ડૉ. મનમોહનસિંહના મિડિયા એડવાઈઝર રહી ચૂકેલા સંજય બારુના પુસ્તક ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનીસ્ટર’ ઉપર આધારિત ફિલ્મ રિલીઝ થઈ ગઈ.
આ ફિલ્મમાં તથા પેલા પુસ્તકમાં પણ ના હોય એવાં કેટલાંક દ્રશ્યો આજકાલ અમને દેખાવા લાગ્યાં છે…
***
બિચારા સંજય બારુ તો એમના રેગ્યુલર ટાઈમે (લગભગ ૧૦ વાગે) ઓફિસમાં આવતા હતા. પરંતુ જ્યારે પહોંચે ત્યારે તે જોતા કે ડૉ. મનમોહનસિંહ ઓફિસમાં ઓલરેડી આવી ગયા છે.
એક દિવસ સંજય બારુએ પટાવાળાને પૂછી લીધું કે “સાહેબ કેટલા વાગે આવે છે ?” પટાવાળાએ કહ્યું “એ તો સવારના સાત વાગ્યાના આવી જાય છે !”
સંજય બારુને નવાઈ લાગી. “ડૉ. મનમોહન સિંહ સવારના છેક સાત વાગ્યાના આવીને શું કરતા હશે ?”
સંજય બારુએ સંતાઈને જોવાનું નક્કી કર્યું. તે વહેલી સવારે છ વાગે જઈને મનમોહન સિંહની કેબિનમાં સંતાઈ ગયા.
બરાબર સાતના ટકોરે મનમોહનજી ચૂપચાપ દાખલ થયા… સંજય બારુ છૂપાઈને જોતા રહ્યા… મનમોહન સિંહે વારાફરતી કેબિનની બારીઓ બંધ કરી. બારણાં બંધ કર્યાં… બારીઓના પરદા પાડ્યા…
અને પછી મોટેથી કોગળા કરતા હોય એવા વિચિત્ર અવાજો કરવા લાગ્યા !
સંજય બારુ તો ચોંકી ગયા. મનમોહનજી અડધો કલાક પછી અવાજો કાઢી કાઢીને શાંત પડ્યા ત્યારે બારુ બહાર આવ્યા. “સરજી ! આ શું હતું ?”
ડૉ. મનમોહનસિંહ તીણા અવાજે બોલ્યા. “શું કરું ? આ પીએમ ઓફિસમાં મારો અવાજ પણ હોય છે એવી ખાતરી, સોરી ખાતરી નહીં, એવો દિલાસો હું મારી જાતને આ રીતે આપું છું !”
(આ દ્રશ્ય ખુદ સંજય બારુએ પોતાની બુકમાંથી કાઢી નાંખ્યું છે. ‘પોતાનું’ સ્વ-માન જાળવવા માટે.)
***
બીજું એક દ્રશ્ય પણ ફિલ્મ કે પુસ્તકમાં નથી…
સંજય બારુએ એક દિવસ ડૉ. મનમોહનસિંહની સિરીયસલી સલાહ આપી હતી કે “સર, તમે એક વાર સોનિયાજી સામે બેસીને પાણીપુરી ખાઓ….”
“કેમ ?”
“કેમ કે પછી કોઈ એમ નહીં કહી શકે કે તમારું મોં સોનિયાજી સામે કદી ખુલતું નથી !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment