'એક્સિડન્ટ વિનાના' પ્રાઈમ મિનિસ્ટર ! ( ફાડુ રિવ્યુ)


ફિલ્મનું ટ્રેલર જોઈને તો લાગતું હતું કે આમાં બિચારા મનમોહનસિંહ કેટલા બિચારા હતા તે બતાડ્યું હશે.

અમુક લોકોને એવી પણ આશા હતી કે બિચારા મનમોહનસિંહની આ ફિલ્મમાં ઠેકડી ઉડાડવામાં આવી હશે.

કોંગ્રેસીઓ તો ટ્રેલર જોઈને જ ભડકી ઉઠ્યા હતા કે આમાં ડૉ. મનમોહનસિંહને કાર્ટૂન જેવા ચીતરવામાં આવશે. ભાજપવાળા ટ્રેલર જોઈને એવા ગેલમાં આવી ગયા હતા કે જાણે મોટા પરદા ઉપર કોઈ ખડખડાટ હસાવનારી ફૂલ-લેન્થ કાર્ટૂન ફિલ્મ આવવાની હોય !

પરંતુ બધાની આશા પર પાણી ફરી વળ્યું ! (બિચારા કોંગ્રેસીઓના તો ‘વિરોધ’ ઉપર પાણી ફરી વળ્યું !) કારણ કે ફિલ્મમાં અનુપમ ખેર પોતાના બે હાથ વડે પોતાની જાંઘો ઉપર કોઈ અદ્રશ્ય હૂમલો થવાનો છે એમ માનીને તે જે રીતે ચાલે છે,માત્ર એટલું જ જરાક ફની લાગે છે.

(એવાં દ્રશ્યો પણ ત્રણ-ચાર જ છે. બાકી તો ડૉ. મનમોહનસિંહ ખુરશીમાં જ બેઠેલા દેખાય છે.)

તો પછી ફિલ્મમાં ‘જોવા જેવું’ શું છે ?

અરે, ઘણું બધું છે... જોવા જેવું એ છે કે આખી ફિલ્મમાં સંજય ‘બરૂ’ મનમોહનસિંહની ‘આ-બરુ’ કેવી જહેમત કરીને બચાવતા રહ્યા એજ બતાડ્યું છે. હિરો તો બરૂ સાહેબ છે !

સંજય બરુ સાહેબ આપણને બધું ‘જોવા જેવું’ જ બતાડે છે...

જેમ કે સોનિયા ગાંધીએ મનમોહનસિંહને કોઈ એક પત્ર લખ્યો હશે, જે મિડીયામાં ‘લીક’ થઈ ગયો એના ‘જડબાતોડ’ જવાબ રૂપે સંજય બરુ મનમોહનસિંહ પાસે એક સુષ્ટુ સુષ્ટુ જવાબ લખાવેછે અને તેને ‘ઢેન્ટેણેન...’ કરીને પોતે ‘લીક’ કરાવે છે ! જાણે કે શું મોટી ઐતિહાસિક ઘટના બની ગઈ...

ત્યાર બાદ જ્યારે મનમોહનસિંહના ૧૦૦ દહાડા ‘પુરા’ થઈ જાય છે... (ડોક્ટર સાહેબ પુરા ૩૬૫૦ દહાડા લખાવીને આવ્યા હતા) ત્યારે એક પત્રકાર પરિષદમાં મનમોહનસિંહે શું બોલવું તેની જે ભવ્ય ‘પ્રેરણા’ આપે છે, તેનો ઢોલ પીટ્યો છે !

ફિલ્મનો પ્રોબ્લેમ એ છે કે પેલો ‘ઢેન્ટેણેન’ પત્ર કે આ પત્રકાર પરિષદનો ‘ઢોલ’ એ બન્ને ઘટનાઓ મનમોહનસિંહના અવાજ જેવી માંદલી જ નીકળે છે ! આ સિવાય પણ સંજય બરુએ જે ઘટનાઓનું નીરૂપણ કર્યુંછે તે ઉત્તરાયણના દહાડે માંડ માંડ ચગીને અડધી દોરીમાં જ કપાઈ જતી મામુલી ફૂદ્દી જેવી ફાલતુ ઘટનાઓ નીકળે છે.

સંજય બરુ દેખાડો એવો કરે છે કે જ્યાં લગી હું મનમોહનજીનો મિડિયા સલાહકાર હતો ત્યાં લગી જ એમની ઇજ્જત બચેલી રહી હતી ! એ પછી જ્યારે મેં નોકરી છોડી દીધી ત્યારે જ ડોક્ટર સાહેબ 2G, કોમનવેલ્થ અને કોલસા-કૌભાંડ જેવા લોચાઓમાં ફસાઈને બદનામ થયા ! બોલો....

જે બોરિંગ રીતે ઘટનાઓ રજુ થાય છે એમાં સામાન્ય પ્રેક્ષકોને તો કંઈ ટપ્પી જ ના પડે, પણ ભાઈ, જે લોકો છાપાંઓના કીડા છે એમને શું તમે મુરખ સમજો છો ?

-           દક્ષિણ ભારતમાં જ્યારે સુનામી આવ્યું ત્યારે મનમોહનજી ફસકી પડ્યા હતા અને નબળી ગાયની જેમ  ત્યાં જવાની ના પાડતાં બોલ્યા હતા કે “હું ત્યાં જઈને શું કરીશ ?”
આ વખતે બરુ સાહેબ ક્યાં હતાં ?

-           કાશ્મીર ની પહેલી મુલાકાતમાં, પહેલા જ ભાષણમાં  મનમોહનસિંહ લખેલું ભાષણ વાંચીને ભાંગરો વાક્યો હતો કે કાશ્મીર ને ૫૦,૦૦૦ કરોડનું પેકેજ આપવામાં આવશે... પાછળથી ખુલાસો થયો કે એ તો ટાઈપિંગની મિસ્ટેક્સ હતી. સાચો આંકડો ૫૦૦૦ કરોડ હતો.
... એ વખતે મિડિયા એડવાઇઝર બધું ક્યાં હતા ? અને શું પીએમ સાહેબને ખબર જ નહોતી કે કેટલા કરોડનું પેકેજ જાહેર કરવાનું છે?

-           દાગી સાંસદો ( ક્રિમીનલ અને કૌભાંડી સાંસદો) ને બચાવતું નફ્ફટ બિલ તૈયાર થયું, કેબિનેટમાંથી મંજુર કરવામાં આવ્યું, અને સંસદમાં પણ રજુ થઇ ગયું ત્યાં સુધી શું મનમોહનસિંહ ઊંઘતા હતા? અને બરુ સાહેબ શું હાલરડાં ગાઈ રહ્યા હતા ?

-           અરે 2008માં જ્યારે મુંબઈ આતંકવાદી હુમલો થયો અને ટીવીમાં સૌએ તાજ હોટેલ ભડકે બળતી જોઈ એ પછી છેક દસ દિવસ સુધી મનમોહનસિંહે મિડીયા કે ટીવીમાં મોં સુધ્ધં નહોતું દેખાડ્યું! ત્યારે બરુ સાહેબ ક્યાં હતા ? ડોક્ટર સાહેબના મોં આડે ચાદર ધરીને ઊભા હતા ? વાત કરો છો...

યાર, આખી ફિલ્મમાં સંજય બરુએ મનમોહનસિંહ માટે બે-ચાર ભાષણો લખ્યાં અને એકાદ-બે પ્રેસ કોન્ફરન્સો કરવાની ‘પ્રેરણા’આપી એ સિવાય કશું છે જ નહિ ! જાણે કે ડોક્ટર સાહેબ‘એક્સિડેન્ટલ’ નહિ, બલ્કે ‘એક્સિડેન્ટ વિનાના’ પ્રાઈમ મિનિસ્ટર હોય.

- મન્નુ શેખચલ્લી

email    mannu41955@gmail.com

Comments