લો, હવે સવર્ણો માટે પણ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત આપવાની જાહેરાત થઈ ગઈ.
હવે થોડાં વરસ પછી એકાદ મેરેજ-બ્યુરોમાં તમને આવું દ્રશ્ય જોવા મળશે…
***
“આવો આવો… બોલો, શું બતાડું ?”
“મારી બેબી માટે મૂરતિયો જોઈએ છે.”
“ઓકે જનરલ કેટેગરીમાં બતાડું કે રિઝર્વેશનમાં ?”
“ના ના, જનરલમાં તો બિલકુલ નહીં…. એમનું વળી ફ્યૂચર શું ?”
“તો રિઝર્વેશનમાં શું… એસસી ?... એસટી…? કે પછી ઓબીસીમાં ?”
“ના ના, અમારે તો સવર્ણમાં જોઈએ.”
“ઓહો, સવર્ણમાં ય રિઝર્વેશન કેટેગરી. એમ કહો ને ?”
“હા, એમ જ.”
“તો જુઓ, આ એક સરસ છોકરો છે. સવર્ણ છે અને વળી રિઝર્વેશન ક્વોટામાં જ એમબીબીએસ કરી રહ્યો છે.”
“ઓહો…. મતલબ કે એના પપ્પાના તો ફીમાં જ 10-15 લાખ બચી ગયા ! એમ ને?”
“બિલકુલ ! અને ઉપરથી એમની 5 એકરની ખેતીલાયક જમીન પણ છે !”
“ઓહોહો…? તો તો ટ્રેક્ટરો માટે લોનો લઈને, એની માફી મેળવીને એ જ પૈસામાંથી બાબો પોતાનું ક્લિનીક સ્ટાર્ટ કરશે, એમ ને !”
“હાસ્તો, આજકાલ તો આ જ સિસ્ટમ ચાલે છે.”
“પણ છોકરાનું ઘર કેવુંક છે ?”
“અરે મસ્ત મોટો બંગલો છે !”
“બંગલો ? તો અનામત સીટ શી રીતે મળી ?”
“અરે, બંગલામાં એના પપ્પાના નામે તો માત્ર 100 વાર જ જગા છે ને ! પપ્પા બિચારા પોતાની મમ્મીના બંગલામાં રહે છે.”
“આ સારું ગોઠવ્યું છે, હોં ? અને છોકરાના પપ્પા શું કરે છે ?”
“સરકારી નોકરી છે ! વાર્ષિક પગાર 8 લાખ અને ઉપરની કમાણી 28 લાખ !”
“ઓહોહો…. મતલબ કે ફીમાં 10-15 લાખ બચ્યા, ખેડૂત લોનમાં 10-15 લાખ લીધા અને ઉપરની કમાણી -”
“સાહેબ, તમે હિસાબ જ ના કરો ! તમારી દિકરી રાજ કરશે રાજ !”
“બસ બસ, તો હવે આ સબંધ માટે વાત આગળ ચલાવો !”
“ચોક્કસ... પણ એમાં એવું છે કે છોકરાવાળાની બે ત્રણ ડિમાન્ડ છે.”
“ડિમાન્ડ ?”
“હા. એક તો છોકરી ખેડૂતની દિકરી હોવી જોઈએ, બીજું એની પાસે પછાત જાતિનું સર્ટિ હોવું જોઈએ, ત્રીજું 50 લાખનું દહેજ આપવું પડશે… અને ‘વેઇટિંગ લિસ્ટમાં’ જ્યારે નંબર લાગે ત્યારે બીજા 25 લાખનું ‘ડોનેશન’ આપવું પડશે ! ”
***
- મન્નુ શેખચલ્લી
સ્વાભાવિક જ છે ; મન્નુજીની કલમનો ચમકારો હંમેશાં નવું ફલક સર્જે છે. એમણે કલમ અને પીંછી ઉપાડ્યાં ત્યારથી એમનો સતત પીછો કરતો રહ્યો છું. ગયે અઠવાડિયે હું મસમોટું સદ્ભાગ્ય પામી ગયો. અમે સળંગ છ કલાકો એકમેકની
ReplyDeleteસન્નિધિમાં રહ્યા. એમની હળવાશ એટલી બધી સહજ છતાં ગહન છે કે મારો વરસોનો ભાર ઊતરી ગયો.