પોઝિટિવિટીનાં પૂર આવ્યાં છે !


જુના જમાનામાં સારું હતું. કોઈ ‘કમ્પેરિઝનો’ નહોતી અને કોઈ મહાન ‘પ્રેરણા’ આપનારા પણ નહોતા.

એ સમયે કોઈ ડોબા / લૂઝર / નિષ્ફળ / એવરેજ જુવાનની વાટ લાગી ગઈ હોય તો એ પોતાની જાતને કહી શકતો હતો કે “ટણપા, આ જ તારાં નસીબ છે. વૈતરું કર બેટા, વૈતરું...”

પણ આજે ? એક તો આખું સોશિયલ મિડીયા હેપ્પીનેસ અને‘પોઝિટીવીટી’થી છલકાય છે.

સાલું, બધા જ જલસા કરે છે ! રોજ કોઈની બર્થડે કે એનિવર્સરી હોય છે. દર અઠવાડીયે અઢાર ફેમિલીઝ મસ્ત રેસ્ટોરન્ટમાં જમવા ગયાં હોય છે, દર શુક્ર – શનિવારે પંચાવન જણા પોસ્ટ મુકે છે ‘એન્જોયડ્ ફલાણુ મૂવી... સ્ટુડિપડ હતું પણ મઝા પડી !’ 

સાલી બધી છોકરીઓ કોઈ ને કોઈ છોકરા જોડે ફોટો પડાવતી હોય છે. બધા છોકરાઓ સ્ટાઈલમાં હોય છે. વેકેશનોમાં તો આખી દુનિયાના લોકો જલસા જ કરવા નીકળી પડ્યા હોય છે... અને પેલો લૂઝર ?

એ લૂઝર / ડોબો / એવરેજ વ્યક્તિ આવું બધું જોઈને જલીને ખાક થઈ રહ્યો છે. એ લિટરથી ‘શીટ’ જેવું ફીલ કરી રહ્યો છે.

તોય, શું એ લૂઝરની હિંમત છે કે એ ફેસબુકમાં લખે કે “ફીલિંગ લાઈક શીટ ! નોબડી લવ્સ મિ.... આઈ એમ અ બોર્ન લૂઝર !”

જો ભૂલેચૂકે એવું લખી નાંખ્યું તો આખી દુનિયા એની ઉપર તૂટી પડશે : “બકા, બિ પોઝિટીવ ! બિ પોઝિટીવ !” પણ અલ્યા, કેવી રીતે ?

સૌથી મોટો દાટ પેલા પોઝિટીવ થિન્કીંગની ‘પ્રેરણા’ આપનારાઓએ વાળ્યો છે. એ લોકો સતત એક તૂત ચલાવ્યે રાખે છે કે “એવરીબડી ઈઝ સ્પેશીયલ ! ભગવાને દરેક માનવીમાં એક ખાસ શક્તિ આપી છે. બસ, તમારે એને શોધી કાઢવાની છે !”

જાણે કે ઉપર બેઠેલો ભગવાન, આખા વર્લ્ડમાં જે રોજની ૧,૩૭,૬૮૯ ડિલીવરીઓ થાય છે એમાં દરેકને માટે અલગ અલગ ‘ટેઈલર - મેઈડ’ શક્તિઓનું પ્લાન્ટેશન કરવા નવરો બેઠો હોય !

અને એ શક્તિને ‘તમારે જાતે શોધી કાઢવાની છે’ એટલેશું ? યાર, આ તે કંઈ ‘પઝલ’ છે ? આઈઆઈટી ની એન્ટરન્સ એક્ઝામ છે ?

અરે બોસ, હકીકત એ છે કે બધા ‘સ્પેશીયલ’ નથી હોતા !
પેલા સૈફ અલી ખાન અને કરીના કપૂરને ત્યાં જે જન્મ્યો છે ને, તૈમૂર,એને સ્પેશીયલ કહેવાય !

અને શું બધાએ ‘સ્પેશીયલ’ કામો જ કરવાના છે ? જો એમ જ હોય તો ટ્રાફિક હવાલદાર કોણ બનશે ? રેલ્વેમાં ટીસી કોણ બનશે ? રીક્ષાઓ,  ટેક્સીઓ કોણ ચલાવશે ? ‘નેગેટિવ’ લોકો ?

આ ‘સ્પેશીયલ – સ્પેશીયલ’ કરીને એવો દાટ વાળ્યો છે કે બિચારા ઓર્ડિનરી યંગસ્ટરોને ‘ઓર્ડિનરી હોવું’ એ જ બહુ મોટો ગુનો લાગે છે !

ઉપરથી આ પોઝિટીવ મોટિવેશનવાળા સલાહો ય કેવી કેવી આપે છે ? કહે છે કે “રોજ અરીસામાં જોઈને પોતાની જાતને કહો કે હું સફળ થઈને જ રહીશ !”

લો બોલો ! જે ભઈલુ સ્કૂલમાં કે કોલેજમાં કદી 53.5 ટકાથી વધારે માર્કે પાસ નથી થયો અને જેના ચહેરા ઉપર સત્તર બ્રાન્ડની ટ્યૂબો લગાડવા છતાં ‘પિમ્પલ્સ’ મટવાનું નામ જ નથી લેતા, એ ભઈલુ કેટલા દહાડા લગી અરીસામાં જોઈને આવું બોલી શકવાનો છે ? (બિચારો ખિલને લીધે બે વરસથી ‘સેલ્ફીઓ’ લેતો બંધ થઈ ગયો છે !)

આ પોઝિટીવીટી ફેલાવનારાઓને અમારી રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને તમારી આ ‘પ્રેરણા-ઝુંબેશ’ બંધ કરો !

હકીકત તો એ છે કે સોશિયલ મિડીયામાં ફેલાઈ રહેલા આ ‘સ્પેશીયલ’ બની જવાના વાવરને કારણે દેશના 100 યુવાનોમાંનાં જે 85 જણા ‘ઓર્ડીનરી’ છે, તે બિચારા રોજેરોજ એવા ‘નેગેટિવ’ વિચારો કરતા થઈ ગયા છે કે યાર... હું કેમ ‘પોઝિટીવ’ નથી ?

છોડો યાર, વટથી કહો, હું ‘ઓર્ડીનરી’ છું !

***

email : mannu41955@gmail.com

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment