દેશી કાકાઓની વિન્ટર ફેશનો !


આપણા ગુજરાતનો પ્રોબ્લેમ શું છે કે અહીં બાર મહિનામાંથી દસ મહિના તો ઉનાળો જ હોય છે. છતાં આપણે કાશ્મીર ફરવા જઈએ ત્યારે લેટેસ્ટ ફેશનનાં સ્વેટરો, મફલરો અને જાકીટો ખરીદવામાં દસ-બાર હજાર રૂપિયા વાપરી નાંખીએ છીએ.

પછી એ સ્વેટરો – જાકીટો પહેરવાનાં ક્યારે ? તો કહે, શિયાળામાં દસ-બાર દહાડા માટે ! આનાં કરતાં તો આપણી ઓલ્ડ-જનરેશનના કાકાઓ સારી ‘શિયાળુ-ફેશનો’ કરતા ! જુઓ, ફ્લેશ-બેકમાં…

***

બુઢિયા ટોપી જનરેશન

એન્થ્રોપોલોજીની ભાષામાં કહીએ તો બુઢિયા ટોપી પહેરનારા કાકાઓની આખેઆખી ‘સ્પિશીઝ’ હવે નામશેષ થવાને આરે આવી ગઈ છે. જોકે બુઢીયા ટોપી આજે બજારમાં મળે છે ખરી. (મમ્મીઓ આવી બુઢિયા ટોપીઓ એમનાં નિર્દોષ ટેણિયાંઓને પહેરાવીને ત્રાસ આપે છે)

બાકી બુઢિયા-છાપ વડીલો આજના સમાજમાંથી ઘટતા જાય છે. સાથે સાથે વિદ્વાન એન્થ્રોપોલોજીસ્ટોએ એ પણ નોંધ્યું છે કે મફલરને પોતાના માથે ફાળિયાની જેમ બાંધનારા વડીલો પણ ‘હાંશિયા’માં ધકેલાઈ રહ્યા છે. (કદાચ હાંશિયામાં ઠંડી વધારે પડતી હશે.)

એ જમાનામાં બુઢિયા ટોપીને ‘વાંદરા ટોપી’ પણ કહેવામાં આવતી. આમાં, એ પેઢીને પોતાના પૂર્વજો માટે કેટલું માન હતું તે દેખાય છે. અહાહા… એ સમયે બાર વરસના બાબલાથી લઈને બ્યાંશી વરસના બળવંતદાદા શિયાળાના બે મહિનાઓ દરમ્યાન વાનર સમાન બનીને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદને પુનર્જિવીત કરતા હતા !

દેવઆનંદની મફલર જનરેશન

ફિલ્મોમાં જ્યારે દેવઆનંદ શર્ટ નીચે મસ્ત ફેન્સી સ્ટાઈલના સ્કાર્ફ પહેરીને સ્ટાઈલો મારતો ત્યારે એ જમાનાના જુવાનિયાઓ પાસે એવા સ્કાર્ફો ખરીદવાના પૈસા જ નહોતા ! હા, બૈરાંઓ (ખાસ કરીને સુવાવડાં બૈરાંઓ) માથે સ્કાર્ફો બાંધીને ફરતાં, પણ એવા તોતિંગ સ્કાર્ફો આપણા જુવાનિયાઓ શર્ટમાં ખોસવા જાય તો છાતીમાં મોટું ગુમડું થયું હોય એવું લાગતું હતું.

બીજી કમનસીબી એ કે દેવઆનંદ જે ખુબીથી સ્કાર્ફની ગડી વાળીને શર્ટમાં ખોસતો હતો તેનાં કોઈ ‘ડેમોન્સ્ટ્રેશનો’ કોઈ ફિલ્મમાં જોવા જ નહોતાં મળતાં ! ત્રીજી કમનસીબી એ પણ ખરી કે એવા દેવઆનંદ ટાઈપના સ્કાર્ફો ગાંધીરોડની દુકાનોમાં મળતાં જ નહોતા.

છતાં, સ્કાર્ફને છોડો મફલરની વાત કરો. બિચારા દેવઆનંદે ગળામાં મફલર લપેટવાની કેટકેટલી સ્ટાઈલો પિકચરોમાં દેખાડી ? તોય એ જનરેશનના રોંચાઓ સાવ મજુરની જેમ, નાળિયેરને દોરડા વડે બાંધ્યું હોય એમ બોચીમાં મુશ્કેટાટ મફલર બાંધીને કોલેજોમાં હેંડ્યા આવતા હતા. બોલો.

રિશીકપૂરની સ્વેટર જનરેશન

’૭0ના દાયકાની ફાંદાળી ગુજરાતી જનરેશને રિશીકપૂરનો પાડ માનવો જોઈએ કે એણે ગોદડાં જેવાં સ્વેટરોની ફેશન કાઢી. તે સમયના ગુજ્જુભાઈઓ એવા રોલી-પોલી હતા કે શર્ટ પહેરે તો ફાંદમાં બટનો વચ્ચેથી ડોકિયાં કરતું પેટ દેખાય અને ટાઈટ ટી-શર્ટ પહેરે તો ‘છાતી’ પણ ‘લબડતી’ દેખાય ! આમ તો એ જમાનાનાં સ્વેટરોની ડિઝાઈનો પેટ ઉપરથી ટ્રેક્ટરનાં ટાયરો ફરી વળ્યાં હોય એવી જ આવતી હતી છતાં ગરદનથી કમર સુધીનું બધું ‘લફડ-ફફડ’ એમાં ઢંકાઈ જવાથી ગુજુ છોકરો ફેશનેબલ લાગતો હતો.

બાકી, રહી વાત આન્ટીઓની, તો એ માશીઓ હજી સાડી અને પંજાબી ઉપર આગળ બટનવાળાં સ્વેટરો જ ઠડાડ્યાં કરે છે. એમાંય, બટન તો ઉપરનાં બે જ મારવાનાં !

- મન્નુ શેખચલ્લી

email   mannu41955@gmail.com

Comments