'વોટ્સએપ લક્ષણ-શાસ્ત્ર' જ્યોતિષ


જ્યોતિષીઓ માણસનું કપાળ, હથેળી કે કુંડળી જોઈને તેનો સ્વભાવ, ધંધો અને નસીબ જણાવી શકે છે.

એ જ રીતે હવે જો તમે વોટ્સ-એપ વાપરનારાઓનાં લક્ષણો ધ્યાનથી જુઓ તો ઘણું બધું જાણી-જણાવી શકો છો…

***

જેનું સ્ટેટસ ‘Hi there ! I’m unsing Whatsapp’ છે તે કાં તો અભણ છે, કાં તો આઠમી ફેઈલ છે અથવા તો તે ૬૦ વરસનાં માજી છે.

***

જે લોકો ‘જીવન જીવવાની કળા’ ‘જીવનમાં સફળતા શી રીતે મેળવશો’ ‘જીવનમાં આનંદી રહેવાની બાર ચાવીઓ’ ...એ ટાઈપના મેસેજો મોકલે છે. તેમની અડધી જિંદગી તો પતી ગઈ હોય છે. (બોલો, ખોટી વાત છે?)

***

જે લોકો સટાસટ બે બે શબ્દોના 12 મેસેજો માત્ર 15 સેકન્ડમાં મોકલી દેતા હોય એમની ઉંમર 16 થી 20 વરસની હોવાની પુરેપુરી શક્યતા છે.

***

જેના મેસેજોમાં Kaleને બદલે Kill લખેલું આવે, Savareને બદલે severe લખેલું આવે અને thoduને બદલે thud લખેલું આવે તે જરૂર કોઈ આન્ટી હશે જેને ‘ઓટો-સ્પેલ’ ઓફ કરતાં આવડતું નથી.

***

જે લોકો દરેક ફિલ્મનો કચરો કરી નાંખતા કડક રિવ્યુ લખે છે…

… એ લોકો પોતાની પત્નીની રસોઈ વિશે એક શબ્દ પણ બોલી શકતા નથી ! પૂછી જોજો.

***

જે પત્નીઓ પોતાના પતિને સીધોસાદો ફોન કરવાને બદલે સતત વિડીયો કોલ જ કર્યા કરતી હોય… તેને પતિના કીધેલા એક પણ ‘શબ્દ’ ઉપર ભરોસો નથી !

***

ગુલઝાર, ગાલિબ, જાવેદ અખ્તર જેવા મહાન શાયરોની કવિતાઓ સતત ફોરવર્ડ કર્યા કરનારાઓ કદી કોઈ કવિસંમેલનોમાં નથી જતા હોતા. (નસીબદાર છે.)

***

જે લોકો સતત ગુજરાતી ગઝલો, ગુજરાતીમાં લખેલી ઊર્દૂ ગઝલો તથા હિન્દી શેરો-શાયરીઓ વગેરે કોઈપણ જાતના ડેકોરેશન વિના મોકલ્યા કરે છે એ લોકો નિષ્ફળ ગયેલા કવિઓ હોવાની શક્યતા છે.

***

અને જેનું last seen બંધ હોય, જેની ગ્રે લાઈન કદી ડબલ ગ્રે લાઈન કે બ્લુ લાઈનો ના થતી હોય, જેણે તમારા વિડીયો ખોલ્યા જ ના હોય…

… એનો નંબર ચેક કરી લેજો બોસ... કદાચ બદલાઈ ગયો હશે !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments