ન્યુઝ ઉપર મમરો !


આજકાલ એવા ન્યુઝ આવી રહ્યા છે કે એમાં મમરો મુકવાનું મન થઈ જ જાય ! જુઓ…

***

ન્યુઝ

રાહુલ ગાંધીએ અગાઉ વડાપ્રધાનને ઝપ્પી આપ્યા પછી સાથી કોંગ્રેસ સામે જોઈને આંખ મારી હતી. એ જ રીતે નિર્મલા સીતારામન ઉપર શાબ્દિક પ્રહારો કર્યા પછી સાથી કોંગ્રેસને આંખ મારી.

મમરો

સીધી વાત છે, નિર્મલાજીને અચાનક ઝપ્પી થોડી આપી શકાય ?

***

ન્યુઝ

નિર્મલા સીતારામને કહ્યું કે બોફોર્સ વડે કોંગ્રેસની સત્તા ગઈ પણ રાફેલ વડે ભાજપને ફરી સત્તા મળશે.

મમરો

અરે બાપરે ! મતલબ કે ચૂંટણી પહેલાં પાકિસ્તાન જોડે યુધ્ધ થશે ?

***

ન્યુઝ

કોંગ્રેસ દેશના 5 કરોડ ખેડૂત પરિવારોને લોનમાફીનું વચન આપવા માંગે છે.

મમરો

લાગે છે કે ચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં વધું 5 કરોડ લોકો ખેડૂત બની જશે !

***

ન્યુઝ

મનમોહનસિંહના વડાપ્રધાનપદ ઉપર આધારિત ફિલ્મ ‘એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ આવી રહી છે.

મમરો

ફિલ્મ તો આવતાં આવશે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારથી એક્સીડેન્ટો થવા લાગ્યા છે !

***

ન્યુઝ

દમણ અને દીવ વચ્ચે હવે રો-રો ફેરી શરૂ થશે.

મમરો

ઓકે. ધેટ મિન્સ કે જો દીવમાં ખાસ મઝા ના આવે તો તમે ફટાફટ દમણ જઈ શકો છો !

***

ન્યુઝ

ઓલ ઇન્ડિયા રેડિયોની રાષ્ટ્રિય ચેનલ ગઈકાલથી બંધ થઈ ગઈ છે.

મમરો

જો આ ન્યુઝ માત્ર આકાશવાણીના ન્યુઝ બુલેટિનમાં આવ્યા હોત તો તો એ વાતની કોઈને ખબર જ ના પડી હોત ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments