ચૂંટણીના પરિણામો પહેલાં અને પછીનો માહોલ હવા ભરીને ફૂલાવેલા ટાયરમાં અચાનક પંચર પડી જાય એવો જ હોય છે…
***
પરિણામો પહેલાં બધા એકબીજાને પૂછતા હતા “શું લાગે છે ?”
પરિણામો પછી બધા અચાનક રાજકીય પંડીત બની ગયા છે. “જોયું ? હું શું કહેતો હતો !”
***
પરિણામો પહેલાં સોશિયલ મિડીયામાં ‘જીતેગા ભઈ જીતેગા…’ ચાલતું હતું.
પરિણામો પછી અચાનક આષ્વાસન ઈનામ જેવું ચાલ્યું. “હાર તો બડી જીત કે પહલે કા સિર્ફ એક પડાવ હૈ….”
***
પરિણામો પહેલાં કહેતા હતા “70 વરસમાં જે ના થયું, એ સાડા ચાર વરસમાં થોડું થઈ જાય ?”
પરિણામો આવ્યા કે તરત ચાલ્યું, “લો, હવે તો 10 દિવસમાં બધાને નોકરીના ઓર્ડરો મળી જશે !”
***
પરિણામો પહેલાં ફૂલબજારમાં જથ્થાબંધ ફૂલહાર લેવા આવનાર ભાજપી કાર્યકર્તાને દુકાનવાળા પૂછતા હતા “કોઈ મોટા નેતા પધારવાના છે ?”
પરિણામો પછી એ જ ભાજપી કાર્યકર બિચારો કોઈ કામસર બે-ચાર હારનો ઓર્ડર આપે તો દુકાનવાળો પૂછે છે “શું થયું, કોણ ઉકલી ગયું ?”
***
પરિણામો પહેલાં ન્યુઝ ચેનલોમાં એકસ્પર્ટો કહેતા હતા : “કોંગ્રેસે આત્મંથન કરવાની જરૂર છે…”
પરિણામો પછી એ જ એકસ્પર્ટો કહે છે “ભાજપે આત્મમંથન કરવાની જરૂર છે….”
***
પરિણામો પહેલાં જે નેતા ગર્વથી, હસતાં હસતાં કહેતા હતા કે “એક્ઝિટ પોલ કે આંકડે કભી સચ નિકલે હૈં ક્યા ?”
પરિણામો પછી એ જ નેતા ચૂપચાપ ‘એક્ઝિટ’ કરી જાય છે…
***
પરિણામો પહેલાં વિરોધ પક્ષના નેતા શોરબકોર કરતા હતા કે “હવે તો ચૂંટણીઓ EVM જ જીતાડે છે…”
પરિણામો આવતાંની સાથે એ જ નેતા કહેવા લાગ્યા કે “અમને તો પ્રજાએ જીતાડ્યા છે !”
***
બાકી, એક વાત દરેક પરિણામો વખતે કોમન હોય છે. બિચારી પ્રજા દાંત ભીંસીને કહેતી હોય છે કે, “એમને એક વાર તો પાઠ ભણાવવાની જરૂર જ હતી…”
પણ તમે 1947 પછીનો ઈતિહાસ જોઈ લો, સાલું ‘પાઠ’ તો કોઈ ‘ભણતું’ જ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment