૨૧ ફેબ્રુઆરી એ ‘વર્લ્ડ મધર ટંગ ડે’ છે ! સાલું, ‘માતૃભાષા દિવસ’નું નામ પણ અંગ્રેજો જ પાડે ! કેવું કહેવાય નહિં ?
આ દિવસે માતૃભાષાની ચિંતા કરવાનો રીવાજ છે. (કાલે બહુ બધા લોકો ચિંતામાં હશે કે અરેરે, ગુજરાતીનું શું થશે ?) આ તો સારું થયું કે ગુજરાત સરકારે ગયા વરસથી પહેલા ધોરણમાં ગુજરાતી વિષય ફરજિયાત કરાવ્યો છે. હવે 12 વરસ પછી જ ખબર પડશે કે બિચારી ગુજરાતી કેટલે પહોંચી !
તો, ત્યાં સુધી કરવાનું શું ? ગુજરાતીની ચિંતા ! લો, અહીં ત્રણ ‘ચિંતાકારો’ની ચિંતાના નમૂના રાખ્યા છે. વાંચો…
***
ચિંતાકાર (1) એક શહેરી વિદ્યાર્થી
મિન્સ કે મધરટંગ ડેનું આખું કન્સેપ્ટ બઉ સારુ છે. આપડાને આપડી મધરટંગનું પ્રાઉડ ફીલ થવું જ જોઈએ. જે લોકો આપડી ગુજરાતી મધરટંગમાં રાઈટિંગ કરે છે એ લોકોને તો હેટ્સ-ઓફ છે બિકોઝ ગુજરાતીનું કી-બોર્ડ બઉ વ જ ટફ હોય છે. મિન્સ કે એટલું ટફ કે, ઓન્લી એન્ટ્રી લર્ન કરવામાં જ સિક્સ મન્થ્સ નિકલી જાય છે.
આટલી ટફ લેન્ગવેજને આપડે સેવ કરવું પડસે. સ્કુલ્સ એન્ડ કોલેજીસમાં મોસ્ટ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ બી ગુજરાતીમાં એઈટી-અપ માર્કસ સ્કોર કરી સકતા નથી. એ જ બતાડે છે કે ઈવન મેથ્સ-સાયન્સ કરતા બી ગુજરાતી ઈઝ મોર ટફ.
યુસી, ઈઝી થિંગ્સનું પ્રાઈડ ફીલ કરવાનું ઈઝી છે, ફોર એક્ઝામ્પલ નેટ-સર્ફિંગ એન્ડ પબ્જી ગેઈમ એટસેટેરા. બટ ટફ થિંગ્સનું પ્રાઈડ વન્સ ઈન અ યર તો થવું જ જોવે. આઈ લવ ગુજરાતી. સ્પેશીયલી ગુજરાતી ફૂડ ! યુનો, ઢોક્લાઝ એન ઓલ ! એન્ડ ઓલસો ગુજરાતી ગરબાઝ.
***
ચિંતાકાર (2) એક ગામડીયો
અમારા ગામના એક ઝભ્ભાવારા મોંણહ બઉ ભણેલા છે. એ કે’તા કે આપડી ભાશા હોંમે જોખમ છ. આપડે આપડી ભાશા બચાવ્વાની છ.
મેં કીધું, તમતમારે શોંતિથી ઊંઘી જવ. મું બેઠો છુ ન ! પચ્ચા મોંણહનું ટોરું લઈને હોંમોં થઈશું ! ધારિયોં, દાતૈડોં, લાકડીઓ લઈને એવા ફરી વરીશુ ક હહરીનો આપડી ભાશા હોમું જોવાનુ જ ભૂલી જોંય.
હમજ છ હું ઈનો મનમોં ? અમારી ભાશાને મારવા આયા છો ? પેલા ઝભ્ભાવારા કાકા કે’તા તા કે ભાશા મરી જશે… મરી જશે.. મેંકુ, ઈમ શેની મરવા દઈએ, હાહરીને ? હાહુને, ઘર મોં ઘાલીને તારાં મારી, પુરી જ ના મેલીએ ?... ભાશા બાર નેંકરે તો કોઈ ઈને વતાવે કે ?
***
ચિંતાકાર (3) એક સાહિત્યકાર
માતૃભાષા તો માણસની ત્વચા છે. એ જન્મની સાથે જ આવે છે. અને મૃત્યુપર્યંત સાથે રહે છે. ત્વચાને તમે વસ્ત્રોથી ઢાંકી શકો પણ જીભની ત્વચાને કોઈ વસ્ત્રો પહેરાવી શકાતાં નથી કારણકે જીભ એ માતૃભાષાનું વતન છે.
જે દિવસે માણસ જીભ ઉપર વસ્ત્રો પહેરતો થઈ જશે એ દિવસે માતૃભાષાનો મૃત્યુદિન હશે. જીભ નગ્ન છે માટે જ જીભ સત્ય છે. જીભ ઉપરથી જે લાળ ટપકે છે તે માતૃભાષાનો મમતાભર્યો રસ છે. જીભ જે થૂંક ઉડાડે છે તે માતૃભાષાનું આવિર્ભાવનું પ્રગટ સ્વરૂપ છે. આપણે જો આપણી જીભની ભાષાને જીવાડવી હશે તો રોજ સવારે ઉલ ઉતારવી જ પડશે.
હવે પૂછો, કે જીભની અંદર, ગળામાં જે લટકે છે, તે કાકડા શું છે? અરે, કાકડા તો આપણી માતૃભાષાનો મુગટ છે…
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment