દૂરથી કાર આવતી દેખાઈ કે તરત રઘલાએ દાંત કકડાવવાનું શરૂ કરી દીધું.
ધાબળાનું દાન લેવામાં રઘલાની માસ્ટરી હતી. શિયાળો આવે એના પંદર દિવસ પહેલાં જ એ દાઢી વધારવાનું ચાલુ કરી દેતો.
ફાટેલા શર્ટની નીચે મસ્ત ગરમ સ્વેટર પહેરીને, લઘરવઘર પાયજામાની નીચે બૈરીનાં ચપોચપ ‘લેગિંગ્સ’ ચડાવીને તે એવી ફૂટપાથ ઉપર જઈને સૂઈ જતો, જ્યાં મ્યુનિસિપાલિટીની લાઈટનું ખાસ્સું અજવાળું હોય.
રાતના સાડા બાર વાગી ગયા હતા. રઘલાને દૂરથી કારની હેડલાઈટ નજરે પડી કે તરત એની ધીમી સ્પીડ જોઈને એ સમજી ગયો કે કોઈ દાનેશ્વરી ‘ધાબળા-દાન’ કરવા નીકળ્યો છે.
રઘલો ટૂંટિયું વળીને દાંત કકડાવતો રહ્યો. કાર નજીક આવીને ઊભી રહી. અંદરથી એક ગોરાં સરખાં ગોળમટોળ મેડમ બહાર આવ્યાં. એનીપાછળ એમનો ડ્રાઈવર કમ સહાયક હાથમાં ધાબળાઓની થપ્પી લઈને આવ્યો.
જેવાં પેલાં મેડમ નજીક આવ્યાં કે તરત જ રઘલાએ આંખો મીંચી દીધી. દાંત કકડાવતાં, શરીરને એવી રીતે આંચકીઓ આપવા માંડી કે જાણે ઠંડીનો પારો 5 ડીગ્રીથી ઉતરીને અચાનક માઈનસ 5 પર પહોંચી ગયો હોય.
મેડમ આવ્યાં. એમણે ધાબળો ઓઢાડ્યો. રઘલાએ ઊંઘમાં જ રહીને સહેજ હલનચલન કર્યું. પછી ધીમે રહીને આંખો ઉઘાડી. દયામણી નજરે તે મેડમને જોઈ રહ્યો.
બિચારા મેડમની આંખોમાં પણ દાન કર્યાનો સંતોષ ચમકી રહ્યો. પછી મેડમે આમતેમ નજર દોડાવીને ડ્રાયવરને પૂછ્યું “અહીં બીજું કોઈ નથી?”
ડ્રાયવર બોલ્યો : “મેડમ, પેલા ફ્લાયઓવરની નીચે ઘણા હોય છે. આ બિચારાને ત્યાં જગા નહીં મળી હોય એટલે અહીં એકલો સૂતો લાગે છે.”
“ઠીક છે. તો ત્યાં લઈ લો.”
મેડમ અને ડ્રાયવર ગયાં કે તરત ધાબળાની અંદર જ ઘૂસેલા રહીને રઘલાઓ ફોન લગાડ્યો. “ભીખલા, એક મેડમ ફ્લાય-ઓવર બાજુ ધાબળા વહેંચવા આવે છે. આપડી ગેંગને બોલાઈ લે…”
કાર ઉપડી કે તરત રઘલો ધાબળો ઉછાળીને બેઠો થઈ ગયો ! રોડના છેડે અંધારામાં રાખેલી બાઈકને કીક મારીને તે બુલેટની માફક વછૂટ્યો.
મેડમની કાર ફ્લાય-ઓવર પાસે પહોંચે એ પહેલાં તો તે તેની ગેંગના ચાર જણાની જોડે ફટાફટ ફાટેલી ચાદર ઓઢીને ઊંઘી ગયો.
આ વખતે એણે દાંત ના કકડાવ્યા. મોઢું પણ ના બગાડ્યું. ઉલ્ટું, મોં ચાદર નીચે સંતાડી રાખ્યું. મેડમ આવ્યા. વારાફરતી આઠ-દસ ઠૂંઠવાતા દેહને ધાબળા ઓઢાડીને પરમ સંતોષની લાગણી સાથે તે વિદાય થયાં.
હજી એ કારની ટેઈલ-લાઈટ દેખાતી બંધ થાય એ પહેલાં તો રઘલો ફરી ઉછળ્યો. તેની ગેંગના ચારે ચાર માણસો પાસેથી ધાબળા છીનવી લીધા. એની ગડી વાળતાં ભીખલાને પૂછ્યું “કારનું નવું લોકેશન શું છે?”
“બોસ, આઈડિયા નથી !” માથું ખંજવાળતો ભીખલો બોલ્યો.
રઘલાએ એને એક લાફો રસીદ કરી દીધો. “હરામખોર ! એ બાઈની ડેકીમાં કમ સે કમ ત્રણ ડઝન ધાબળા હતા, એ પણ છસ્સો-છસ્સો રૂપિયાના હોય એવા ! સાલા, કંઈ ભાન છે ? કેટલા રૂપિયાનો માલ હાથથી ગયો ?”
“માલ તો હજી હાથમાં છે, રઘલા !”
એ અવાજ ભીખલાનો નહિ, ચંદુ હવાલદારનો હતો. એ ડંડો પછાડતો ફ્લાય-ઓવર પાછળથી બહાર આવ્યો.
“સાલાઓ, તમને બધાને હું અહીં સૂવા દઉં છું તો કંઈ ઉપકાર નથી કરતો ! ચલો, ધાબળા દીઠ પચાસ પચાસ રૂપિયા કાઢો…”
થોડી આનાકાની, થોડી રકઝક, થોડી ગાળો અને બે ચાર થપ્પડો પછી ચંદુ હવાલદાલ બધા પાસેથી ધરાર 50-50 રૂપિયા ઉઘરાવીને ગયો. રઘલાને થયું, સાલું, આજનો ધંધો તો પતી ગયો… હવે શું ? એણે ઘરે જવા માટે બાઈકની કીક મારી…
***
ઘરે જઈને રઘલાએ કબાટ ખોલ્યું. અંદર રાખેલા ધાબળાઓનો સ્ટોક ગણ્યો. ખાસ્સા 80 જેટલા ધાબળા ભેગા થઈ ગયા હતા.
રઘલાએ વિચાર્યું “શિયાળાની ઠંડી હવે દસેક દિવસથી વધારે નહિ ટકે. એ પછી તો સાલી છેક આવતી સિઝન સુધી રાહ જોવી પડશે. પણ… પણ…”
રઘલાનો આખો પ્રોબ્લેમ ‘પણ…’ આગળ આવીને અટકી ગયો. પ્રોબ્લેમ એ હતો કે જે ધાબળાના વેપારીને તે પોતાનું ‘કલેક્શન’ વેચતો હતો એ ધનસુખલાલ મહા-ખડૂસ હતો.
300 રૂપિયાની કિંમતના ધાબળો ‘બાય-બેક’માં લઈને તે કદી 75 રૂપિયાથી વધારે નહોતો આપતો. 400ના માલના કદી 100થી વધારે ના આપે. એ ‘ધાબળા-ચીરીને’ રૂપિયા કાપી લેતો.
અહીં રઘલા પાસે કમ સે કમ 10-12 હજારનો માલ હતો. પોતાની ગેંગના છોકરાઓની ડેઈલી ‘હાજરી’ અને ચંદુ હવાલદારનો હપ્તો કાપ્યા પછી જો 8-9 હજારની રોકડી ના થાય તો આ ધંધો કરવાનો મતલબ શું ?
અચાનક રઘલાના દિમાગમાં એક લાઈટ ઝબકી. “યાર, જે શેઠાણીઓ આપણને ધાબળા ઓઢડવા માટે આવે છે એમને જ આ માલ વાજબી ભાવે ના આપી દેવાય?”
બસ, એ દિવસથી રઘલાએ દિવસના ટાઈમે બાઈક વડે ‘રેકી’ કરવાની ચાલુ કરી દીધી. જે મેડમો, સજ્જનો અને કાકાઓ રાતના ધાબળા ઓઢાડવા આવતા હતા એમની તલાશ ચાલુ કરી.
એમ કરતાં કરતાં રઘલાને એક ‘લોટરી’ લાગી ગઈ ! જીહા, આ એક NGO સંસ્થા હતી !
પેલી રાત્રે જે ગોરા સરખાં ગોળમટોળ મેડમ તેને ધાબળો ઓઢાડી ગયા હતાં તે અહીંના કોઈ ‘મોટાં માણસ’ હતાં. હવે રઘલાએ પુરી તૈયારી કરવા માંડી… ‘સેલ્સમેન’ બનવાની !
***
રઘલાએ તેનું શિયાળુ ‘સિઝનલ’ દાઢું છોલી નાંખ્યું. લઘરવઘર વાળને સારી સ્ટાઈલમાં કપાવડાવ્યા.
આછા રંગનું ટી-શર્ટ, ઘેરા રંગનું પેન્ટ, 10 રૂપિયા આપીને ‘પોલીશ’ કરાવેલી કાળી ચંપલ અને કોલેજના સ્ટુડન્ટો વાપરે છે એવી ખભે લટકાવવાની બેગમાં ધાબળાના વિવિધ ‘સેમ્પલો’ લઈને તે પહોંચી ગયો.
“મેડમ, તમે જે ધાબળા ગરીબોને ઓઢાડો છો ને, એ જ ધાબળા, એ જ ક્વોલિટીમાં એ જ ફીનીશીંગમાં, ડાયરેક્ટ લુધિયાણાથી મંગાવીને વેચું છું. તમને જે ધાબળો 600માં પડે છે એ હું તમને 400માં અપાવું… તમને બહુ સસ્તું પડશે !”
બસ, આ જ રઘલાની પહેલી ભૂલ હતી… તે ‘સસ્તું’ શબ્દ દસ-બાર વાર બોલ્યો !
સામે બેસેલી મેડમોનાં મોં ‘સસ્તું’ સાંભળતાં જ વંકાઈ ગયાં. પછી ઠાવકું મોંઢુ રાખીને તેમણે કહી દીધું. ‘કંઈ હશે તો તમને જણાવીશું… ઠીક છે ?’
રઘલો નિરાશ થઈને બહાર નીકળ્યો. એ જ ક્ષણે એને એની બીજી અને ત્રીજી ભૂલનો સામનો થયો ! સામે ખડૂસ વેપારી ધનસુખલાલ અને હવાલદાર ચંદુ ઊભા હતા !
રઘલો કંઈ વિચારે એ પહેલાં તો ચંદુ હવાલદારે એને ડંડે ડંડે ઝૂડવા જ માંડ્યો ! રઘલાની ચીસો સાંભળીને NGOની મહિલાઓ બહાર આવી ગઈ. “શું થયું ? શું થયું ?”
રઘલાની ચીસો અને ચંદુ હવાલદારના ડંડાની ધબાધબી વચ્ચે વેપારી ધનસુખલાલે ઊંચા અવાજે આખા એરિયાને સંભળાય એ રીતે ઘાંટો પાડ્યો. “ચોર છે ! આ સાલો ચોર છે ! બિચારાં ફૂટપાથ પર સૂતેલાં ગરીબ લોકનાં ધાબળા ચોરી જાય છે ! જુઓ…”
ધનસુખલાલે રઘલાના ઝોલામાંથી ધાબળાનાં ‘સેમ્પલો’ કાઢીને હવામાં ઉછાળ્યાં. એ જોઈને પેલાં ગોરા સરખાં ગોળમટોળ બહેન બોલી ઊઠ્યાં. “હાઈલા ! આ તો મેં જ આપેલા ધાબળા છે !”
- એ રાતે રઘલાને હવાલાતમાં સાચુકલી ઠંડી લાગી.
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Fantastic...
ReplyDelete