એક ઇમરજન્સી કેસ... ( ૧૫ જાન્યુઆરી)


આજે સવારે એક મમ્મી બહાવરી બનીને એના બાબાને એક મોટી હોસ્પિટલમાં લઈ ગઈ !

મોટી હોસ્પિટલે પ્રાથમિક તપાસ કરીને રીપોર્ટ આપ્યો –

(1) તમારા બાબાની ચામડી કાળી પડી ગઈ છે. સ્કીન સ્પેશીયાલિસ્ટને બતાડવું પડશે.

(2) બાબાની આંખોની આસપાસ વિચિત્ર કુંડાળા દેખાય છે. આઈ સ્પેશીયાલિસ્ટને બતાડવું પડશે.

(3) ગળાની ચામડી ઉપર તીક્ષ્ણ ચીજથી થયેલા નિશાન છે. લોહી પણ નીકળ્યું છે. લાગે છે કે તમારા બાબાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. મેન્ટલ વોર્ડમાં સાયકીયાટ્રીસ્ટને બતાડવું પડશે.

(4) પેટમાં ફૂડ પોઈઝન થયું છે. આ પણ આપઘાતના પ્રયાસનાં લક્ષણો હોઈ શકે છે.

(5) સૌથી ગંભીર વાત એ છે કે બાબો કંઈ બોલતો જ નથી. બોલવાની કોશિશ કરે તો ગળામાંથી અવાજ પણ નીકળતો નથી. સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ ઉપરાંત ગળાનું  MRI,  કેટ-સ્કેન વગેરે કરાવવું પડશે.

મમ્મી તો આ વાંચીને ડઘાઈ ગયાં. “હાય હાય ! બાબાને શું થઈ ગયું ?”

હોસ્પિટલવાળાઓએ કહ્યું કે બાબાને એડમિટ કરી દો. મમ્મીએ પૂછ્યું, “ખર્ચો કેટલો થશે ?”

હોસ્પિટલે 50,000 થી 1 લાખ રૂપિયાનો અંદાજ આપ્યો.

મમ્મી ડરી ગયાં. એમની પાસે એટલા રૂપિયા તો હતા જ નહિ. તે રીપોર્ટ લઈને પૈસાની વ્યવસ્થા કરવા ઘરે પાછા જતાં હતાં ત્યાં રસ્તામાં ફેમિલી ડોક્ટર મળી ગયા.

ડોક્ટરે પૂછ્યું, “શું થયું ?કેમ આમ હાંફળા ફાંફળા લાગો છો ?”

મમ્મીએ રીપોર્ટ બતાડ્યો. રીપોર્ટ વાંચીને ડોક્ટર હસી પડ્યા :

“બહેન કશું જ નથી ! આ તો ઉત્તરાયણના લક્ષણ છે... તડકાથી ચહેરો કાળો પડી ગયો છે. આખો દહાડો ગોગલ્સ પહેરવાથી આંખની આજુબાજુ ચકામું દેખાય છે. ઘાંટા પાડવાથી ગળું બેસી ગયું છે, એકાદ દોરી ઘસાવાથી ગળાની ચામડી ઉપર કાપો પડ્યો છે અને હા, ઉંધીયું વધારે પડતું ખાવાથી ઝાડા થઈ ગયા છે... જેને આ લોકો ફૂડ પોઈઝનિંગ કહે છે !”

લો બોલો...

***

- મન્નુ શેખચલ્લી 

Comments