“સા’બ ! મેરે કુ જેલ મેં ડાલો ના ?”
પોલીસ સ્ટેશનની બહાર, રોડની બરોબર સામેની સાઈડે ચાયની કિટલી ઉપર કપ-રકાબી ધોવાનાં અને ઘરાકોને ચા પહોંચાડવાનાં ફાલતુ કામો કરતાં કરતાં બિચારો ચમન ચરસી કંટાળી ગયો હતો.
એક તો સાલી, રોજ રાત પડે ને ચરસ-ગાંજો પીવાની તલબ લાગે, અને ચરસ પીધા પછી દિમાગમાં અને બોડીમાં કાંટો આવે ત્યારે ચમનિયો નન્નુ શિકારીના અડ્ડે જુગાર રમવા જાય !
ટુંકમાં, ખાયા પીયા કુછ નહીં અને ઉપરથી ગિલાસ તોડા બારા આના જેવી ચમન ચરસીની જિંદગી હતી. સાંજ પડે ને મજુરીના જે રૂપિયા મળે એ ચરસ-ગાંજો અને જુગારમાં સાફ થઈ જાય. રાત્રે સૂવા માટે ચાની લારીના છાપરાની નીચે પાછા આવવાનું અને લારીની નીચે રાખેલાં ગોદડાં-ચાદર કાઢીને ત્યાં જ સૂઈ જવાનું…
“સાલી, યે ભી કોઈ જિંદગી હૈ ? ઈસ સે તો અચ્છા હૈ, સાલા, મૈં જેલ મેં હોતા…”
પોલીસ સ્ટેશને અવારનવાર આવતા રીઢા ગુનેગારો પાસેથી તેને જેલની મસ્ત મઝાની લાઈફના કિસ્સા સાંભળવા મળતા…. ત્યાં જેલમાં તો બસ નામ પુરતી થોડી મજુરી કરવાની અને રોજ સરકારી રોટલા ખાધે રાખવાના ! અમુક કેદીઓને તો જેલના રોટલા એટલા સદી ગયા હતા કે છૂટીને બહાર નીકળીને, કોઈ ક્રાઈમ કરીને જાતે જ પાછા જેલભેગા થઈ જતા હતા.
“મગર સાલા, મૈં ક્યા ક્રાઈમ કરું?” ચમન ચરસીનો મેઈન પ્રોબ્લેમ જ આ હતો.
બે ચાર વાર એણે કોઈનાં પાકિટ મારવાની ટ્રાય કરી હતી પણ દરેક વખતે ‘રેડ-હેન્ડેડ’ ઝલાઈ ગયો હતો. એ તો ઠીક પણ ઝલાયા ગયા પછી ચારે ચાર વખત લોકોએ ભેગા થઈને એને એટલો બધો માર માર્યો હતો કે છ-છ દિવસ સુધી મૂઢ મારના સોજા ઉતરતા નહોતા !
ચમન ચરસીએ ડ્રગ્સની હેરાફેરી પણ કરી જોઈ. એને એમ હતું કે જો હું ‘ટાડા’ (TADA)માં પકડાઈ જાઉં તો કમ સે કમ ત્રણ ચાર વરસની જેલ થઈ જાય. આમાં સાલું, પકડાવાનું તો બાજુમાં રહ્યું, ચમન ચરસીને ડ્રગ્સનો જ ચસકો લાગી ગયો ! જે કમાય એના કરતાં વધારે તો ‘ડિલર’ને ત્યાં ઉધારી વધી ગઈ !
થાકી હારીને એકવાર ચમન ચરસીએ ફુટપાથ ઉપર બેસતા એક જ્યોતિષીને પોતાનો હાથ બતાડેલો. પેલાએ બિલોરી કાચ વડે ધારીધારીને સાત મિનિટ જોયા પછી ચોખ્ખું જ કીધેલું “બેટે, તેરે હાથ મેં જેલયોગ કી રેખા હી નહીં હૈ !”
જોકે હા, અગિયાર રૂપિયાની દક્ષિણા લીધા પછી એ જ્યોતિષીએ એટલું જરૂર કીધું હતું કે “બેટા, અગર અપની જનમ કુંડલી હો તો લે આના ! ઉસ મેં દેખકર કોઈ વિધિ કરને સે જેલયોગ પ્રાપ્ત કિયા જા સકતા હૈ…”
હવે ચમન એની કુંડળી ક્યાંથી લાવે ? છતાં ઊંડે ઊંડે એને વિશ્વાસ હતો કે ભલે હથેળીમાં રેખા ના હોય પણ કુંડળીમાં તો સાલો, મસ્ત એક જેલયોગ હશે જ !
પોલીસ સ્ટેશનમાં આવતા જતા દરેક હવાલદારને તથા નવા નવા બદલી થઈને આવતા ઇન્સપેક્ટરોને કહ્યા કરતો, “સા’બ, મેરે કુ અંદર કરવા દો ના ?”
“ઐસે કૈસે અંદર કર દેં હરામખોર ? કોઈ ક્રાઈમ ભી તો હોના ચાહિયે ના? તેરે કુ તો ચોરી ભી ઠીક સે કરની નહીં આતી ! અચ્છા ચલ, મર્ડર કરેગા ? ”
અચાનક આવી કોઈ ઓફર આવી જાય ત્યારે ચમન ચરસીની ચડ્ડી ઢીલી થઈ જતી હતી. ચરસ પી પીને ખોખલા થઈ ગયેલા શરીરમાં સરખી રીતે ચપ્પુ પકડવાની યે તાકાત રહી નહોતી ત્યાં એને હૂલાવવાની શક્તિ અને હિંમત ક્યાંથી લાવવી ?
વળી તમંચા, રિવોલ્વર વગેરે કંઈ રસ્તામાં થોડાં પડ્યાં છે ? સાલો, સસ્તામાં સસ્તો દેશી તમંચો પણ 30 હજારનો પડે છે ! કોઈ ‘એક્સપિરીયન્સ’ વિના એમ જ હાથમાં ત્રીસ હજારનો ‘ઘોડો’ થોડો આપી દેવાનું હતું ?
ચમન ચરસીને જેલમાં જવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. ઉપરથી આ જે શિયાળો લંબાયો એમાં એનો જીવ ગળે આવી ગયો.
એણે નક્કી કર્યું કે પંદર દિવસ પહેલાં જે નવા ઇન્સપેક્ટર સાહેબ આવ્યા છે એની પાછળ જ પડી જશે. ચા આપવા જવાને બહાને થોડી ઓળખાણ કરી લીધા પછી એક દિવસ યુવાન ઇન્સપેક્ટર નામદેવને સ્હેજ નવરા જોઈને તે કરગરવા લાગ્યો :
“સા’બ મૈં બહોત ગરીબ આદમી હું ! મેરે માં બાપ, ભાઈ બહેન, કોઈ ભી નહીં હૈ. અનાથ હું સા’બ ! મેરે ઉપર એક મહેરબાની કરો ના સા’બ ? મેરે કુ આઠ-દસ સાલ કી જેલ પડે ઐસી કલમ મેં ફીટ કરવા દો ના ? ડ્રગ્સ કી હેરાફેરી કા ચાર્જ લગાઓ… અરે, આતંકવાદી બોલ કે પકડલો ! મગર સા’બ…”
ઇન્સપેક્ટર નામદેવ ખડખડાટ હસવા લાગ્યા. “અપની શકલ દેખી હૈ સાલે ચરસી ? કૌન સે એંગલ સે તૂ આતંકવાદી લગતા હૈ ? અરે, સુનો હવાલદાર પાંડે…”
નામદેવ સાહેબે આખા પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરતાં હોય એમ કહ્યું “કોઈ ચીંટી-મકોડે કા એન્કાઉન્ટર કરના હો તો સુપારી ઈસ કાર્ટૂન નેટવર્ક કો દેના !”
આખા પોલીસ સ્ટેશનમાં હસાહસ ચાલી. પોલીસો તો ઠીક, સાલા, હવાલાતમાં બેઠેલા ગુનેગારો પણ ચમનની ઠેકડી ઉડાડવા લાગ્યા ! થોડી વધારે મસ્તી ચાલી હોત તો બિચારા ચમન ચરસીની પેન્ટ ઉતારીને એને ટેબલ ઉપર જ નચાવવાનો પ્લાન બની ચૂક્યો હતો.
ત્યાં એકાએક બહારથી સાઈરન ગુંજી ઊઠી.
થોડી જ ક્ષણોમાં શહેરના પોલીસ કમિશનર અંદર આવી પહોંચ્યા. બધાનું ધ્યાન એમની તરફ ખેંચાયું. શહેરમાં રમખાણો ફેલાવવાનું કોઈ કાવતરું પકડાયું હતું. કમિશનર સાહેબ જાતે શહેરમાં રાઉન્ડ મારવા નીકળ્યા હતા. સાથે એક રૂપાળી મહિલા ટીવી રિપોર્ટર પણ આ સનસનાટીનું કવરેજ કરી રહી હતી.
ચમનની નજર એ જ જાણે ઇન્સપેક્ટરના ટેબલ ઉપર પડી ! ત્યાં એમનું રૂપિયાથી ભરેલું જાડું પાકિટ પડ્યું હતું ! ચમનને વિચાર આવ્યો કે “સાલા, ખુદ ઇન્સપેક્ટર કા ચ પાકિટ ઉડા લું તો ? તબ તો વો ઈતના ગુસ્સા હોગા કિ અપુન કી જેલયાત્રા પક્કી !”
બીજી જ ક્ષણે ચમને ઈન્સપેક્ટરનું પાકિટ ઉઠાવી લીધું ! આખા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ભનક સુધ્ધાં કોઈને ના પડી ! થોડી મિનિટો પછી કમિશનર સાહેબ જતા રહ્યા. એમના ગયા પછી તરત જ ઇન્સપેક્ટરને ભાન થયું : “મેરા વોલેટ કિધર ગયા ? ઈધર હી થા, ટેબલ કે ઉપર !”
ખલ્લાસ… આખા પોલીસ સ્ટેશનમાં શોધાશોધ મચી ગઈ ! સાલું, બે સબ-ઈન્સપેક્ટર અને બાર કોન્સ્ટેબલની નજર સામે ઇન્સપેક્ટર સાહેબનું પાકિટ ચોરાઈ જાય ? હદ થઈ ગઈ !
આ બધો કોલાહલ ચાલી રહ્યો હતો ત્યાં જ કમિશનર સાહેબ અચાનક કંઈ સૂચના આપવા માટે પાછા ફર્યા !
પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી શોધાશોધ જોઈને એ ચોંકી ગયા ! જ્યારે ખબર પડી કે ખુદ ઈન્સપેક્ટર સાહેબનું પાકિટ ચોરાયું છે ત્યારે એમણે ‘ઓન-કેમેરા’ નામદેવને ધધડાવી નાંખ્યાં :
“શરમ આવવી જોઈએ તમને ! આખા ડિપાર્ટમેન્ટનું નામ બોળી નાંખ્યું તમે તો ! આ ટીવી કેમેરામાં જે શૂટ થયું છે તે હવે તમારી વિરુદ્ધ પુરાવા તરીકે રહેશે ! વોટ અ શેઈમ…”
કમિશનર સાહેબ વાવાઝોડાની માફક જતા રહ્યા. અહીં સન્નાટો છવાઈ ગયો. બે મિનિટ બાદ હોશમાં આવેલા ઈન્સપેક્ટર નામદેવ બબડ્યા. “સાલા, પાકિટ… ગયા કિધર ?”
ચમન ચરસીએ તરત જ આ ‘તક’ ઝડપી લેતાં કહ્યું “સર ! મૈં ને ચુરાયા થા ! અબ તો મેરી જેલ પક્કી ના ?”
બસ, એ જ ક્ષણે ચમન ચરસીની કુંડળીમાં જે કંઈ આછોપાતળો જેલયોગ હતો તે ખતમ થઈ ગયો. ઈન્સપેક્ટર નામદેવે એને જે ધોયો છે… જે ધોયો છે….
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment