લલ્લુ બલ્લુ ઈન કમિંગ ઉનાળામાં !

આવનારા થોડા જ દિવસોમાં ‘હીટ-લહર’ ફેલાઈ જવાના સંકેતો લાગે છે…


આવા સમયે ગુજરાતના સંતા-બંતા જેવા આપણા લલ્લુ-બલ્લુ રાજકોટમાં બેઠા બેઠા શું વિચારે ચડ્યા છે…

***

લલ્લુ કહે છે:

“આપણા રાજકોટમાં હંધાય દુકાનદારો ભરબપોરે દુકાનું બંધ કરીને ઘિરે કેમ વયા જાય છે ?”

બલ્લુ કહે છે:

“આલેલે ! દુકાનું બંધ કરીને અંદર બેહી રિયે તો બફાઈ નો જાય ?”

***

લલ્લુ કહે છે :

“મારા લંડનવાળા કાકા કને સાત ડીગ્રીયું છે.”

બલ્લુ કહે છે :

“ઈ તો કાંઈ નથી… હમણાં રાજકોટમાં ઉનાળો ચાલુ થાશે ત્યારે હંધાય કને ઓગણચાલીસ ડીગ્રીયું હશે !”

***

લલ્લુ કહે છે :

“આપણા રાજકોટવાળાવ રાતે રેસકોર્સની પાળીએ બેસીનું આઈસક્રીમું કેમ ખાતા હઈશું ?”

બલ્લુ કહે છે :

“આલેલે ! બપોરે પાળી પર બેહવા જાઈં તો દાઝી નો જવાય ?”

***

લલ્લુ કહે છે :

“આજી ડેમમાં પાણી ખૂટી ગ્યાં છે…”

બલ્લુ કહે છે :

“મારી કને ઉપાય છે… હું શૂરવીરતાના દૂહા ગાઈ ગાઈને ડેમનું પાણી ચડાવી દઈશ !”

***

લલ્લુ કહે છે :

“ઉનાળામાં આટલી બધી ગરમી કેમ પડે છે ?”

બલ્લુ કહે છે :

“હાચી વાત છે. શિયાળામાં પડતી હોત તો આપણાં સ્વેટરનો ખરચો બચી જાત !”

***

લલ્લુ કહે છે :

“હે ભગવાન ! આ વખતે રાજકોટમાં એટલી ગરમી પાડજે, એટલી ગરમી પાડજે કે રોડનો ડામર પીગળી જાય…”

બબલુ કહે છે :

“એલા, આવી પ્રાર્થના શું કામ કર છ?”

લલ્લુ કહે છે :

“ગયા ઉનાળામાં રોડ બનતો  ’તો ઈ ટાણે મારી એક ચંપલ ડામરમાં ચોંટી ગઈ  ’તી ! આ ઉનાળે ડામર ઓગળે તો કાઢી લેવી છે !”

***

- મન્નુ શેખચલ્લી

Comments