“માય બોડી ઈઝ માય પર્સનલ પ્રોપર્ટી, મિસ્ટર માથુર ! કીપ યોર આઈઝ ઓફ્ફ્….”
મિસ્ટર માથુરના મગજમાં આ શબ્દો હથોડાની જેમ ઝિંકાઈ રહ્યા હતા. એ શબ્દોના પડઘાથી માથુરનું મગજ બહેર મારી ગયુ હતું.
“આઈઝ ઓફ્ફ્…. આઈઝ ઓફ્ફ…”
આખી બબાલનું મૂળ બિચારા માથુરની આંખો જ હતી ! મિસ્ટર માથુર છેલ્લા ૨૦ વરસથી એક પ્રખ્યાત એડવર્ટાઈઝિંગ એજન્સીના ચીફ એક્ઝિક્યુટિવ છે. એમની નજરો એકસ્ટ્રા શાર્પ છે.
કોઈ આર્ટ-ડિરેક્ટર PPT પ્રેઝન્ટેશન કરતો હોય ત્યારે હજી ચાર સ્લાઈડ પણ ના ગઈ હોય ત્યાં માથુરનો કર્કશ અવાજ આવે : “પ્રોજેક્ટર અડધો ડીગ્રી ત્રાંસુ છે. પહેલાં એ સીધું કરો !”
કોઈ બ્રોશર છપાઈને આવે, પોસ્ટરનું પ્રુફ આવે કે બુકલેટની ડમી બની હોય ત્યાં તો માથુરની નજર વીસ ફૂટ દૂરથી એમાં પડેલા અડધા મિલિમીટરના ડાઘા ઉપર પડી જાય !
માથુરની આંખો આંખો નહિ... હાઈ-પાવર, હાઈ-સેન્સિટીવ, હાઈ-ક્વોલીટી ટેલિસ્કોપ અને માઈક્રોસ્કોપનું મિક્સચર છે. ઉપરથી એમને ચોખ્ખાઈની બહુ જ ડિમાન્ડ !
પટાવાળાએ ફર્શ કે ટેબલ સાફ કરવામાં ત્રણ મિલિમીટર જેટલો કચરો રહેવા દીધો હોય તો મેગાફોન જેવા અવાજે ખખડાવી નાંખે. એ તો ઠીક, સ્ટાફ મેમ્બર બિચારો સ્હેજ મેલા કોલરવાળું શર્ટ પહેરીને ઓફિસમાં આવે તોય એને કેબિનમાં બોલાવીને ઠપકો આપે. “શરમ નથી આવતી આવાં વાસી કપડાં પહેરતાં ? ક્લીન ઈટ અપ ! ક્લીન ઈટ અપ !”
આવા ‘માઈક્રો-વિઝન’ આંખોવાળા માથુરની ઓફિસમાં એક દિવસ તાન્યા નામની એક બિન્દાસ છોકરીની એન્ટ્રી થઈ.
એની કપડાં પહેરવાની સ્ટાઈલ પણ બિન્દાસ હતી. ચળકતાં, ફેન્સી સ્લોગનવાળાં કે સ્માર્ટ ફીટિંગવાળઆં ટી-શર્ટને બદલે તે લગભગ ઢીલું બનિયાન કહી શકાય એવું કંઈક રોજ પહેરી લાવતી હતી. જોકે એમાં વિવિધ કલર્સ અને સાઈઝ વગેરેની વરાયટી ખરી. પરંતુ તેની નીચે તાન્યા હંમેશાં ટુંકી શોર્ટ્સ જ પહેરતી. એમાં ખાસ વેરિએશન નહોતું. ક્યારેક તે બ્લુ ડેનિમ હોય તો ક્યારેક ડાર્ક બ્લુ ડેનિમ.
પહેલા જ દિવસે માથુરની નજર કોઈ હાઈ-સિક્યોરીટી વિસ્તારના સ્કેનરની માફક તાન્યાના પગથી માથા સુધી ફરી વળી. તાન્યા બિન્દાસ હતી એટલે તેણે માથુરના સ્કેનરની નોંધ સુ્ધ્ધાં ના લીધી. પરંતુ પ્રોબ્લેમ્સ એ પછી શરૂ થયા….
***
“યોર ફીગર ઈઝ એટ્રેક્ટીવ, બટ આઈ એમ નોટ ઈમ્પ્રેસ્ડ…”
એક ‘હનીમૂન’ રિસોર્ટની જાહેરખબરના કેમ્પેઈન માટે તનાન્યાએ બહુ મહેનતથી પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું. મિસ્ટર માથુરને બતાડવા માટે તે પોતાનું લેપ-ટોપ તેમની તરફ ફેરવે એ પહેલું પેજ ઓપન કરે એ પહેલાં 18મું પેજ, જે સ્ક્રીન ઉપર હતું. તેમાં લખેલો એક આંકડો (ફીગર…. ભાઈ, ફીગર !) માથુરની આંખે ચડી ગયો.
એ આંકડો આ જાહેરાત કેટલા લોકો સુધી પહોંચશે તેનો હતો. માથુરે કોમેન્ટ જે ફીગર વિશે કરી તેના બદલે તાન્યા બીજું જ ફીગર સમજી. તે જરા ચોંકી ગઈ. છતાં પ્રેઝન્ટેશન શરૂ કર્યું.
હજી સાતમે કે આઠમે પેજે પહોંચે છે ત્યાં તો માથુર તેની આંખોની ધાર કાઢતો હોય તે રીતે બોલ્યો, “આઈ વોન્ટ સેક્સ… બટ નોટ એઝ ઓપન એઝ યોર્સ… ઈટ શુડ બી સબલાઈમ ! લાઈક અંડર-કવર સિક્રેટ એજન્ટ્સ કોડ-વર્ડ ! યે જો ચીજ હૈ… ઉસ કી બ્યુટી ખુલેપન મેં નહીં, છૂપાને મેં હોતી હૈ…”
એ વખતે માથુરની ઝેરી તીર જેવી દેખાતી નજરો લેપ-ટોપના સ્ક્રીન ઉપર નહિં પરંતુ તાન્યાની આંખો સામે હતી. તાન્યા હલબલી ગઈ.
હજી આટલું ઓછું હોય તેમ માથુરે તેની આદત મુજબ દસ સ્પેલિંગ મિસ્ટેકો શોધી કાઢી, પંદર સુધારા સુચવ્યા અને છેલ્લે CAT સ્કેનર વડે તાન્યાની ઈન-સાઈડ આઉટ સોનોગ્રાફી કરી નાંખતો હોય તેવી નજરો વડે તેને માથાથી પગ સુધી તૂચ્છ રીતે જોતાં કોમેન્ટ કરી :
“વિઅર સમથિંગ ડિસન્ટ મિસ તાન્યા, ધીસ ઈઝ એન એડ એજન્સી. નોટ એ બોડી-શોપ.”
બસ, બિન્દાસ તાન્યાની ખોપડીમાં ત્યારે જે એક કડાકો થયો તે માથુરના CAT સ્કેનિંગમાં પકડાયો જ નહિં.
***
એ પછી તાન્યા વીફરી. સૌથી પહેલાં તો એ ઓફિસની તમામ મહિલા કર્મચારીઓને વારાફરતી મળી. દરેકને પૂછ્યું “માથુરની નજરો તેમને કેવી લાગે છે?”
બધાનો કોમન જવાબ હતો. “હરામખોર આપણા શરીરની આરપાર જોતો હોય એવું જ લાગે છે.”
વાંક માથુરનો નહિ, ‘પ્રિસિઝન પરફેક્શન’નો આગ્રહ રાખતી એની આંખોનો હતો. તાન્યાને એ વાત કદી સમજાવાની જ નહોતી. એ ફરી વળી.
તમામ લેડિઝ સ્ટાફની ફરિયાદો ભેગી કરી. ઉપરથી પોતાની એક લાંબી-લચક ફરિયાદ ઉમેરીને મિસ્ટર માથુર વિરુધ્ધ ટોપ મેનેજમેન્ટને ઈમેઈલ કરી કે મિસ્ટર માથુર વરસોથી પોતાની વિકૃત આંખો વડે મહિલા કર્મચારીઓનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરે છે !
***
મેનેજમેન્ટ માથુર પાસે જવાબ માંગ્યો.
માથુરે તાન્યાની ઉલટ-તપાસ કરી.
તાન્યાએ મોં ઉપર સંભળાવી દીધું “માય બોડી ઈઝ માય પર્સનલ પ્રોપર્ટી, મિસ્ટર માથુર ! કીપ યોર આઈઝ ઓફ્ફ….”
પણ બિચારો માથુર શી રીતે ‘આઈઝ ઓફ્ફ’ રાખે ? આ તે કંઈ વીજળીના ગોળા છે કે સ્વીચ-ઓફ્ફ થઈ શકે ? માથુરનું મગજ બહેર મારી ગયું હતું.
મેનેજમેન્ટે સખત શબ્દોમાં ખુલાસો માંગ્યો હતો. એટલું જ નહિ, માથુરને એડ એજન્સીમાંથી શા માટે કાઢી મુકવામાં ના આવે તેની શો-કોઝ નોટિસ પણ ફટકારી હતી.
માથુરે કહ્યું “મને મારો પક્ષ રજુ કરવાની એક તક આપો, પ્લીઝ.” મેનેજમેન્ટે એ વિનંતી મંજુર રાખી. છતાં ગુસ્સાથી ફાટફાટ થતી માથુરની ખોપડી કોઈપણ ક્ષણે બોમ્બ બની જાય એવી શક્યતાઓ હતી….
***
આજે એ મિટિંગ છે. કંપનીના ટોપ મેનેજમેન્ટના ધૂરંધરો માથુરની રાહ જોતા કોન્ફરન્સ રૂમમાં બેઠા છે.
આખરે દરવાજો ખુલે છે… માથુર પ્રવેશે છે… એને જોતાં જ સૌની આંખો ફાટી જાય છે ! માથુર કર્કશ અવાજે કહે છે :
“માય બોડી ઈઝ માય પર્સનલ પ્રોપર્ટી ! કીપ યોર આઈઝ ઓફ્ફ…”
મેનેજમેન્ટ માટે એ અશક્ય છે. સૌની આંખો માથુરની બોડી ઉપર જ ચોંટેલી છે કારણ કે માથુર પોતાના ઉઘાડા શરીર ઉપર એક પિન્ક કલરની બ્રા પહેરીને આવ્યા છે !
***
- મન્નૂ શેખચલ્લી
email : mannu41955@gmail.com
Comments
Post a Comment