માહિતી નંબર એક : ‘ટિંડર’ ‘લવલી લવર્સ’ વગેરે ટાઈપનાં ડેટિંગએપ આવે છે. જેના વડે તમે તમારી મનપસંદ વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરીને પછી ક્યાંક રોમેન્ટિક સાંજ ગુજારવા મળી શકો છો.
માહિતી નંબર બે : તમે જેમ્સ બોન્ડનું ‘સ્કાય ફોલ’ મુવી જોયું છે ? એના વિલનનું ડાચું એટલું ખરાબ રીતે છૂંદાઈ ગયું હોય છે કે એણે ચહેરાને સરખો શેઈપમાં રાખવા માટે નકલી દાંત, નકલી આંખ તથા નકલી હાડકાં મોં વડે પહેરી રાખવાં પડે છે.
હવે આશ્ચર્ય નંબર એક ! વિક્ટર વર્મા નામના એક જુવાનને જેમ્સ બોન્ડના વિલન જેવી તકલીફો હોવા છતાં એ છોકરો‘ટિંડર’ ટાઈપની એપ વડે એક ડઝન જેટલી છોકરીઓને પટાવી ચૂક્યો હતો !
ઓકે. માંડીને વાત કરીએ...
વિક્ટર વર્મા બિચારો બે વરસ પહેલાં હેન્ડસમ હતો. કોલેજની 117માંથી 107 છોકરીઓ એની ઉપર ફિદા છે એવો એને વહેમ હતો. વિક્ટર વર્મા એ 107માંથી કમ સે કમ 17 છોકરીઓને તો પોતાની રેડ બાઈક પાછળ બેસાડીને ‘ફેરવી’ચૂક્યો હતો. એ 17માંની 7 જોડે એને સિરિયસ ‘અફેર’ પણ થઈ ગયો હતો. બસ, એ 7માંથી 1ની જોડે સ્ટેડી ‘રીલેશનશીપ’થઈ જાય એની જ એ રાહ જોતો હતો.
ત્યાં વિક્ટર વર્માના સ્પેર-પાર્ટ્સ છૂટ્ટા પડી ગયા ! બન્યું એવું કે એક એક્સિડેન્ટમાં વિક્ટરની એક આંખ કાણી થઈ ગઈ, નાક છૂંદાઈને અથાણું થઈ ગયું, અડધું જડબું દાંતના ચોકઠા સહિત તૂટીને છૂટું પડી ગયું, થાપાનું હાડકું ફ્રેક્ચર થઈ ગયું અને એક પગને ઘુંટણથી કાપવો પડ્યો.
એ પછી બિચારો વિક્ટર છૂટક સ્પેર-પાર્ટ્સ વડે જીવતો થઈ ગયો. પગમાં ‘જોધપુર ફૂટ’ પહેરવો પડે, મોંમાં દાંતનું ચોકઠું નાંખવું પડે, આંખની બખોલમાંલખોટી જેવી નકલી આંખ ખોસવી પડે અને ‘નાક’ યાને કે ‘ઈજ્જત’ જેવું કંઈ છે એવું દેખાડવા માટે પ્લાસ્ટિકનું નાક ચશ્મા જોડે ફીટ કરેલું હોય એવા જાડી ફ્રેમના ઈન્ટેલેક્ચ્યુઅલ લુક ધરાવતા ચશ્મા પહેરવા પડતા હતા.
બિચારા વિક્ટરની આખી રોમેન્ટિક લાઈફ ખતમ જ થઈ ગઈ હોત, પણ એક દિવસ એને મારિઆ મળી ગઈ.
મારિઆ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ‘સ્ટ્રગલર’ હતી. એનાં સપનાં તો ‘મણિકર્ણિકા’ જેવી મેગા-બજેટની બ્લોક બસ્ટર ફિલ્મ બનાવવાનાં હતાં પરંતુ એપાર્ટમેન્ટનાં ભાડાં અને કારના હપ્તા છૂટે એટલા ખાતર તે એડ. ફિલ્મો, ડોક્યુમેન્ટરીઓ વગેરે જે કામ મળે તે કરી લેતી હતી.
એક રાત્રે શૂટિંગ પતાવ્યા પછી તે એક લેટ-નાઈટ રેસ્ટોરન્ટમાં ચિકન-પુલાવ ખાતી હતી ત્યાં એણે દૂરના ટેબલ પર બેઠેલા વિક્ટરને જોયો.
રેસ્ટોરન્ટની ડીમ લાઈટોમાં વિક્ટર હેન્ડસમ લાગી રહ્યો હતો. એ પણ ચિકન-પુલાવ ખાઈ રહ્યો હતો પરંતુ પોચી ગાદીવાળી ખુરશીમાં એને બેસતાં ફાવતું નહોતું એટલે એણે પોતાનો જોધપુર-ફૂટ ઘુંટણથી દૂર કરીને પલાંઠી મારી દીધી !
મારિઆ એને જોઈ જ રહી હતી... થોડી વાર પછી એને ચાવવામાં ફાવટ નહોતી આવતી એટલે પેલા પ્લાસ્ટિકના નાક સાથેના ચશ્મા ઉતારીને સાઈડ પર મુકી દીધાં !
મારિઆ ડઘાઈ ગઈ. પોતાનો ચિકન-પુલાવ ખાવાનું ભૂલીને તે વિક્ટરને જોઈ રહી. વિક્ટરે પોતાનું ખાવાનું પતાવ્યા પછી દાંતનું ચોક્ઠું કાઢીને ગરમ પાણીના બાઉલમાં ધોવા માંડ્યું !
મારિઆને પહેલાં લાગ્યું કે તે કોઈ હોરર મુવી જોઈ રહી છે... પણ બે મિનિટ પછી એને એક જબરદસ્ત આઈડિયા આવ્યો. તેણે વિક્ટર પાસે જઈને કહ્યું :
“હલો જેન્ટલમેન ! વુડ યુ લાઈક ટુ ડેટ વિથ ડઝન્સ ઓફ બ્યુટિફૂલ ગર્લ્સ ?.. વન બાય વન ?”
આ સાંભળીને વિક્ટરની નકલી આંખની લખોટી બહાર નીકળી ગઈ હતી !
મારિઆનો આઇડિયા બ્રિલિયન્ટ હતો. એક MTV ટાઈપની ઓન-લાઈન યુથ ચેનલને યંગસ્ટર્સ માટે એક રોમેન્ટિક છતાં ડિફરન્ટ ‘રિયાલીટી’ શો જોઈતો હતો. મારિયાનો આઇડિયા એ વેબ-ચેનલમાં ક્લીક થઈ ગયો. પ્લાનમુજબ કામ શરૂ થઈ ગયું...
સૌથી પહેલાં તો વિક્ટરને મોંઘા સૂટ, બ્રાન્ડેડ કપડાં વગેરે પહેરાવીને મર્સિડીસ, ઓડી, લેમ્બોર્ગિની જેવી કાર સાથે તેના ફોટા પાડવામાં આવ્યા. ફોટોશોપ વડે ફોટાને ફીનીશીંગ ટચ આપીને વિક્ટરનું ‘વિકી સિંઘાનિયા’ નામનું ફેસબુક એકાઉન્ટ શરૂ થયું.
ત્યારબાદ વિકી માટે ડેટિંગ એપ દ્વારા જાતજાતની છોકરીઓ શોધવાની ચાલુ થઈ...
છોકરીઓની ફાઈનલ પસંદગી મારિઆ જાતે જ કરતી. કોઈ ભોળી, કોઈ સ્વીટ, કોઈ બ્યુટિફૂલ તો કોઈ ડાર્ક, કોઈ પરણેલી તો કોઈ જાજરમાન ડિવોર્સી...
દરેક છોકરીને વારાફરતી અલગ અલગ રેસ્ટોરન્ટમાં બોલાવવામાં આવતી. વાતચીત દરમ્યાન વિકી ઉર્ફ વિક્ટર પોતે અબજોપતિ છે એવો દેખાડો કરતો.
જે ઘડીએ છોકરી પુરેપુરી બાટલામાં ઉતરી ગઈ છે એવું લાગે કે તરત વિક્ટર તેનો જોધપુર ફૂટ કાઢીને ટેબલ ઉપર મુકી દેતો ! ત્યાર બાદ નકલી નાક... એ પછી લખોટી જેવી આંખ...
છેવટે તેની આખી ખોપડી કોઈ હોરર મૂવીના કેરેક્ટર જેવી થઈ જાય ત્યારે ભેદી અટ્ટહાસ્ય કરીને વિક્ટર પૂછતો “ડિયર, ડુ યુ સ્ટીલ લવ મિ ?”
એક પછી એક છોકરીઓનાં જે રિ-એક્શનો આવતાં એ જોવાની જબરદસ્ત મઝા પડતી હતી. આ રીતે બે-ત્રણ ડઝન છોકરીઓની મુલાકાત થઈ જાય પછી જ રિઆલીટી શો તરીકે ઓનલાઈન મુકવાનો પ્લાન હતો...
કટ-બેક ટુ વારતાની શરૂઆત...
વિક્ટર વર્મા આ રીતે પુરેપુરી એક ડઝન યુવતીઓ જોડે ડેટિંગ કરી ચૂક્યો હતો. આજે તેરમી છોકરી આવવાની હતી. વિક્ટર તો એના ફોટા જોઈને જ પાગલ થઈ ગયો હતો. નોર્મલ સેક્સી ફિગર 36-24-36 હોય પરંતુ આ રોઝીનું ફિગર સીધું 44થી સ્ટાર્ટ થતું હતું !
... આખરે રોઝી ‘બ્લુવિઝન’ રેસ્ટોરન્ટમાં આવતી દેખાઈ !
વિક્ટર તેને દૂરથી જોતાં જ બે ધબકારા ચૂકી ગયો... શું સાલી હોટમહોટ લાગતી હતી !
ચળકતું રેડ કલરનું ફ્રન્ટ-બટન ટુંકું શર્ટ અને બ્લેક કલરની ટુંકી શોર્ટ ! વિક્ટરને થતું હતું કે યાર, આની સાથે તો ડાન્સિંગ, કિસિંગ અને એ પછીનું બધું જ થવું જોઈએ... તેલ લેવા ગયા સ્પેર-પાર્ટ....
- પણ શું થાય ? વિક્ટર વર્મા કોન્ટ્રાક્ટથી બંધાયેલો હતો. છૂપા કેમેરાઓ વડે શૂટિંગ શરૂ થઈ ગયું હતું. દૂર બેઠેલી મારિઆએતેને પગ કાઢવાનો સિગ્નલ આપ્યો...
વિક્ટરની જરાય ઈચ્છા નહોતી, છતાં તેણે પોતાની 60 લાખની મર્સિડીઝને કેવી રીતે એક્સિડેન્ટ થયો તેની વારતા કરતાં કરતાં પોતાનો પગ કાઢીને ટેબલ ઉપર મુકી દીધો !
એ જોઈને રોઝીની આંખો પહેલાં પહોળી થઈ ગઈ... પછી ભીની થઈ ગઈ... અને છેવટે તો આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા ! એ બોલી “વિકી, લેટ મિ ટેલ યુ સમથિંગ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ...”
આમ કહીને તેણે પોતાના ચળકતા ચપોચપ રેડ શર્ટનાં બટન ખોલવા માંડ્યા ! વિક્ટરની તો નકલી આંખ પણ એ નજારો જોવા ઊંચીનીચી થવા લાગી... પણ ત્રીસમી સેકન્ડે વિક્ટરના અસલી હાર્ટમાં અસલી હાર્ટ-એટેક આવી ગયો !
રોઝીએ શર્ટના બટન ખોલીને અંદરથી કડક, છતાં બહારથી પોચા લાગતા બે ગોળાકારો કાઢીને ટેબલ ઉપર મુકી દીધા હતા !
- મન્નુ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Comments
Post a Comment