106મી સાયન્સ કોંગ્રેસના ઉદ્ઘાટન વખતે મોદી સાહેબે નવું સૂત્ર આપ્યું : “જય અનુસંધાન !”
સાહેબે કહ્યું કે દેશમાં રિસર્ચને વધારે મહત્વ આપવું પડશે. વાત તો સાચી જ છે ! આપણે તો વરસોથી વિદેશોમાં થયેલી શોધો (મોબાઈલ, કોમ્પ્યુટર, ટ્રેન, વિમાન, ટીવી) વગેરે વાપરીને જલસા કરતા રહીએ છીએ.
પરંતુ આપણા દેશને જેની સખત જરૂર છે એવી શોધો તો આપણે કરતા જ નથી.
હવે જરા કલ્પના કરો, સાહેબની આ હાકલ પછી ભાજપ સરકાર આખી ઝુંબેશને કેવી રીતે આગળ વધારશે ?....
***
સૌથી પહેલાં તો દેશની તમામ સાયન્સ કોલેજોની દિવાલો ઉપર ભારતના મહાન વૈજ્ઞાનિકો જેમ કે રામાનુજન, આર્યભટ્ટ, જગદીશચંદ્ર બોઝ, સીવી રામન, એપીજે અબ્દુલ કલામ વગેરેના મોટા મોટા ફોટા ફરજિયાત રીતે લટકાડવાના રહેશે.
***
બીજું, હાલમાં જે જે વિજ્ઞાન-રિસર્ચ આધારિત સંસ્થાનોમાં નહેરુ પરિવારનાં નામો છે તે બદલીને નવા સંઘ પરિવારનાં નામો રાખવામાં આવશે.
***
રામાયણ મહાભારત જેવા ભવ્ય ગ્રંથોમાં કેવી કેવી શોધો ઓલરેડી થઈ ચૂકી છે તેની રિસર્ચ કરવા માટે ખાસ 100 કરોડનું બજેટ ફાળવવામાં આવશે.
***
આયુર્વેદ તો ભારતની પોતાની આગવી ચિકિત્સા પધ્ધતિ છે. તે દર્શાવવા માટે શહેરોમાં ‘ચરકસંહિતા’ પુસ્તકની શોભાયાત્રા કાઢવામાં આવશે.
***
શૂન્યની શોધ કરનાર આર્યભટ્ટના જન્મદિવસે દરેક શહેરોમાં હજારો વિશાળ શૂન્યો જોડી જોડીને સરઘસો કાઢવામાં આવશે.
***
એટલું જ નહિ, દિલ્હીના પ્રગતિ મેદાનમાં દુનિયાનું સૌથી મોટું ‘શૂન્ય’નું પૂતળું ઊભું કરવામાં આવશે.
***
દરેક વૈજ્ઞાનિકો, પ્રોફેસરો તથા વિજ્ઞાનના સ્ટુડનટોએ એકબીજાને ‘જય અનુસંધાન !’ કહેવાનું રહેશે.
જે એવું નહિ બોલે તેને દેશદ્રોહી ગણવામાં આવશે.
***
અને હા, આવતા વરસથી આ ‘સાયન્સ કોંગ્રેસ’... ‘સાયન્સ બીજેપી’ તરીકે ચાલુ રહેશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment