ડૉક્ટર ઢીંગરાના ફિલ્મી sci-fi પ્રયોગો !


ફિલ્મી, વેરી ફિલ્મી…

આપણે બે-ત્રણ ‘ક્રીશ’ બનાવી, એકાદ ‘રોબોટ’, એકાદ ‘રા.વન’ કે એકાદ ‘2.0’ બનાવી, એમાં આપણે સમજવા લાગ્યા કે હા, આટઆટલાં વરસો પછી આપણને ‘સાયન્સ-ફિક્શન’ ફિલ્મો બનાવતાં આવડી ગઈ !

પરંતુ એ સાવ ખોટી વાત છે ! આપણે ત્યાં તો વરસોથી ફિલ્મોમાં સાયન્સ-ફિક્શનના પ્રયોગો થતાં જ આવ્યા છે ! જુઓ, આપણી હિન્દી ફિલ્મોના એક વૈજ્ઞાનિક ડૉક્ટર ઢીંગરા એના પ્રયોગો બતાડે છે…

***

આપણા ફિલ્મી વૈજ્ઞાનિક ડૉ. ઢીંગરા છેક કેમ્બ્રિજ યુનિવર્સિટીની લેબોરેટરીમાં પહોંચી ગયા છે. ત્યાં ઉદરડાઓ અને સસલાંઓ ઉપર જૈવિક સંશોધનો માટે પ્રયોગો ચાલી રહ્યા છે.

ડૉ. ઢીંગરાએ કહ્યું “આ ઉંદરડાં, સસલાં, ડુક્કર વગેરેમાંથી બહાર આવો. હું ડાયરેક્ટ માનવીઓ ઉપર પ્રયોગ કરીને માત્ર જુજ સાધનો વડે જીવ પેદા કરી શકું છું !”

પેલા વૈજ્ઞાનિકો કહે “શી રીતે ?”

ડૉ. ઢીંગરા કહે છે “જુઓ, તમે એક જુવાન છોકરો અને એક જુવાન છોકરીને ગુફામાં મોકલો. બહાર પાણીનો ધોધ પાડો… અને બે ફૂલ એકબીજા જોડે ટકરાવો… બસ ! એટલામાં તો છોકરી પ્રેગનન્ટ થઈ જશે !”

- કેમ્બ્રિજવાળા ડૉ. ઢીંગરાને છેક મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચે એમ પાર્સલ કરી દીધા.

***

છતાં ડૉ. ઢીંગરાએ હાર ન માની. એ હવે જર્મનીની એક વિશાલ હોસ્પિટલના રિસર્ચ વિભાગમાં પહોંચી ગયા. અહીં માનસિક રોગના દર્દીઓ ઉપર સંશોધન ચાલી રહ્યું હતું.

ડૉ. ઢીંગરા કહે “આ બધી દવાઓ, ઇંજેક્શનો, સાયકોથેરાપી વગેરેની કોઈ જરૂર જ નથી. અહીં તમારી પાસે કેટલા દર્દીઓ છે ?”

હોસ્પિટલવાળા કહે “હાલમાં તો પંદર જ છે.”

“ઓકે.” ડૉ. ઢીંગરાએ ચપટી વગાડી. “તમે એક કામ કરો, મુંબઈથી પંદર રૂપાળી છોકરીઓ મંગાવી આપો. જોડે થોડાં ફિલ્મી ગાયનો ગાનારા અને તબલાં-સારંગીવાળા પણ જોઈશે.”

પેલા લોકો પૂછે છે “એ બધા અહીં કરશે શું ?”

ડૉ. ઢીંગરા કહે “તમે સમજતા નથી. આ તો અમારી ૧૯૭૦ના દાયકાની વૈજ્ઞાનિક શોધ છે ! જે દર્દી પાગલ હોય એને સાજો કરવા માટે એક સુંદર છોકરીને બોલાવવાની. એને પેલા પાગળ જોડે પ્રેમ કરવાનું કહેવાનું ! સવા બે કલાકમાં તો બોસ, ભલભલા પાગલો ડાહ્યા થઈ જાય છે ! ‘ખિલૌના’, ‘ખામોશી’, ‘પગલા કહીં કા’… આ બધા પાગલોને અમે આ જ રીતે સાજા કરેલા !”

- જર્મનીવાળા જાતે આવીને ડૉ. ઢીંગરાને મુંબઈમાં મુકી ગયા…

***

પરંતુ હાર માને તો ડૉ. ઢીંગરા શેના ? આ વખતે એ સ્વીટ્ઝરલેન્ડની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં પહોંચી ગયા. અહીં અમુક નિષ્ણાતો ‘ડિમેન્શિયા’ (યાને કે યાદશક્તિ જતી રહે છે, તે બિમારી)નો ઈલાજ શોધી રહ્યા હતા.

ડૉ. ઢીંગરાએ જતાંની સાથે કહ્યું “તમારા આ બધાં કેમિકલ ફોર્મ્યુલેશનોથી કંઈ નહિ વળે. તમામ પેશન્ટોની યાદશક્તિનો ઈલાજ પેશન્ટની હિસ્ટ્રીમાંથી મળી શકે છે !”

નિષ્ણાતો ચકિત થઈ ગયા ! “સાલું, આ તો અમે વિચાર્યું જ નહોતું !”

“યસ !” ડૉ. ઢીંગરાએ કહ્યું “દરેક પેશન્ટની હિસ્ટ્રીમાં જાવ. શોધી કાઢો કે એની યાદશક્તિ શી રીતે જતી રહી હતી ? એ સીડી પરથી ગબડી પડ્યો હતો ? થાંભલા જોડે માથું ભટકાયું હતું ? કાર એક્સિડેન્ટ થયો હતો ?”

નિષ્ણાતો કહે “ચાલો, એ શોધી કાઢીએ, પણ પછી શું કરવાનું ?”

ડૉ. ઢીંગરાના ચહેરા પર સ્માઈલ આવ્યું. “બસ, પછી સીડી પરથી ગબડી પડ્યો હોય તેને ફરીથી સીડી પરથી ગબડાવી મુકવાનો ! જેનું માથું થાંભલા સાથે ટકરાયું હોય તેનું માથું ફરી એ જ થાંભલામાં ઠોકી દેવાનું ! અને જેનો કાર એક્સિડેન્ટ થયો હોય એની કાર ફરી અથડાવી મારવાની !.... યાર, અમે તો ઇન્ડિયામાં આ રીતે ડઝનબંધ યાદદાસ્તો પાછી લઈ આવ્યા છીએ ! બસ, પેલા દિલીપકુમાર સાહેબે અમારું કહ્યું ના માન્યું. એમાં બિચારા લટકી ગયા…”

- સ્વીટ્ઝરલેન્ડવાળાઓએ ડૉ. ઢીંગરાને એવી જગાએ લાત મારી કે ખુદ ડૉ. ઢીંગરા હવે 'યાદ' નથી કરવા માગતા !

***
- મન્નૂ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment