ફિલ્મી, વેરી ફિલ્મી…
રજનીકાંતની મેગા-બ્લોકબસ્ટર ફિલ્મ 2.0 તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, હિન્દીમાં ડબ થઈ ગઈ છે. આગળ જતાં કદાચ ચીનમાં રિલીઝ કરશે તો ચાઈનિઝમાં પણ એનું ડબિંગ થશે.
પરંતુ જોવા જેવી વાત એ છે કે ફિલ્મનું નામ બદલવાની જરૂર જ નથી ! હિન્દીમાં “દો પૂર્ણાંક શૂન્ય દશમલવ્” કે ગુજરાતીમાં “બે, ટપકું અને મીંડુ” એવું લખવાની જરૂર નથી.
આની ઉપરથી વિચાર આવ્યો કે જો આપણી હિન્દી ફિલ્મોને ગુજરાતીમાં ડબ કરીને રિલીઝ કરવી હોય તો કેવાં કેવાં નામો રાખવા પડે ?
અહીં નિયમ એવો છે કે ગુજરાતી ફિલ્મના નામમાં ઓછામાં ઓછા 10 અક્ષરો તો હોવા જ જોઈએ ! હવે જુઓ…
***
આરક્ષણ = રિઝરવેશનની રામાયણ
જિંદગી ના મિલેગી દોબારા = જીવડો ફરી જાગશે નહિ, વ્હાલમ !
સિંઘમ = વીર સિંઘણપોરવાળો
મર્ડર થ્રી = જોજો, હવે ખૂન થાશે ત્રીજું !
સાત ખૂન માફ = સાત સાત ખૂનડાં તે બેની, કેમ કરી કીધાં ?
ગોલમાલ અગેઈન = ટાળ્યો ટાળ્યો તોય ફરી ઘોટાળો !
એક ચાલીસ કી લાસ્ટ લોકલ = આઠ પિસ્તાળીસનું છેલ્લું શટલિયું.
રોબોટ = ચાવી વિનાનું અજબ રમકડું
કાઈટ્સ = ચાંપાનેરનો ચાંદેદાર, અને મેક્સિકોની ફિરકી !
દિલ તો બચ્ચા હૈ જી = દલડું મારું, સાવ બાળકડું નાનું !
રેડી = દસ મિનિટ ઊભા રહો, બે મિનિટમાં આવું છું !
***
બેન્ડ બાજા બારાત = ઢોલ, શરણાઈ ને વરઘોડાવાળા
મુજ સે શાદી કરોગી = લગન કરી લે રાધા મારી હારે !
તનુ વેડ્સ મનુ = તનસુખરાયની જાન, ને મન-માનેલીનો માંડવો !
શાદી કે સાઈડ ઈફેક્ટ્સ = લગન પછી તો લાકડાના લાડુ !
શાદી મેં જરૂર આના = લગનમાં જલુલ જલુલથી આવજો !
***
ચાંદની ચોક ટુ ચાઈના = ચાંગોદર થી ચિંચપોકલી
લવ ઈન શિમલા = પ્રેમ થયો પાલનપુરમાં
લંડન ડ્રીમ્સ = દેશી બલૂનમાં વિલાયતી શમણાં
શોર ઈન ધ સિટી = શહેરમાં ઘોંઘાટ ને કાનમાં હડતાલ !
***
ઠગ્સ ઓફ હિન્દુસ્તાન = છેતરપિંડા છત્રાલના !
મોહલ્લા અસ્સી = ઢાળની પોળમાં, ગુલબાઈનો ટેકરો !
સાહેબ, બીબી ઔર ગેંગસ્ટર = સાહ્યબો, બૈરું... ને નવરો નખ્ખોદિયો !
ગેંગ્સ ઓફ વાસેપુર = નવરંગપુરાની નવરી બજારો !
ગોલ્ડ = વીસનું… પચાસનું… ને સોનું !
હેપ્પી ફિર ભાગ જાયેગી = હરખપદૂડી ફરી જાશે ફેરફૂદરડી !
યમલા પગલા દિવાના, ફિર સે = પાછી આવી પાવલી, અધેલી ને ચસકેલી !
અમર અકબર એન્થની = હાર્દિક, અલ્પેશ ને જિગ્નેશ !
***
102 નોટ-આઉટ = સદી ઉપર બે… ને હજી દાવ ચાલુ !
સ્પેશીયલ 26 = એલા, લાવજો છવ્વીસ સ્પેશીયલ ચા !
1942 અ લવ-સ્ટોરી = ઓગણીસો ને બેંત્તાળીસનું પ્રેમ-પ્રકરણ !
***
(હવે થોડાં ટુંકા ટુંકા નામો…)
દંગલ = ધિંગાણું
રેસ = હડિયાપટ્ટી
બ્લેકમેઈલ = કાળી ટપાલ
ઓક્ટોબર = ભાદરવો
દેવ-ડી = મનુ-ડો !
રાઝી = ઝારી !
પરમાણુ = પંચાણું !
પા = અડધી
કી એન્ડ કા = કા એન્ડ કી (કાકી)
બ્લેક = કાળું ધબ
ટુ પોઈન્ટ ઝીરો = .....દોઢો !
***
- મન્નૂ શેખચલ્લી
email mannu41955@gmail.com
Comments
Post a Comment