પહેલાં તો ટ્રમ્પ સાહેબે મેક્સિકોની સરહદે દિવાલ બાંધવા માટે 8 લાખ ડોલરનું બજેટ માગ્યું. એ મંજુર ના થયું એમાં તો 35 દિવસ ‘શટ-ડાઉન’ ચાલ્યું !
8 લાખ લેવા જતાં સરવાળે 11 લાખ ડોલરનું નુકસાન થયું !
ટુંકમાં, દિવાલની કિંમત ઓલરેડી 19 લાખની થઈ ગઈ ! આમાં શું, મૂળ તો ટ્રમ્પ ‘બિલ્ડર’ ખરા ને ? બજેટ વધારવામાં માસ્ટર છે...
અમે કહીએ છીએ કે ટ્રમ્પ સાહેબ, હવે ‘ઇમરજન્સી’ જાહેર કરવાથી શું મળશે ? એના કરતાં અમારા થોડા ‘દેશી’ પ્રયોગો કરી જુઓ ને !....
***
સૌથી પહેલાં તો ત્યાં બોર્ડર પર જઈને વાજતે ગાજતે દિવાલનો ‘શિલાયન્સ’ કરી નાંખો !
***
પછી આખા અમેરિકામાં શહેરે-શહેરે, ટાઉને-ટાઉને, ઘેર – ઘેર જઈને દિવાલ માટે ‘ઇંટો’ ઉઘરાવવાનું ચાલુ કરો !
***
પછી સ્વયંસેવકો ભેગા કરો. એમની ‘દિવાલ-સેવા’ની ઝુંબેશ શરૂ કરાવો. બધાના હાથમાં સિમેન્ટનાં તગારાં અને રેતીની થેલીઓ પકડાવીને ઠેર ઠેર સરઘસો કાઢો !
***
તમે પોતે પ્રેસિડેન્ટ છો તો શું થયું ? અમારા કેજરીવાલની જેમ મેક્સિકોની બોર્ડર ઉપર ધરાર સૂઈ જઈને ‘ધરણાં’ કરો ને !
***
દિવાલની ડિઝાઈન તૈયાર કરી નાંખો. પછી એની થ્રીડી પ્રતિકૃતિ 3-4 ફૂટની સાઈઝમાં ચાંદી કે તાંબા જેવી ધાતુમાં, લાખોની સંખ્યામાં બનાવડાવો... અને 100-100 ડોલરમાં વેચીને... ‘દિવાલ-નિર્માણ-ફંડ’ ઉઘરાવો...
યાર, 8 લાખ ડોલર તો રમતાં રમતાં ભેગા થઈ જશે. (સોરી, હવે તો 19 લાખ ડોલર, નહીં?)
***
અચ્છા, ઇંટ-સિમેન્ટની દિવાલ જ હોવી જરૂરી છે ? તારની વાડ બનાવો ને ! એમાં વીજળીનો કરંટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીની કંપનીને આપો....
***
અથવા તો ચીનને આખો કોન્ટ્રાક્ટ આપી દો ! આપણે તો ‘ચાઈનિઝ’ દિવાલ જ જોઈએ છે ને ? બે-ચાર ઇલેક્શનો સુધી ટકે તો બહુ થયું...
***
છેવટે કંઈ ના મળે તો અમારા રાહુલ દ્રવિડને લઈ જજો. એને બોર્ડર પર ઊભો રાખજો... એનું તો નામ જ ‘ધ વૉલ’ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment