સારો ઉપદેશ મળે એવી બોધકથા સાંભળનારા તો હવે વડીલો જ રહી ગયા છે. સતત મોબાઈલ મચડ્યા કરતાં હોય એવાં ટેણિયાઓમાંથી કોઈને પકડીને તમે એકાદ બોધકથા કહેવા બેસો, તો કેવી દશા થાય ?
જુઓ…
***
“સાંભળ, આ એક ઝેનકથા છે.”
“મારુતિ-ઝેન? કયા વરસનું મોડલ ?”
“ડફોળ, વચમાં ના બોલ. ચીનમાં ઝેન નામના એક મોટા સાધુ હતા.”
“એ કથા કરવા જતા હતા?”
“તું શાંતિથી સાંભળ… એક ગુરુના બે શિષ્યો એક ગામથી બીજે ગામ જતા હતા. વચમાં નદી આવી. એમાં સખત પૂર હતું.”
“ખબર છે ! એમાં એક વીંછી તણાતો હતો…”
“તું ભેળસેળ ના કર. આ જુદી વારતા છે. આમાં એક ગણિકા આવે છે.”
“ગણિકા શું કરે ? ગણિત ભણાવે ?”
“ના અલ્યા, ગણિકાઓ બહુ સુંદર હોય. એ નૃત્ય અને ગાયન કરીને પ્રેમના પાઠ ભણાવે.”
“વાઉ ! એમાં પ્રેક્ટિકલ્સ આવે?”
“અલ્યા નાલાયક ! ચૂપ મર ને ? ગણિકા માત્ર નાચી ગાઈને મનોરંજન કરે.”
“જસ્ટ લાઈક ફિલ્મની આઈટમ-ગર્લ, રાઈટ ?”
“હા, હવે વારતા સાંભળ. નદીમાં પૂર હતું. ગણિકાને પેલે પાર જવું હતું. એને તરતાં નહોતું આવડતું. એટલે પેલા બે શિષ્યમાંથી એક જણાએ એને પોતાના ખભે ઉપાડી લીધી.”
“અંકલ, જોરદાર સ્ટોરી લાયા હોં ? ગણિકા કેવી હતી ? સની લિયોન જેવી?”
“ગણિકાઓ તો એવી જ હોય ને ! પરંતુ બીજા શિષ્યને આ ના ગમ્યું.”
“ના જ ગમે ને ? પેલો પહેલાં ચાન્સ મારી ગયો !”
“એવું નથી ડફોળ… શાંતિથી સાંભળ. નદી પાર કર્યા પછી પેલા શિષ્યએ તો ગણિકાને ખભા પરથી ઉતારી મુકી.”
“ઉતારાતી હશે ? આટલી મસ્ત આઈટમ હાથ લાગી હોય ત્યાં -”
“અલ્યા વાંદરા ! તારે વારતા સાંભળવી છે કે નહીં ?”
“ના ના સાંભળવી છે. મસ્ત સ્ટોરી છે ! પછી શું થયું ? પેલી આના લવમાં પડી ગઈ ?”
“એવું ના હોય, હરામખોર ! વારતામાં એવું થાય છે કે પેલો શિષ્ય તો એને ઉતારીને ભૂલી જ જાય છે પણ બીજો શિષ્ય ભૂલી શકતો નહોતો.”
“ક્યાંથી ભૂલાય ? કેટલી મસ્ત હતી ! પછી એ પોતે જ એના લવમાં પડ્યો હશે, નહીં ?”
“ના ડફોળ ! એ તો સિધ્ધાંતવાદી હતો.”
“પતી ગયું ? હવે સ્ટોરીમાં શું મઝા આવવાની ? એક શિષ્ય ભૂલી ગયો અને બીજો મામુ નીકળ્યો.”
“બદમાશ, ચૂપ રહીશ ? આ કંઈ ફિલમની વારતા નથી. બોધકથા છે.”
“તે એમાં બોધ શું આવ્યો?”
“હજી હવે આવે છે. સાંભળ, શિષ્યો ચાલી ચાલીને બે મહિને મઠમાં પહોંચે છે. ત્યાં બીજો શિષ્ય ગુરુજીને ફરિયાદ કરે છે કે આણે એક ગણિકાને ખભે ઉપાડી હતી.”
“એ જલતો હશે… એને ચાન્સ ના મલ્યો ને, એટલે.”
“તું હવે ભજીયાં મુકવાનું બંધ કરીશ ? જો સાંભળ, ગુરુજીએ બીજા શિષ્યને ઠપકો આપતાં કહ્યું કે આણે તો પેલી ગણિકાને નદીને કિનારે ઉતારી દીધી, પણ તું જ એને બે મહિનાથી મનમાં ઉપાડીને ફર્યા કરે છે.”
“ડોબો જ કહેવાય ને ? એના કરતાં મોબાઈલમાં ગણિકાની વિડીયો ક્લીપ લઈ લીધી હોત તો મનમાં આટલો બધો લોડ ના પડ્યો હોત ને !”
- મન્નુ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Comments
Post a Comment