2025નું દ્રશ્ય...
ક્રિકેટ બોર્ડની મિટિંગ ચાલી રહી છે. વાતાવરણ સિરિયસ છે. એક મેમ્બર કહે છે :
“આવનારા વર્લ્ડ-કપમાં કેપ્ટન કોને બનાવવો એ ગંભીર પ્રશ્ન છે.”
બીજો મેમ્બર કહે છે “વાત સાચી છે. ધોની રિટાયર થઈ ગયો, કોહલીની કરિયર પતવા આવી છે, રોહિત શર્માની ફિટનેસ ખરાબ છે, શિખર ધવનને તો ડ્રોપ કર્યાને પાંચ વરસ થયાં… ટીમમાં જોશ ઘટી રહ્યું છે.”
ત્યાં ત્રીજો મેમ્બર ઉત્સાહથી કહે છે : “મારી પાસે એક જબરદસ્ત આઈડિયા છે !”
“શું ?” બધા પૂછે છે.
“જુઓ !” ત્રીજો મેમ્બર એક યુવાનનો ફોટો બતાડે છે. “આ છોકરો બિલકુલ યુવાન ધોની જેવો નથી લાગતો ?”
સૌ આશ્ચર્યમાં છે. “વાહ ! લાગે છે તો બિલકુલ યુવાન ધોની જેવો જ !”
“બસ, તો એને કેપ્ટન બનાવી દઈએ?”
“પણ…” બધા ગુંચવાઈ રહ્યા છે. “એનું કોઈ પરફોર્મન્સ આપણે જોયું નથી, એ શું કરે છે ? બોલિંગ, બેટિંગ, વિકેટ-કીપિંગ?”
“કશું જ નહિ !” ત્રીજો મેમ્બર કહે છે. “ઈન ફેક્ટ, એ એની જિંદગીમાં કદી ક્રિકેટ રમ્યો જ નથી ! પણ એનો ફેસ તો જુઓ ? આખી ટીમ એને જોઈને જોશમાં આવી જશે !”
“એક મિનિટ, એક મિનિટ !” બધા બોલી ઊઠ્યા. “એને ક્રિકેટ જ નથી આવડતું તો કેપ્ટનશીપ કેવી રીતે કરશે ?”
“અરે ? એના માટે તો આપણા કોચ, ટ્રેઈનરો, મેનેજમેન્ટ અને ઈવન ‘કોમેન્ટેટરો’ બેઠા જ છે ને !”
***
2030નું દ્રશ્ય...
કોંગ્રેસ કોર-કમિટીની બેઠક ચાલી રહી છે. વાતાવરણ ગંભીર છે. એક મેમ્બર કહે છે :
“કંઈક કરવું પડશે. રાહુલજીની લોકપ્રિયતા તળિયે બેસી ગઈ છે…. પ્રિયંકાજીનો કરિશ્મા ઓસરી રહ્યો છે…. કાર્યકરોમાં હતાશા છે… આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ બહુ ભૂંડી રીતે હારી જશે એમ લાગી રહ્યું છે.”
ત્યાં બીજો મેમ્બર કહે છે “આમાં કશું નવું કરવાની જરૂર જ ક્યાં છે ? પ્રિયંકાજીનો સુપુત્ર હવે મોટો થઈ ગયો છે. એની ધૂમધામથી રાજકારણમાં એન્ટ્રી કરાવો ને ?”
“યસ ! સુપર આઈડિયા છે !” પહેલો મેમ્બર કહે છે “બસ, એની એન્ટ્રી કરવાતાં પહેલાં એક જ કામ કરવાની જરૂર છે.”
“શું?”
“પ્લાસ્ટીક સર્જરી કરાવીને બાબાનો ચહેરો રાજીવ ગાંધી જેવો કરાવી નાંખીએ !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment