બોલો,‘એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ પછી મોદી સાહેબના જીવન ઉપર આધારિત ‘ધ પ્રાઈમ મિનિસ્ટર’ આવી રહી છે.
આ હિસાબે અમને લાગે છે કે 2019ના વરસમાં બીજી પણ મોટી મોટી પોલિટીકલ ફિલ્મો આવવાની સંભાવના છે ! જુઓ લિસ્ટ…
***
2014 : એક ચુનાવ, એક ચુનૌતી
રાજદીપ સરદેસાઈ લિખિત પુસ્તક “2014: The election that changed India” ઉપર આધારિત આ ફિલ્મમાં મોદી સાહેબ કેવી જબરદસ્ત રીતે ચૂંટણી લડ્યા અને ધરખમ મેજોરીટીથી જીત્યા તેની ભવ્ય વારતા હશે !
પછી ભલેને રાજદીપ ભાઈ બૂમો પાડ્યા કરે કે "...મૈં ને ઐસા તો નહીં લિખા થા !"
***
દો : ધ પાવર ઓફ ટુ
આ રહસ્યમય આટાપાટાથી ભરપૂર ફિલ્મમાં એ બતાડવામાં આવશે કે માર્ચ 2018માં બીજેપીએ માત્ર બે સીટોના આધાર ઉપર આખેઆખી સરકાર શી રીતે બનાવી કાઢી !
(ખાસ નોંધ : અહીં ‘દો’નો અર્થ ‘બે’ જ થાય છે, ‘આપો’ નહીં !)
***
મ્યાનમાર
જો POKમાં ઉરી ઉપર સર્જીકલ સ્ટ્રાઈકની ફિલ્મને પોલિટીકલ ફિલ્મ ગણવામાં આવતી હોય તો 2014માં જે મ્યાનમારમાં સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી એ પરાક્રમ વિશે બનનારી ફિલ્મ પણ પોલિટીકલ કેમ ના કહેવાય ?
સોશિયલ મિડીયામાં તો એવી વાત ફેલાઈ છે કે ખુદ મ્યાનમારની સરકાર આ ફિલ્મમાં 50 ટકા પૈસા રોકીને ‘સહકાર’ આપવા માગે છે.
સોરી, આ વાતને મ્યાનમાર સરકારે રદિયો આપ્યો છે.. ના, એ રદિયો ઓફિશીયલ નથી… સોરી, ‘ખાનગી સૂત્રો’ મુજબ આ વાત સાચી છે… ના, આ તો મિડીયામાં ‘લીક’ થયેલી બિન-આધારભૂત માહિતી છે….
એક મિનિટ, જ્યાં લગી નવા 25 રદિયા નહીં આવે ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે નહીં !
***
અનામત
ત્રણ ભાગમાં બનનારી આ ભવ્ય ફિલ્મમાં ત્રણ જ્ઞાતિની અનામતોની વાત હશે. પાટીદાર, જાટ અને ગુજ્જર.
આની સ્ક્રીપ્ટ તૈયાર છે પરંતુ રેલ્વેના પાટા ઉખાડવાના દ્રશ્યો, સરકારી બસો બાળવાનાં દ્રશ્યો તથા હાઈવે જામ કરી દેવાના સીનો માટે જો રાજ્ય સરકાર શૂટિંગ કરવાની પરવાનગી નહિ આપે તો એ જ મુદ્દે ભયંકર તોફાનો ફાટી નીકળવાની શક્યતા છે.
જેમાં રેલ્વેના પાટા ઉખેડવામાં આવશે, બસો સળગાવવામાં આવશે અને સરકારી ઓફિસોની તોડફોડ થઈ જશે… છેવટે આ ‘નવાં તોફાનો’નાં દ્રશ્યોને ‘ઓરીજીનલ આંદોલન’નાં દ્રશ્યો તરીકે બતાડીને સંતોષ માનવો પડશે !
આ આખી ફિલ્મ પાટીદાર, જાટ અને ગુજ્જરોની લડત ઉપર ચાલતી હશે, પરંતુ એન્ડમાં અચાનક એવું લખેલું આવશે કે...
“આખરે કોઈ ખાસ મોટા આંદોલન વિના દેશના ગરીબ સવર્ણોને 10 ટકા અનામત મળી ગઈ !”
***
રામમંદિર
આ ફિલ્મમાં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવાની ઘટના, મુંબઈના રમખાણો, 1993ના બોમ્બ-બ્લાસ્ટ, 2002માં રામસેવકોના રેલ્વે-કોચને સળગાવી દેવાની ઘટના… એવું કશું ડાયરેક્ટલી બતાડવામાં આવશે નહિ.
બલ્કે, આ એક કોર્ટ-રૂમ ડ્રામા હશે !
છેલ્લાં પાંત્રીસેક વરસથી ચાલી રહેલો આ કેસ હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટમાં કેવી રીતે ચાલ્યો તેનાં લાંબાલચક બોરિંગ દસ્તાવેજો, દલીલો, મુદતો, તારણો અને ચુકાદાની અસંખ્ય ત્રાસદાયક વિગતો હશે !
આ આખી ફિલ્મ 18 કલાકની હશે... જે ભારતની કોર્ટોના મુદતપાડુ જજસાહેબોને ‘સજા’રૂપે બતાડવામાં આવશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment