કવિનો તડકો બમબમ !


લાભશંકર ઠાકર નામના એક કવિએ એમની કવિતામાં કહ્યું છે કે “મારી બારીમાં તડકો નાચે, તડકો બમબમ…”

આ તડકો બારીમાં આવે એ તો સમજ્યા પણ કવિની બારીમાં તડકો કયા કારણસર ‘બમ બમ’ કરતો નાચવા માંડે એ કંઈ સમજાયું નહિ. જોકે કવિઓનું એવું ! એમને તડકો નાચતો પણ દેખાય અને સુંદર છોકરીની પાંપણો ઉપર સૂતેલો પણ દેખાય. (સાંભળ્યું છે કે એક કવિની આંગળીના ટેરવે તડકો ટહૂકા કરે છે. બારેમાસ.)

અમને આજકાલ ડર લાગે છે કે તડકો નાચે, તડકો ટહૂકા કરે, તડકો સૂઈ જાય કે તડકો લસરપટ્ટી ખાય એવી વાતો હવે બિચારા કવિની કવિતામાં જ રહી જવાની છે.

સીધાસાદા કાકાઓ અને નાહ્યા વિનાના ટેણિયાઓ ઊભડક પગે બેસીને, લોટો અથવા ડબલું થોડે દૂર રાખીને, શિયાળાની સવારમાં, ખુલ્લા-અધખુલ્લા ખેતરમાં શૌચક્રિયા કરવાને બહાને તડકો ખાતાં બેઠાં હોય એવાં દ્રશ્યો તો ઈસ્વીસન પૂર્વેનાં થઈ ગયાં. આજે તો બિચારા બાબલાને ટોઈલેટમાં શું, ઘરની બાલ્કનીમાં ય તડકો ખાવાની લકઝરી મળતી નથી.

હા, બિચારા અમુક ડોસાઓ અને ડોશીઓ મોબાઈલમાં ‘કંપાસ-એપ’ની મદદ વિના શોધી કાઢે છે કે એમના દિકરાના ટુ-બેડરૂમ એપાર્ટમેન્ટની કઈ બારીમાંથી કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી, કેટલી ડિગ્રીની ત્રાંસથી સવારનો તડકો અંદર આવે છે. (આમાં સાલું, તડકો ‘બમબમ’ ક્યાંથી બોલે ?)

થોડા દિવસ પહેલાં જ્યારે દિલ્હીમાં જબરદસ્ત પોલ્યુશન વધી ગયું હતું ત્યારે એવા ન્યુઝ હતા કે દિલ્હીમાં તાજી હવા વેચાતી થઈ ગઈ છે. (આ કવિની કલ્પના નથી, હકીકત છે.) કહે છે કે, તમે ઓર્ડર આપો એટલે એ લોકો તમારા ઘરમાં આવીને એક આખો રૂમ ભરાય એટલી ‘ઓક્સિજનયુક્ત’ હવા છોડી જાય છે. (અહીં ‘હવા છોડી જાય છે’ એવું વાંચીને દુર્ગંધભર્યા વિચારો કરવાના નથી.)

ટુંકમાં, તમે બંધ-બારણે તાજી હવા મેળવી શકો છો. અમને લાગે છે કે આ ટાઈપનો ‘રેડીમેડ’ ‘ઈન્ડોર’ તડકો, એ પણ બમબમ કરતો હોય એવો, ભવિષ્યમાં ક્યારેય બજારમાં આવવાનો નથી. કારણ સિમ્પલ છે : આજની જનરેશનને તડકો જોઈને ‘બમબમ’ થતું જ નથી !

આજકાલ તડકાની સૌથી મોટી ડિમાન્ડ ઘરડાઘરોમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમુક ઘરડાઘરોમાં તડકાનું એડવાન્સ બુકિંગ કરાવવું પડે છે જેથી તમામ ઉંમરના તમામ ઘરડાંઓ વારાફરતી સવારના તડકામાં ‘શેક’ લઈ શકે. જે ઘરડાઘરમાં ડિસીપ્લીન સચવાઈ નથી ત્યાં સવાર સવારનાં તડકામાં નાનકડા રમખાણોમાં થઈ ગયા હોવાના અહેવાલો પણ છે.

અન્ય એક ઘરડાઘરમાં વૃધ્ધો પોતાનાં સ્વેટરો, મફલરો તથા નાક-લૂછણિયાં રૂમાલો ચોક્કસ જગાઓ ઉપર આગલી રાતે જ મુકીને ‘સ્પોટ બુકિંગ’ કરી રહ્યાં હોવાનો રિપોર્ટ છે. વળી, જે ઘરડાઘરોમાં NRI સંતાનોના ડોસા-ડોશીઓથી પૈસેટકે સંપન્ન છે ત્યાંના ડોસા-ડોશીઓએ હવે ‘આર્ટિફીશીયલ તડકા-પ્લાન્ટ’ની માંગણી કરવા માંડી છે.

છોડો, આ તો બધી કલ્પના છે. વાસ્તવિક્તા એ છે કે શિયાળાની સવારનાં ‘તાપણાંઓ’ તો પ્રાગૈતિહાસિક કાળના ગુફાયુગમાં જ દફન થઈ ગયા છે.

કેનેડા જેવા ‘માઈનસ-ઝિરો’ દેશમાં વસતા આપણા દેશીઓ કહે છે કે એમનાં ઘરો અને ઓફિસોમાં સતત હિટરો ચાલતાં જ રહે છે. આ હિસાબે આપણા દેશમાં ભલે ડિસેમ્બર-જાન્યુઆરીમાં ‘વિન્ટર-ફેશન’ના નામે લાખો રૂપિયાનાં ફેશનેબલ વસ્ત્રો વેચાઈ જશે પણ આર્ટિફીશીયલ તાપણાં તો નહિ જ આવે.

એની વે, આ બધું મુકો તડકે, અને ચા પીઓ ચા !

 - મન્નુ શેખચલ્લી

e-mail : mannu 41955@gmail.com

Comments