લો, બેરોજગારીના આંકડા ‘લીક’ થઈ ગયા ! કહે છે કે છેલ્લા 45 વરસમાં આ સૌથી વધુ બેરોજગારી છે !
ચાલો, એ તો આંકડા છે પણ રિયાલીટી શું છે ? વાંચો, ‘બોધવાળાં’ માઈક્રોફિક્શન…
***
એક બેરોજગાર યુવાન કાનમાં હેડફોન પહેરી મોબાઈલમાં મોં ખોસીને બેઠો છે. ત્યાં બે નેતાઓ આવે છે.
એક નેતા : “ઊઠ ! સાંભળ ! આ સરકારને લીધે તારા જેવા બેરોજગારોની સંખ્યા છેલ્લા 45 વરસમાં નહોતી એટલી વધી ગઈ છે !”
બીજો નેતા : “સાવ ખોટી વાત છે ! એ આંકડા હજી કાચા છે ! તું ચિંતા ના કર… તને રોજગારી જરૂર મળશે…”
યુવાન અકળાઈ જાય છે. “તમે બન્ને ચૂપ મરો ને ! મને અહીં PUBG રમવામાં ડિસ્ટર્બ થાય છે…”
બોધ : આજનો યુવાન ભલે બેરોજગાર હોય, પણ એ કંઈ ‘નવરો’ નથી !
***
એક નેતાજી ઉત્તેજિત છે. તે કહે છે “વાહ ! બેરોજગારી હાઈએસ્ટ રેકોર્ડ ઉપર પહોંચી ગઈ ? ચાલો, આપણે 1 લાખ બેરોજગારોને ભેગા કરીને એક પ્રચંડ મહા-રેલી કાઢીએ !”
ત્યાં ઊભેલો એક કાર્યકર કહે છે “સર, એમાં પુરા 5 કરોડનો ખરચો છે.”
“હેં ? શી રીતે ?”
“સર, દરેક બેકારને રેલીમાં લાવવા માટે 300 રૂપિયા આપવા પડે છે. ઉપરથી બીજા 100 આવવા જવાનો ખર્ચ આપવો પડે છે. અને વધુ 100 રૂપિયા ચા-નાસ્તા અને ફૂડપેકેટમાં જાય છે…”
બોધ : આજકાલના બેરોજગારો પણ હવે ‘ભાવ’ ખાતા થઈ ગયા છે.
***
બાપા : “દિકરી, તું ગ્રેજ્યુએટ થઈ ગઈ. હવે કંઈ નોકરી કર ને ?”
દિકરી : “શાંતિ રાખો, મેં સાત જોબ-સર્ચ એપમાં મારો બાયોડેટા નાંખી દીધો છે. હવે તમે મારા ખાતામાં 15,000 રૂપિયા ટ્રાન્સફર કરો….”
બાપા : “પંદર હજાર ?”
દિકરી : “મેરેજ સિઝન ચાલે છે. મારે નવો ડ્રેસ સિવડાવવાનો છે, વાળને કલર કરવાના છે, મેંદી મુકાવવાની છે અને લગ્નમાં આપવા 3-4 હજારની ગીફ્ટો લેવાની છે !”
બાપા : “હેં ?”
બોધ : અનેક બેરોજગારો બીજા અનેક લોકોને રોજી આપી રહ્યા છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment