૨૦૧૯ની 'ઑપ્શનલ' ભવિષ્યવાણીઓ !


2019નું વરસ ઐતિહાસિક રીતે ‘દ્રષ્ટિકોણ’ વરસ સાબિત થવાનું છે !

અમુક લોકો માને છે કે મે મહિનામાં જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યાર બાદ દેશનો ‘ઈતિહાસ’ બદલાઈ જવાનો છે ! (હકીકતમાં ‘ભવિષ્ય’ તો ઝિરો જ રહેવાનું છે.)

મે 2019માં જે થાય તે, પરંતુ તે વિશેના ‘દ્રષ્ટિકોણો’ બહુ ઉલટ-સુલટ હશે ! જુઓ..

***

લોકશાહી

પરિણામો પછી જે પક્ષો સત્તામાં આવશે એમના માટે ‘લોકશાહીનો’ વિજય થયો હશે.

અથવા…

જે પક્ષો હારી જશે એ કહેશે કે હવે લોકશાહીનો ‘મૃત્યુઘંટ’ વાગી ચૂક્યો છે.

***

રામમંદિર

અમુક લોકો માનવા માંડશે કે હવે રામમંદિરનું બાંધકામ પૂરજોશમાં ચાલુ થઈ જશે. આ એક ઐતિહાસિક ઘટના હશે.

અથવા…

અમુક લોકોના હિસાબે ત્યાં મસ્જિદ, મંદિર, ગુરુદ્વારા, ચર્ચ અને પેગોડા એવાં તમામ દેવસ્થાનો એક જ સ્થાપત્યમાં હોય તેવા ‘સેક્યુલર’ પ્રેરણા સ્થાનની ‘ઐતિહાસિક’ કાર્યવાહીનો ‘વૈચારિક’ પાયો નંખાશે…

***

ગઠબંધન

અમુક લોકો કહેશે કે દેશની લોકશાહીમાં ગઠબંધનની તાકાતનો પરચો સૌને જોવા મળ્યો છે.

અથવા…

લગભગ એ જ લોકો કહેશે કે ગઠબંધનની ગાંઠો ફરી તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે.

***

દેશભક્તિ

અમુક દ્રષ્ટિવાનોને લાગશે કે જોયું ? જે થયું તે ભલે થયું, પણ ‘દેશદ્રોહીઓ’ તો ઊઘાડા પડી ગયા ને ?

અથવા…

કદાચ એ જ લોકો કહવા લાગશે કે ‘સાચી’ દેશભક્તિને મતપેટીઓનાં સર્ટિફીકેટોની કોઈ જરૂર નથી.

***

ફિલ્મ સ્ટારો

અમુક ફિલ્મ સ્ટારોનો ડર હંમેશ માટે સમાપ્ત થઈ જશે.

અથવા…

અમુક ફિલ્મ સ્ટારોમાં નવી જાતનો ફોબિઆ નવેસરથી ફેલાવા માંડશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments