સાંસદોને એવોર્ડ આપો !


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાનાં પાંચ વરસ પુરાં થયા એ નિમિત્તે થોડી હળવી ટિપ્પણીઓ કરી !

સાથે સાથે અનેક સાંસદો તથા વિરોધપક્ષોનો આભાર પણ માન્યો. અમને લાગે છે કે દર પાંચ વરસે સાંસદોને અમુક એવોર્ડ્ઝ પણ મળવા જોઈએ ! જેમ કે…

***

મોસ્ટ એબસન્ટ સાંસદ

પાંચ વરસમાં જે સૌથી વધુ ‘ઘેર-હાજર’ રહ્યા છે તેમના ડહાપણને બિરદાવો.

***

મોસ્ટ અસ્લીપ સાંસદ

સંસદ ભવનમાં જેણે સૌથી વધુ કલાકો સુધી મીઠી નીંદર માણી હોય (છતાં કેમેરામાં ના ઝડપાયા હોય) તેવા ‘સ્વપ્નસેવી’ સાંસદનું પણ સન્માન કરો.

***

મોસ્ટ ખાઉ સાંસદ

ના ના ! લાંચ-રૂશ્વતની વાત નથી ! બલ્કે ગરીબોનો ય સસ્તી લાગે એવી કેન્ટિનમાં જેણે સૌથી વધુ નાસ્તા-પાણી કર્યા છે તેમની ‘ગરીબી’ની ગરિમા કરો, ભાઈ !

***

મોસ્ટ નિર્દોષ – ક્રિમિનલ સાંસદ

આપણી પ્રજાએ પાંચ વરસ માટે 39 ટકા ક્રિમિનલ્સને સાંસદ તરીકે ચૂંટીને મોકલી આપ્યા હતા ! હવે, છેલ્લા પાંચ વરસમાં કેટલા સાંસદોના કેસ ચાલ્યા ? અને કેટલાને સજા થઈ ? જેના ક્રિમિનલ રેકોર્ડમાં એકપણ નવા કેસનો ઉમેરો ના થયો હોય એવા સાંસદને ‘નિર્દોષ’ એવોર્ડ્ઝ મળવા જોઈએ, જજસાહેબો !

***

મોસ્ટ પ્રોસ્પરસ સાંસદ

આ એવોર્ડ જાહેર કરવામાં થોડી વાર લાગશે. પરંતુ જ્યારે આપણા સાંસદો ફરીવાર ચૂંટણીમાં ઊભા રહે ત્યારે ઉમેદવારી પત્રકમાં જે મિલકતો જાહેર કરશે… તે જોઈને હિસાબ કાઢવાનો કે કયા સાંસદે છેલ્લા પાંચ વરસમાં સૌથી વધુ ‘પ્રગતિ’ કરી છે ! સાંસદ કી સમૃધ્ધિ, દેશ કી દૌલત !

***

મોસ્ટ એન્ટરટેઈનીંગ સાંસદ

આમાં બે ટોપ સ્પર્ધકો છે ! એક મોદીજી અને બીજા રાહુલજી ! જોકે રાહુલજી એમની યાદગાર ઝપ્પી અને બેમિસાલ નેત્ર-કટાક્ષ વડે આ એવોર્ડ જીતી જવાના !

***

મોસ્ટ મહાકવિ સાંસદ

મહારાષ્ટ્રના સાંસદ રામદાસ આઠવલેએ સંસદમાં જે કવિતાઓ વાંચી છે તે ભલભલા હાસ્યકવિનાઓના છક્કા છોડાવી નાંખે તેવી છે. (યુ ટ્યુબ પર છે.) તેઓશ્રીને તો ‘વાજપેયી એવોર્ડ’ આપવા જેવો છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments