ચાલો, ગરીબ સવર્ણો માટેની અનામતનો ખરડો રાજ્યસભામાંથી પણ પસાર થઈ ગયો.હવે એ કાયદો બને એટલી વાર…
પરંતુ એ પછી, આવનારા સમયમાં આપણી ‘જ્ઞાતિ વ્યવસ્થા’માં ધરખમ ફેરફારો આવવાના છે ! અમને તો નાનકડી ઝલક જ દેખાઈ રહી છે…
***
સૌથી પહેલાં તો એક ‘ગરીબ સવર્ણ અનામત જ્ઞાતિ’ બની જશે. લોકો તેને વ્હાલથી અથવા મજાકમાં “10 ટકા જ્ઞાતિ” કહેતા થઈ જશે.
***
પરંતુ એ તો શરૂઆત હશે. આગળ જતાં એમાં ‘લાભાર્થીઓ’નો ઉમેરો થવાને કારણે નવી નવી જ્ઞાતિઓ બનવા માંડશે. જેમ કે –
ગરીબ સવર્ણ અનામત ખેડૂત જ્ઞાતિ
ગરીબ સવર્ણ અનામત લઘુમતિ જ્ઞાતિ
વળી, લઘુમતિમાં માત્ર મુસ્લિમો નથી ! આપણે અન્ય લઘુમતિઓને પણ અન્યાય ન થાય તે જોવાનું રહેશે. આથી એમાં નવાં નામો ઉમેરાશે. જેમ કે,
ગરીબ સવર્ણ અનામત લઘુમતિ (જૈન) જ્ઞાતિ,
ગરીબ સવર્ણ અનામત લઘુમતિ (પારસી) જ્ઞાતિ,
ગરીબ સવર્ણ અનામત લઘુમતિ (ખ્રિસ્તી) જ્ઞાતિ,
ગરીબ અનામત લઘુમતિ (અપર કાસ્ટ મુસ્લિમ) જ્ઞાતિ…
***
ત્યાર બાદ એમાં અન્ય નવી ‘સ્થાનિક’ જ્ઞાતિ ઉમેરાશે કારણકે જ્યાં કોંગ્રેસનું રાજ છે ત્યાં અમુક જ્ઞાતિઓને ઓછું અને અમુક જ્ઞાતિઓને વધારે પ્રાધાન્ય મળશે.
એ જ રીતે જ્યાં ભાજપનું રાજ છે ત્યાં જુદું હશે. આના કારણે આપણને નવી ‘પેટાજ્ઞાતિઓ’ મળશે…જેમકે,
‘ગરીબ સવર્ણ અનામત લઘુમતિ કોંગ્રેસ રાજ્ય રહેવાસી જ્ઞાતિ !’
‘ગરીબ સવર્ણ અનામત બહુમતિ ભાજપ રાજ્ય રહેવાસી જ્ઞાતિ !’
આ પેલું જુનું ‘અઢાર ગામ’ ‘ચોવીસ ગામ’ જેવું જ થયું ને ! ચાલો, હવે આગળ વધીને જુઓ. કાશ્મીરની તો સ્પેશીયલ જ્ઞાતિ હશે. જેમ કે
“ગરીબ જનરલ કેટેગરી અનામત લઘુમતિ કાશ્મીરી મુસ્લિમ વિષેશાધિકાર જ્ઞાતિ !”
***
આ જ પધ્ધતિથી આપણને NRI જ્ઞાતિ, 7 લાખ જ્ઞાતિ, 2.5 લાખ જ્ઞાતિ, 5 લાખ જ્ઞાતિ વગેરે મળશે. (આવક આધારિત ઓળખ છે, ભાઈ !)
આમ કરતાં કરતાં જ્યારે ગરીબી રેખા હેઠળ જીવનારા તથા દાડિયા મજદૂર તરીકે કામ કરનારા તેમનો હક માગશે ત્યારે આપણને તેમાં ‘BPL કેટેગરી’ તથા ‘ખેતમજુર કેટેગરીઓ’ પણ પ્રાપ્ત થવાની છે.
- છતાં, એક વાત યાદ રાખો… ભારતમાં છેવટે તો બે જ જ્ઞાતિઓ રહેશે…
બુદ્ધિજીવી સેક્યુલર જ્ઞાતિ
અને દેશપ્રેમી ભક્ત જ્ઞાતિ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment