ્ય : 1

બેન્કમાં દાખલ થતાંની સાથે જ શાયર હવામાં રિવોલ્વરનું ફાયરિંગ કરીને શાયરી ફટકારે છે :

“અર્ઝ કિયા હૈ...

તકદીર મેં જો લિખા હૈ

વો હી યહાં મિલેગા...

હેન્ડઝ અપ ! કોઈ અપની

જગહ સે નહીં હિલેગા !”

***

દ્રશ્ય : 2

લોકો રિવોલ્વરથી ના ડર્યા હોય એટલા આ હોરિબલ શાયરીથી ડરી જાય છે ! શાયર કેશિયર પાસે જઈને કહે છે :

“ડગમગા રહે હૈં કદમ

તુમ મેરા સાથ દો...

જો કેશ તુમ્હારે પાસ હૈ

મેરી બેગ મેં ડાલ દો !”

***

દ્રશ્ય : 3

કેશિયર જે કેશ આપે છે તે ઓછી છે. શાયર રિવોલ્વર બતાડીને પૂછે છે :

“તકદીર મેં મેરી, યારાં,

ઈતને ગમ ક્યું હૈ ?

કેશિયર, યે તેરી કેશ

ઇતની કમ ક્યું હૈ ?”

***

દ્રશ્ય : 4

કેશિયર ધ્રુજતાં ધ્રુજતાં કહે છે કે મોટી કેશ તો બેન્કના સ્ટ્રોંગ-રૂમમાં પડી છે ! આ સાંભળીને શાયર સાહેબ ફરમાવે છે :

“તસલ્લી હર કોઈ દેતા હૈ

કોઈ સાથ ક્યું નહીં દેતા?

મેરી ગોલી ચલ જાયેગી

છૂપા હુવા માલ ક્યું નહીં દેતા ?  ”

***

દ્રશ્ય : 5

છેવટે સ્ટ્રોંગ-રૂમમાંથી કઢાવેલી તમામ કેશ પોતાના ઝોલામાં ભરી લીધા પછી શાયર બેન્કની બહાર જતાં પહેલાં લલકારે છે :

“બહુત કોશિશ કી મૈંને

અપને ગમ ભૂલાને કી...

અબ, તુમ કોશિશ મત કરના

પુલિસ કો બુલાને કી !”

***

દ્રશ્ય : 6

દરવાજાની બહાર નીકળતાં પહેલાં બગડેલી રાઈફલ લઈને ઊભેલા સિક્યોરીટીવાળાને સંભળાવે છે :

“ભૂલા દેના તૂ મુજ કો

ક્યા જાયેગા તેરા ?

ગોલી માર દૂંગા, સાલે

પીછા કિયા જો મેરા !”

***

દ્રશ્ય : 7

શાયર તો રોબરી પતાવીને બહાર તેના ખખડી ગયેલા સ્કૂટરની કીક મારી રહ્યો હોય છે ત્યાં તો આખો સ્ટાફ આવીને કહેવા લાગે છે :

“વાહ શાયર વાહ ! દૂબારા... દૂબારા...”

***

દ્રશ્ય : 8

શાયર તાનમાં આવી જાય છે ! સ્કૂટરને પડતું મૂકી પાછો અંદર જાય છે ! ત્યાં ઉપરા છાપરી પોતાની શાયરીઓ સંભળાવવા લાગે છે...

- છેવટે એમાંને એમાં પોલીસના હાથે પકડાઈ જાય છે ! બિચ્ચારો...

- મન્નુ શેખચલ્લી

Comments