રાહુલબાબાનું 'ગરીબી એન્કાઉન્ટર' !


લો, રાહુલ ગાંધી કહે છે કે જો 2019માં અમારી સરકાર બનશે તો અમે ગરીબોને લઘુતમ આવક આપીશું !

ચાલો, ગરીબોને વચન આપવામાં ક્યાં ગરીબી નડે છે ? (વચનેષુ કિં દારિદ્રયમ્ ?) પરંતુ એ પછી રાહુલબાબાને વિચિત્ર વિચાર આવ્યો :

“મારે કોઈ ગરીબને મળવું છે !”

બિચારા કોંગ્રેસીઓ ટેન્શનમાં આવી ગયા. “સાહેબ, એના માટે તો દિલ્હીની બહાર જવું પડશે.”

“કેમ ? દિલ્હીમાં ગરીબો નથી ?”

“છે, પણ એ બધા ‘આપ’ વાળા છે ! તમને ગાંઠશે નહિ... ”

આખરે કોંગ્રેસીઓએ મધ્ય પ્રદેશમાં એક ગરીબને શોધી કાઢ્યો !

“સર, જુઓ... એની પાસે કાર નથી, એસી નથી, ટીવી પણ નથી...”

“ઓ વાઉ !” રાહુલ બાબા ગરીબને પૂછવા લાગ્યા. “ભાઈ, તમે ગરીબ કેમ થઈ ગયા ?”

પેલો કહે “છૂટકો નહોતો... મારે તો ખેડૂત થવું હતું પણ ખેડૂત થવા છતાંય મારી લોન માફ નથી થઈ..”

“અચ્છા ? કેમ માફ નથી થઈ ?”

“કારણ કે મેં કોઈ લોન લીધી જ નહોતી ! હવે તો બસ, ગરીબી જ મારો સહારો છે... જોઉં છું, કંઈ અનામત-બનામતમાં કોઈ લાભ મળે તો.”

“જુઓ, તમે ચિંતા ના કરો. દિલ્હીમાં અમારી સરકાર આવશે તો અમે તમને ગરીબીનું ભથ્થું આપીશું.”

“ખરેખર ? ઘેરબેઠાં ?”

“હાસ્તો વળી ! બસ, તમારી પાસે આધારકાર્ડ અને બીપીએલ કાર્ડ હોવું જોઈશે.”

“અરે, મારી પાસે તો પાનકાર્ડ પણ છે !”

“પાનકાર્ડ?”

“હાસ્તો ! એક દાઢીવાળા ભાઈ અમારા ખાતામાં 15-15 લાખ જમા કરાવવાના હતા ને ? એટલે પાનકાર્ડ કઢાવી રાખેલું... પણ તમે કેટલા જમા કરાવશો ? 20 લાખ ? 25 લાખ ?”

“ના, અમે તો -” રાહુલ બાબા ગુંચવાયા. “દર મહિને 200 થી 300 રૂપિયા -”

“રહેવા દો ભઈ ! 200-300માં શું થાય ? અને હા, તમારાં નાની વરસો પહેલાં કંઈ ‘ગરીબી હટાવો...’ ‘ગરીબી હટાવો...’ કરતાં હતાં, એનું શું થયું ?”

“એમાં એવું છે કે...”

રાહુલબાબા સખત ગુંચવાયા. છેવટે થોડો વિચાર કર્યા પછી કહી જ દીધું :

“એવું છે કે... હવે હટાવવાની નથી ! હવે તો ગરીબીને જ બચાવવાની છે !”

***

- મન્નુ શેખચલ્લી 

Comments