આતંકવાદ : પંચતંત્રની રિ-મિક્સ વારતા

સેંકડો વરસ પહેલાં રચાયેલી પંચતંત્રની વારતાઓ આજે પણ ઘણી સિચ્યુએશનમાં ફીટ બેસે છે.


લો, આજે એવી જ એક વારતાનું રિ-મિક્સ વાંચો…

***

એક ગામમાં ઉંદરડાઓનો જબરો ઉપદ્રવ હતો. અંહીના ઉંદરડા એટલા જબરા હતા કે પડોશના ગામમાં ઘૂસી ઘૂસીને ત્યાંના લોકોને ત્રાહિમામ પોકારાવી દેતા હતા.

આખરે પડોશના ગામના મુખીએ અઢાર ગામના મુખિયાઓને ફરિયાદ કરી કે આ ઉંદરડાનો ઉપદ્રવ અટકાવો.

ઉંદર–ગામના મુખીને તેડાવીને અઢાર ગામના મુખિયાએ કહ્યું “તમારા ગામના ઉંદરડાને કાબૂમાં રાખો.”

ઉંદર-ગામનો મુખિયો કહે “ભૈશાબ, અમે ખુદ એમનાથી કંટાળેલા છીએ ! પણ શું કરીએ ? ઉંદરોને સખણા રાખવા માટે અમારી પાસે પુરતા બિલાડા નથી.”

અઢાર ગામના મુખિયાએ બિલાડાઓ માટે નાણાંની મદદ કરી.

છતાં ઉંદરોનો ત્રાસ ઘટ્યો નહિ. બલ્કે વધતો ગયો. ફરી ફરિયાદો ઊઠી. ફરી અઢાર ગામના મુખિયાએ ઉંદર-ગામના મુખીને તતડાવ્યો. પણ એ કહે:

“અમારા બિલાડાનાં નખ ઘસાઈ ગયા છે. દાંત સડી ગયા છે. નવા દાંત નંખાવવા પડશે. નવા નખ બેસાડવા પડશે… ખરચો કેટલો મોટો છે ?”

અઢાર ગામના મુખિયાએ ખરચા માટે (દાંત અને નખ જેવાં હથિયારો નંખાવવા માટે) નાણાં આપ્યા.

તોય ઉંદર-ગામનો મુખિયો કહે “બિલાડાઓ કંઈ ઉંદર ખાઈને થોડા પેટ ભરશે ? એમને પીવડાવવા દૂધ જોઈશે, ઘી ચોપડેલા રોટલા જોઈશે, મારે બિલાડાઓની ફોજનો ખરચો ક્યાંથી કાઢવો?”

અઢાર ગામના મુખિયાએ હવે દાંત, નખ અને દૂધ ઉપરાંત ઘી અને રોટલાનો ખર્ચો પણ આપવા માંડ્યો !

છતાં ઉંદરડાનો સફાયો તો થતો જ નહિ. વચમાં વળી ઉપદ્રવ ઘટતો લાગે પણ ફરી પાછો બમણો વધી જાય !

ત્રાસી ગયેલા પડોશી ગામના મુખીએ જઈને ઉંદર-ગામના મુખીને કહ્યું “અલ્યા, આટલી બધી સવલતો છતાં તમારી બિલાડા સેના ઉંદરોનો સફાયો કેમ નથી કરતી ?”

ઉંદર-ગામનો મુખિયો મૂછમાં હસીને કહે છે “ભઈ, બધા ઉંદરડાનો સફાયો થઈ જાય પછી અમને દૂધ ઘીના રોટલા ક્યાંથી મળે ?”

“તો એમાં અમારે શું કરવાનું?”

જવાબમાં ઉંદર મુખી કહે છે “તમ તમારે ઉંદર-વિરોધી ઝૂંબેશ ચલાવ્યે રાખો…. તમારે પણ તમારું મુખીપણું ટકાવવાનું છે ને !”

***

- મન્નુ શેખચલ્લી

Comments