૨૬ જાતની પ્રજા-સત્તા !


આજે પ્રજાસત્તાક દિન છે. લોકો માને છે કે પ્રજા પાસે પાંચ વરસે એક વાર વોટ આપવા સિવાય બીજી કોઈ સત્તા જ ક્યાં છે ?

સાવ ખોટી વાત છે ! જુઓ, આજે આપણા દેશની પ્રજા પાસે કેટલી બધી સત્તાઓ છે….

***

(1) આડેધડ વાહન પાર્ક કરવાની સત્તા.

(2) રોડ અને ફૂટપાથ ઉપર દબાણ કરવાની સત્તા.

(3) રેડ સિગ્નલ તોડીને ઘૂસી જવાની સત્તા.

(4) ટ્રાફિક પોલીસ જોડે ઝગડો કરવાની સત્તા.

(5) રોડ ઉપર ટ્રાફિક નડે એ રીતે વરઘોડાઓ અને સરઘસો કાઢવાની સત્તા.

(6) ગેરકાયદેસર બમ્પ બનાવી નાંખવાની સત્તા.

(7) સરકારી ઓફિસોમાં લાંચ આપવાની તથા લાંચ લેવાની સત્તા.

(8) ઓફિસમાં મોડા પહોંચવાની સત્તા.

(9) ઓફિસમાં કામ કરવાને બદલે ટાઈમપાસ કરવાની સત્તા.

(10) ગમે ત્યાં પેશાબ કરવાની સત્તા.

(11) પાન-મસાલા ખાઈ ખાઈને ગમે ત્યાં થૂંકવાની સત્તા.

(12) પોતે નવરા બેસીને “કોઈ કામ જ નથી કરતું” એવી ફરિયાદો કરવાની સત્તા.

(13) કચરો ગમે ત્યાં ફેંકવાની સત્તા.

(14) ફિલ્મ કે સરકારનો વિરોધ કરવા માટે ફાવે ત્યાં તોડફોડ કરવાની સત્તા.

(15) જાહેરમાં ગમે તેના વિશે એલફેલ બોલતાં ગાળા ગાળી કરવાની સત્તા.

(16) સોશિયલ મિડીયામાં પણ ગમે તેના વિશે ગમે તે લખી / ફોરવર્ડ કરીને ગાળો દેવાની સત્તા.

(17) ફેસબુકમાં પોતાનો ફેસ બદલીને ગમે તેની પાછળ પડી જવાની સત્તા.

(18) છોકરીઓની છેડતી કરવાની સત્તા.

(19) કોલેજોમાં ગુટલી મારવાની સત્તા.

(20) ખાનગીમાં ગમે તેના વિશે અશ્ર્લીલ વાતો કર્યા કરવાની સત્તા.

(21) દારૂબંધી હોવા છતાં દારૂ પીવાની સત્તા.

(22) કોઈપણ પ્રસંગ / તહેવારે લાઉડ સ્પીકરો વડે ઘોંઘાટ ફેલાવવાની સત્તા.

(23) ‘દેશભક્ત’ ના હોય એવા લોકોને તરત જ દેશભક્તિના પાઠ ભણાવી દેવાની સત્તા.

(24) દરેક વાતમાં યુવા પેઢીનો વાંક કાઢવાની સત્તા.

(25) બાપના પૈસે લહેર કરવાની સત્તા, અને…

(26) પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી, તે દિવસે કોઈપણ ધ્વજવંદન કાર્યક્રમમાં નહિ જવાની સત્તા !

- બોલો, હજી કંઈ ખૂટે છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments