નવી વાયબ્રન્ટ પ્રપોઝલો !


આજથી ‘વાયબ્રન્ટ ગુજરાત’ શરૂ થઈ ગયું. અહીં સેંકડો બિઝનેસ પ્રપોઝલો આવશે અને ફરી લાખો કરોડના એમઓયુ થશે.

અમારી પાસે પણ ખાસ પ્રકારની ‘ગુજરાતી’ બિઝનેસ પ્રપોઝલો છે !...

***

થેપલાં-ઢોકળાં ઇન્ડસ્ટ્રી

જે રીતે હવા ભરેલી કોથળીઓમાં પોટેટો-ચિપ્સ વેચવામાં આવે છે એ રીતે આકર્ષક પેકિંગ કરીને ગુજરાતનાં થેપલાં-ઢોકળાનું મલ્ટી-નેશનલ માર્કેટિંગ કરવાનો આખો પ્લાન છે !

***

ખાખરા મેકીંગ ફ્રેન્ચાઈઝી ચેઈન

અમદાવાદમાં 32 જાતના ખાખરા બને છે ! નોર્મલ ખાખરા, ડાયેટ ખાખરા, ડબલ ઘી ખાખરા, મેથી ખાખરા, ચોળાફળી ખાખરા, ભેળ ખાખરા, પરાઠા ખાખરા… વગેરે… આગળ એમાં આઈસ્ક્રીમ ખાખરા, પિત્ઝા ખાખરા તથા ઢોંસા ખાખરા જેવી નવી વરાયટી ઉમેરીને બિલકુલ ‘મેકડોનાલ્ડ’ ટાઈપની ફ્રેન્ચાઈઝીઓ આપવાની છે !

***

ગરબા સપ્લાય ઉદ્યોગ

નવી ગુજરાતી ફિલ્મોમાં તો ખાસ ગરબા હોતા જ નથી. પરંતુ અમારા પ્રયત્નોને લીધે ‘લવયાત્રી’ નામની હિન્દી ફિલ્મનો ગરબો હિટ થઈ ગયો છે. અમારો પ્લાન છે કે આ જ રીતે ભોજપુરી, પંજાબી, બંગાળી અને સાઉથની ફિલ્મોમાં ગરબા રખાવીશું ! આને લીધે ગુજરાતી કરિયોગ્રાફરો તથા ચણિયા ચોળીના ઉત્પાદકોને રોજી મળશે.

***

હિસાબી કન્સલ્ટન્સી લિમિટેડ

વ્હાઈટ કોલર ક્રાઈમમાં ગુજરાતીઓની માસ્ટરી છે. હર્ષદ મહેતાથી લઈને નીરવ મોદી સુધીનો આખો ઇતિહાસ છે. તો આ રીતના હાઈલી ક્વોલીફાઈડ ગોટાળા એક્સપર્ટો વિવિધ બેન્કો તથા કંપનીઓમાં સ્કેમ કરી નાંખવાની કન્સલ્ટન્સી આપશે.

***

મગફળી-માટી માર્કેટિંગ

ગુજરાત સરકાર જેને 1100 રૂપિયા જેટલો ઊંચો ભાવ આપે છે તેવી મગફળીના થેલામાં મિક્સ કરવામાં આવતી માટીને વિદેશોમાં એક્સ્પોર્ટ કરવાનું આખું કૌભાંડ, સોરી, આખી યોજના રેડી છે !

***

સેક્યુલર સોમનાથ યાત્રા

યાદ છે ? રાહુલજીએ મંદિરોનાં દર્શન કરવાની શરૂઆત સોમનાથ મંદિરથી કરી હતી ! તો હવે દેશના જે હજારો સેક્યુલરો પોતાની લથડી ગયેલી કારકિર્દીને ચાર ચાંદ લગાડવા માગતા હોય તેમના માટે આ સ્પેશીયલ દર્શન – યાત્રા પેકેજ છે ! આજે જ લાભ લો…

***

- મન્નુ શેખચલ્લી

Comments