અમારા જેવા ઓર્ડીનરી લેખકો પુસ્તકો લખે તો કોઈ વાંચતું નથી (રડતું ઈમોજી) પરંતુ જો કોઈ સેલિબ્રિટીએ લખેલું (કે લખાવેલું) પુસ્તક હોય તો રાતોરાત બેસ્ટ-સેલર બની જાય છે. (તાલિયાં ઈમોજી)
આ વરસે એવાં ઘણાં પુસ્તકો આવી રહ્યાં છે…
***
મારા સત્યના 8158 પ્રયોગો
લેખક : ડોનાલ્ડ ટ્રમ્પ
આ પુસ્તકમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બે વરસમાં કરેલા 8158 સત્યના પ્રયોગોની વાત છે. તેઓ 8159મી વાર સાબિત કરશે કે મિડીયા જ જુઠાણાં ફેલાવે છે.
***
વોટ ધ #@* હેક !
લેખકો : સૈયદ શુજા અને કપિલ સિબ્બલ
આ એક સાયન્સ ફિક્શન છે.
ઇન્ટરનેશનલ હેકર સૈયદ શુજાએ 2014માં ભારતના DVM હેક કરીને કેવી રીતે મોદીને PM બનાવી દીધા…
અને ટાઈમ ટ્રાવેલ મશીનમાં ‘જિઓ’ને બેસાડી કેવી રીતે બે વરસ પાછળ ધકેલી દીધા…
તથા 11 અદ્રશ્ય હેકરોની લાશો 1 અદ્રશ્ય હોટલમાંથી શી રીતે અચાનક ‘હેક’ થઈ ગઈ તેનું રહસ્ય પણ તે ‘હેક’ કરી બતાડે છે !
***
એક્સિડેન્ટલ રેલ્વે મિનિસ્ટર્સ
લેખક : રેલ્વે ફાટકવાલા
આ એક પ્રેતકથા છે !
છેક લાલબહાદુર શાસ્ત્રીથી માંડીને નિતિશકુમાર, લાલુ યાદવ તથા સુરેશ પ્રભુના સમયમાં થયેલા સેંકડો રેલ્વે અકસ્માતો પાછળ ભારતમાં ભમી રહેલાં અંગ્રેજોનાં પ્રેતો જ જવાબદાર છે !
છેલ્લે અમૃતસરમાં થયેલી દુર્ઘટનામાં પણ રેલ્વે એંજિનને જ પ્રેત વળગ્યું હતું !
***
થ્રી વેડિંગ્સ એન્ડ અ ફ્યુનરલ
લેખક : નિક જોનાસ ચોપરા
અમેરિકાથી ભારતના બોલીવૂડમાં અચાનક આવી ચડેલો અજાણ્યો ડોબો ગાયક નિક જોનાસ ત્રણ ફની ફિલ્મી લગ્નો (અનુષ્કા, દિપિકા અને પ્રિયંકા) તથા એક લાંબી બોરિંગ અંતિમક્રિયાને કઈ નજરે જુએ છે ?
પ્રસ્તાવના બોની કપૂરે લખી છે અને લોકાર્પણ પેલી ત્રણ જોડીને પરણાવનારા ગોર મહારાજો કરશે.
***
કૅચ ટ્વેન્ટી ટુ... થ્રી, ફોર, ફાઈવ...
લેખકો : ૨૨ અથવા વધુ પક્ષના નેતાઓ
આ પુસ્તક 2019ની લોકસભાની ચૂંટણી પછી બહાર પડશે… જો ગઠબંધન ત્યાં સુધી હેમખેમ રહેશો તો !
***
ખાસ ઓફર : ઉપરનાં દરેક પુસ્તકની ખરીદી ઉપર ‘ધ ગ્રેટ પપ્પુ-જોક્સ’ મફત મળશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment