પંચતંત્રમાં પેલા એક સાંકડા પુલની વાર્તા છે ને !
એમાં સામસામે આવેલા બે કૂતરા લડી-ઝઘડીને નદીમાં પડી જાય છે. જ્યારે બે ડાહી બકરીઓમાંથી એક નીચે બેસી જાય છે અને ઉપરથી બીજી બકરી પસાર થઈ જાય છે, રાઈટ ?
હવે ગઠબંધનના શ્વાનોએ બકરીની જેમ ગઠબંધનો કરવાનું વિચાર્યું છે ! વારતામાં પછી શું થશે ? જુઓ ચિત્રપટ્ટીમાં…
***
ચિત્ર 1 : ગઠબંધન
કૂતરાંઓ સાંકડા પુલ ઉપર એક સાથે બેસીને ‘બકરી-નિતિ’ અપનાવવાનું નક્કી કરે છે. બધા ખુશ છે.
***
ચિત્ર 2 : સીટ ગોઠવણ
કૂતરાંઓ એકબીજાની ઉપર બેસીને ‘સીટ શેરિંગ’ની પ્રેક્ટિસ કરી રહ્યા છે. બધા ખુશ છે.
***
ચિત્ર 3 : સીટ વહેંચણી
કોણ નીચે બેસશે અને કોણ ઉપર રહેશે એ બાબતે ભસાભસી શરૂ થઈ ગઈ છે. નીચે બેસનારાં કૂતરાં ઉપર ચડી બેસેલાં કૂતરાંને બચકાં ભરી રહ્યાં છે. બધા ખુશ નથી, છતાં ખુશ હોવાનો દેખાવ કરે છે.
***
ચિત્ર 4 : પ્રચાર આરંભ
બધાં કૂતરાં ઊભાં થઈ ગયાં છે અને ભસાભસ કરીને ઘોંઘાટ મચાવી દે છે. ઘોંઘાટના એટલા બધા પડઘા પડે છે કે એની ખુશીમાં સૌ વધારે ભસાભસી કરે છે ! સૌ ખુશ છે.
***
ચિત્ર 5 : ઉમેદવારો
અચાનક ક્યાંકથી પુલ ઉપર ડઝનબંધ વધારાનાં ગલૂડીઆં ધસી આવ્યાં છે ! એમની કાંઉ-કાંઉને શાંત પાડવામાં ભસાભસી વધી જાય છે. જોકે ઘોંઘાટમાં વધારો થવાથી, વધારે પડઘા પડવાથી, એની ખુશીમાં વધારે ભસાભસી થવાથી, સૌ ખુશ છે.
***
ચિત્ર 6 : ફાટફૂટ
આવા માહૌલમાં બે ચાર નાનાં કૂતરાં બે ચાર મોટાં કૂતરાંને બચકાં ભરી લે છે. એમાં ભસાભસી એટલી બધી વધી જાય છે કે કોણે કોને બચકાં ભર્યાં, કોણ કોની સામે ભસ્યું, કોણ કોને શાંત રાખવા ભસી રહ્યું છે અને કોણ ‘કેમ કોઈ સરખી રીતે શિસ્તમાં રહીને ભસતા નથી’ એવું ભસી રહ્યું છે તેની જરાય સમજ પડે તેવું નથી.
***
ચિત્ર 7 : ...ચૂંટણી પછી
પુલ ઉપરથી પેલાં ઘેટાં-બકરાં ક્યારનાં પસાર થઈ ગયાં છે… પુલના પેલા છેડે પહોંચી ગયેલાં કૂતરાં, પુલના આ છેડે રહી ગયેલાં કૂતરાં તથા પુલની નીચે ગબડી પડેલાં કૂતરાં હવે એકબીજા સામે ભસી રહ્યાં છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment