ઘનિયાની બેટરી સવારથી જ ડાઉન હતી. બેટરી એટલે ? ઘનિયાના મોબાઈલની બેટરી.
બાકી ઘનશ્યામ એક્ટર બહુ તગડો. એક વાર રોલમાં ઘૂસી જાય પછી સામે ભલભલો સ્ટાર હોય તેને પણ ખાઈ જાય. બસ, ઘનિયાની એક જ તકલીફ. સ્ક્રીપ્ટમાં લખેલા ડાયલોગ્સ સિવાય પોતાના ખિસ્સામાંથી વધારે પડતું ઉમેર્યા કરે. ઘનિયો એને ‘ઇમ્પ્રોવાઈઝેશન’ કહે.
ઘનિયાએ ઘડિયાળમાં જોયું. દસ તો વાગી ગયા હતા. હોટલ બ્લુ સ્ટારના ચોથા માળે એનું ઓડીશન થવાનું હતું. એણે સાડા દસે પહોંચી જવાનું હતું.
કાસ્ટિંગ ડીરેક્ટર બબલુએ એને ખાસ કીધું હતું. “ઘનિયા, રોલ નાનો છે. ભિખારીનો છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે, કારણ કે આખું મર્ડર થતું આ ભિખારીએ જ જોયું છે. આ ભિખારી જરા મગજનો છટકેલ છે. એની જીભમાં ગ્લીસરીન છે એટલે એક વાત કરતાં કરતાં એની લપસણી જીભ બીજી જ વાતે ચડી જાય છે…. રોલ સમજી ગયોને ઘનિયા ?”
ઘનશ્યામે ફોનમાં ખોંખારો ખાઈને કીધું હતું “બબલુ ચિંતા ના કર. સાલા, એવું ઓડીશન આપીશ ને કે ક્રેડીટ તને બી મળશે.”
“મારી ક્રેડીટની ફિકર છોડ ઘનિયા, ડાયલોગ્સ પાકા કરીને આવજે. મેં તને વોટ્સએપ કર્યા છે. અને સાંભળ, દોઢડાહ્યો થઈને તારા ખિસ્સામાંથી કાઢેલા ડાયલોગ્સ ના ઘૂસાડતો. નહિતર રોલ હાથથી જશે. બહુ જોરદાર મર્ડર મિસ્ટરી છે. ‘અંધાધૂન’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવનની ફિલ્મ છે. આ તો આખું મર્ડર અમદાવાદમાં થાય છે એટલે મોટા ભાગના નાના-મોટા રોલમાં ગુજરાતી આર્ટિસ્ટો જ લેવાના છે. સાલા, તારા માટે નેશનલ લેવલનો રોલ ભજવવાનો ચાન્સ છે. લોચા ના મારતો.”
“નહીં મારું, બસ ? પ્રોમિસ.”
ઘનશ્યામ અને બબલુ જુના દોસ્ત હતા. સાથે નાટકો કરતા. બબલુ એક્ટિંગમાં નબળો એટલે મુંબઈમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે સેટ થઈ ગયો. એ દોસ્તી છેક હવે કામ લાગી.
“લેટ થઈ ગયું…. સાલું, લેટ થઈ ગયું…”
ઘનિયો બબડી રહ્યો હતો. “એક તો સાલી બેટરી ઉતરી ગઈ છે તે ઝટ રિ-ચાર્જ થતી નથી અને આ બાજુ ટાઈમ સાચવવો પડશે. ડાયલોગ્સ તો ગોખેલા જ છે… પણ યાર ?”
અચાનક ઘનિયાને એક સોલિડ આઈડિયા આવ્યો. એણે સટાસટ પોતાનાં પેન્ટ-શર્ટ કાઢી નાંખ્યા અને ત્રણેક વરસ પહેલાં એક નાટકમાં પાગલ ભિખારીના રોલ માટે જે મેલાંઘેલાં ફાટેલાં કપડાં પહેર્યા હતાં તે બેગમાંથી શોધી કાઢ્યાં.
બસ, બાકીનું કામ ઈઝી હતું. ચહેરા ઉપર મેશના થોડા લપેટા કર્યા, વાળ વિખેરી નાંખ્યા, પગમાં જુની સ્લીપર ચડાવી લીધી. અને બહાર નીકળીને રોડની સાઈડમાંથી ધૂળ ઉપાડીને વાળમાં તથા શરીર ઉપર છાંટી દીધી.
આવા જ વેશે તેણે એક રીક્ષા ઊભી રખાવી !
રીક્ષાવાળો તો જોતો જ રહી ગયો. ઘનિયાએ કહ્યું “હોટલ બ્લુ સ્ટાર ઉપર લઈ લે ! અને ટોપા, આમ જુવે છે શું ? પૈસા પુરા આપીશ !”
હોટલ બ્લુ સ્ટાર નજીક આવી એ પહેલાં ઘનિયાને નવો આઈડિયા આવ્યો.
“સાલું, મેઈન ગેટમાંથી જઈશ તો ચોકીદાર જવા નહીં દે. જો હું એમ કહીશ કે એકટર છું, તો સત્તર જાતના સવાલ કરશે અને ભૂલેચૂકે ચોથા માળે ફોન કરીને પૂછાવશે તો યાર, આખી સરપ્રાઈઝ તૂટી જશે…”
ઘનિયો એના ઓડિશનમાં સરપ્રાઈઝ આપવા માગતો હતો. ભિખારીના વેશમાં ડાયરેક્ટ ઘૂસી જવાનું અને એવી રીયાલિસ્ટીક ‘ઇમ્પ્રોવાઈઝ્ડ’ એક્ટિંગ કરવાની કે બધા એને અસલી ભિખારી જ માની લે ! બસ, પછી તો રોલ પાક્કો ને !
બીજો આઈડિયા અમલમાં મૂકવા માટે ઘનિયો હોટલના પાછળના ભાગમાંથી અંદર ઘૂસ્યો. લિફ્ટમાં જવાને બદલે દાદરા ચડ્યો અને સીધો ચોથા માળે, રૂમ નંબર 403માં પહોંચી ગયો.
રૂમનો દરવાજો અધખુલો હતો. અંદરથી કંઈ ધીમા અવાજો આવી રહ્યા હતા. ઘનિયાએ પોતાનો વેશ સરખો કર્યો. જરા ખોડંગાતી ચાલ કરીને એણે રૂમમાં એન્ટ્રી મારી. અંદરનો સીન જોતા ઘનિયાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ !
બે ‘બેબી-લાઈટ્સ’ના અજવાળામાં અહીં ઓલરેડી કોઈ સીન ચાલી રહ્યો હતો ! બેડ ઉપર એક ખુબસુરત છોકરીની લાશ પડી હતી, એના શરીરમાંથી લોહી વહીને બેડની ચાદર ઉપર ફેલાઈ ગયેલું હતું ! ઘનિયાની આંખો ચમકી ઊઠી. તે તરત જ રોલમાં આવી ગયો.
“પતા હૈ ! મુઝે પતા હૈ, યે ખૂન કિસ ને કિયા હૈ ! મગર મૈં બોલેંગા નંઈ… ચેન કુલી કી મેન કુલી કી ચેન કુલી કી મેન…
... ચ્યાઈલા, મૈં અમદાવાદ મેં દરિયાપુર કા રૈનેવાલા, નારણપુરા મેં ભીખ માંગનેવાલા, મગર સ્સાલા અપુન કો સબ ક્રાઈમ કા પતા રહેતા ! તુમ પૂછેંગા તો હમ બોલેંગા… મગર હમ બોલેંગા તો બોલોગે કિ બોલતા હૈ !
પન, અપન ક્યા બોલતા હૈ કિ મર્ડર કા સાક્ષી બનને કે લિયે કુછ હાથ ભી ગરમ હોના મંગતા ના ? ક્યું કિ અપુન ને દેખેલા હૈ… પુરા મર્ડર દેખેલા હૈ… ચેન કુલી કી મેન કુલી કી ચેન -”
અચાનક ઘનિયો ડાયલોગ ભૂલી ગયો ! બે ઘડી તો થયું કે ખિસ્સામાંથી પોતાના બે ડાયલોગ બોલીને ‘ઇમ્પ્રોવાઈઝ’ કરી નાંખે, પણ બબલુની વોર્નિંગ યાદ આવી ગઈ. એ અટકી ગયો.
સામે એક જાડો સરખો પ્રોડ્યુસર જેવો લાગતો માણસ બેઠો હતો. એની જાડી જાડી મૂછો હતી. કાનમાં બુટ્ટી હતી. આંગળીઓ પર સોનાની વીંટીઓ હતી. એણે ખાખી પેન્ટ અને વ્હાઈટ શર્ટ પહેર્યું હતું. તેણે ધીમા અવાજે તેની બાજુમાં ઊભેલા માણસને સૂચના આપી : “લે લો, ઈસ કો.”
બીજી જ ક્ષણે બે જણા તેને રૂમની બહાર લઈ ગયા. લિફ્ટ વડે નીચે જતાંની સાથે તેને એક કારમાં બેસાડ્યો. ઘનિયાને થયું કે “બોસ, આજે તો ઊઘડી ગયાં ! શ્રીરામ રાઘવનની ફિલ્મમાં આપણો રોલ પાકો…”
પણ સાલી કાર તો અમદાવાદની બહાર નીકળી ગઈ ! બગોદરા ક્રોસ કર્યા પછી એક સુમસામ ખેતરમાં લઈ જઈને પેલા બે જણાએ ઘનિયાને લાકડીઓ વડે મારી મારીને એનો ડૂચો કરી નાંખ્યો ! ઘનિયાના બે પગ પહોળા કરીને એમણે એની વચ્ચોવચ એક ગોળી મારી દીધી !
ઘનિયાને પેશાબ છૂટી ગયો. ગોળી માત્ર એક ઈંચ દૂર રહી ગઈ હતી ! જતાં જતાં પેલા કહેતા ગયા. “સાલા, તું ભિખારી છે એટલે જવા દઈએ છીએ, બાકી જો જબાન ખોલી છે તો ગોળી બરોબર નિશાન ઉપર વાગશે ! સમજ્યો ?”
બિચારો ઘનશ્યામ જેમ તેમ કરીને, ફાટેલાં કપડામાં બચેલું પરચુરણ વાપરીને, લિફ્ટો લઈ લઈને પોતાના ફ્લેટ પર પહોંચ્યો.
ફોન ચાર્જીંગમાં મુક્યા પછી તેણે ટીવીમાં ન્યુઝ જોયા.
“હોટલ બ્લુ સ્ટારમાં અજાણી અભિનેત્રીનું ખૂન… તેને ઓડીશન માટે બોલાવવામાં આવી હતી પરંતુ હકીકતમાં તે હત્યાનો પ્લાન હતો… પોલીસ ઘટના સ્થળે પહોંચી તે પહેલાં નકલી પોલીસ બનીને હત્યારાઓએ પુરાવાઓ રફેદફે કરી નાંખ્યા હતા..”
ઘનિયાને થોડી ઘણી ગેડ બેઠી ખરી. જોકે પુરી વાત એને ત્યારે સમજાઈ જ્યારે મોબાઈલ ચાર્જ થયો.
એમાં સવારના 7.00 વાગ્યાનો મેસેજ આવીને પડ્યો હતો : “આજનું ઓડીશન કેન્સલ છે.”
***
e-mail : mannu41955@gmail.com
Bahot khub
ReplyDelete