આંકડા ઉપર કાંકરા !


‘ઓક્સફામ’ નામની એક ઈન્ટરનેશનલ સંસ્થાએ અમીરી ગરીબીના આંકડા જાહેર કર્યા છે. એ જોઈને અમારું દિમાગ ચક્કર ખાઈ રહ્યું છે.

આમેય, આંકડાઓ બાબતમાં અમે ડોબા છીએ. એમાંય વળી ગેરસમજ થવાને લીધે આંકડાના કાંકરા થઈ જાય છે ! જુઓ…

***

આંકડા…

ઓક્સફામના આંકડા કહે છે કે ભારતની 51 ટકા સંપત્તિ દેશના માત્ર 1 ટકા લોકો પાસે છે.

કાંકરા…

હાઈલા !... મતલબ કે અમદાવાદ એમનું ? અડધું મુંબઈ, અડધું કોલકતા, અડધી દિલ્હી… બધું એમનું ?

તો પછી મ્યુનિસિપાલિટીનો ‘પ્રોપર્ટી’ ટેક્સ આપણે કેમ ભરીએ છીએ ? એમણે ના ભરવાનો હોય ?

***

આંકડા…

ભારતના અબજોપતિઓની સંપત્તિ ગયા વરસે રોજના 2200 કરોડના હિસાબે વધી છે.

કાંકરા…

લો બોલો. આ હિસાબે પેલો વિજય માલ્યા ખાલી 5 દિવસ વધારે રોકાઈ ગયો હોત તો આટલી બધી બબાલો જ ના થઈ હોત ને !

***

આંકડા…

ભારતના 13 કરોડ લોકો આજે દેવામાં ડૂબેલા છે.

કાંકરા…

એ ખરું, પણ હવે 2019માં કોંગ્રેસ આવશે ત્યારે તો બધાનાં દેવાં માફ જ થઈ જવાનાં ને ? પછી આ આંકડાનો શું મતલબ !

***

આંકડા…

દેશના 50 ટકા લોકો પાસે જેટલી સંપત્તિ છે એટલી ભારતના 9 અબજપતિ પાસે છે. એમાંના 5 તો ગુજરાતી છે.

કાંકરા…

લો બોલો… હવે ‘વાયબ્રન્ટમાં આટલા બધા રૂપિયા આવશે ક્યાંથી ?’ એ સવાલનો જવાબ મળી ગયો ને !

***

આંકડા…

ભારતમાં ગયા વરસે 18 અબજોપતિ ઉમેરાયા.

કાંકરા..

બોસ, વધારે હોત ! આ તો માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોકસી જેવા પાંચ-છ ભાગી ગયા ને, એટલે…

***

- મન્નુ શેખચલ્લી

Comments