“હાય સ્વીટુ ! તું અહીં ક્યાંથી ?”
ફૂટપાથ પર ફેલાયેલી ‘કિંગ કોફી શોપ’માં બેઠેલો સુવિક માલવિકાને જોઈને ચોંકી ગયો. માલવિકા હસતી હસતી તેની તરફ આવી રહી હતી. એને જોઈને સુવિક દાંત ભીંસીને મનમાં બબડ્યો “સાલી ખડૂસ ? આ અહીં ક્યાંથી?”
“હાય મારા સ્વીટુ સુવિક !” માલવિકા આવીને સામેની ખુરશી પર બેસી ગઈ. “અહીં બેઠો બેઠો શું કરે છે, બેંગલોરમાં ?”
“એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા આવ્યો છું… સિમ્ફી ઇન્ફોમેટિક્સમાં”
“ઓ વાઉ ! ગ્રેટ ! ઓલ ધ બેસ્ટ !” માલવિકાએ તેના બન્ને હાથ લંબાવીને સુવિકનો હાથ પકડીને ઓલમોસ્ટ પોતાની છાતી તરફ ખેંચીને અભિનંદન આપી દીધાં.
એ જ ક્ષણે સુવિકના આખા શરીરમાં 2500 MBPSની ઝડપે ઝણઝણાટી દોડી ગઈ. સુવિકના પેટમાં બીજી જ ક્ષણે ધ્રાસકો પડ્યો. “સાલી ખડૂસ ? મને ફરીથી કશાકમાં ફસાવવાનો પેંતરો કરીને આવી લાગે છે.”
“તું તો યુએસમાં હતી ને ? અહીં ઇન્ડિયામાં ક્યાંથી ? અને એ પણ આવી ફૂટપાથ ટાઈપની કોફી-શોપમાં ?”
માલવિકા જરા ઘમંડથી હસી. “યુ નો. હું બે વરસથી અહીંની એક ફર્મમાં પ્રોજેક્ટ મેનેજર છું ને ? હમણાં અહીંથી મારી મર્સિડીઝમાં જઈ રહી હતી ત્યાં અચાનક મારી નજર તારી ઉપર પડી… મને થયું, વાઉ ! આટલા વરસે મારો સ્કુલલ-બડી મને અહીં જ મળી ગયો ? મેં તરત જ બ્રેક મારી !”
સુવિકે ફરી દાંત ભીંસ્યા “સાલી ખડૂસ ? હવે તો મને તારા બાટલામાં ઉતારવાનું બંધ કર ? બ્રેક માર… બ્રેક !” સુવિકને જુના દિવસો યાદ આવી ગયા ….
માલવિકા હાઈસ્કુલમાં એના ક્લાસમાં જ ભણતી હતી. આખું સેમેસ્ટર એ હેન્ડસમ છોકરાઓ સાથે રખડ્યા કરતી પણ જેવી એક્ઝામ નજીક આવે કે તરત સુવિકની બેન્ચ ઉપર તેની બાજુમાં અડોઅડ બેસવાનું ચાલુ કરી દેતી !
સુવિક તો તે વખતે ‘બાબો’ જ હતો ? દર વખતે માલવિકાના સ્પર્શની ઝણઝણાટીના બાટલામાં આવી જતો ! માલવિકા રડવા જેવી થઈને કહેતી “સ્વીટુ… મને મેથ્સ અને સાયન્સમાં કશ્શીય સમજ નથી પડતી ! મને શીખવાડને ?”
બિચારો સુવિક પોતાનું ભણવાનું મુકીને માલવિકાને ભણાવવા બેસી જતો. એમાંને એમાં એના પરસેન્ટ જ ઓછા થઈ જતા. તોય માલવિકા ‘પાસ’ થઈ ગઈ છે એ જોઈને તે રિઝલ્ટને દહાડે બહુ રાજીરાજી થઈ જતો.
બારમાની એક્ઝામ વખતે તો માલવિકાએ નવો ખેલ પાડ્યો ! એ સીધી સુવિકના ઘરે જ પહોંચી ગઈ ! સુવિકના મમ્મી-પપ્પાને પગે લાગીને, મસ્કા મારીને, રડવા જેવું મોં ફરીને એમને મનાવી લીધા કે એમનો ‘જિનિયસ’ બાબો, એમના જ ઘરમાં, આ બિચારો ‘ઠોઠ’ છોકરીને ટ્યુશનો આપશે !
સુવિક એ વખતે આસમાનમાં ઉડતો હતો… માલવિકા એના રૂમમાં રાતના બાર બાર વાગ્યા લગી ‘ટ્યૂશનો’ લેતી હતી !
એ તો ઠીક, એ ચાલાક છોકરીએ સુવિકના મમ્મી-પપ્પાને ‘અંકલ-આન્ટી’ને બદલે ‘મમ્મી-પપ્પા’ કહેવાનું શરૂ કરી દીધેલું ! જાણે એ આ ઘરની ‘વહુ’ બનીને આવવાની હોય…
આમાંને આમાં સુવિકના ટકા ઘટી ગયા અને માલવિકા ‘પાસ’ થઈ ગઈ. એ પછી કોલેજમાં પણ એ જ સાઈકલ રિપિટ થવા લાગ્યું…
સોફ્ટવેર એન્જિનિયરીંગમાં ‘જિનિયસ’ ગણાતો સુવિક દર વખતે માલવિકાને હેલ્પ કરવામાં પોતાના માર્કસ ઓછા કરતો હતો. ફાઈનલ યરના પ્રોજેક્ટમાં તો સુવિકનો સૌથી બ્રિલિયન્ટ આઇડિયા ધરાવતો પ્રોજેક્ટ માલવિકાએ લટુડા પટુડા કરીને પોતાની પાસે ખૂંચવી લીધો અને ભાઈ સુવિકનો પ્રોજેક્ટ સેમેસ્ટર પુરું થયું ત્યાં સુધીમાં પૂરો જ ના થયો !
માંડ માંડ ડીગ્રી મેળવીને સુવિક એકાદ આઈટી કંપનીમાં નોકરીએ લાગ્યો ત્યારે એને ખબર પડી કે માલવિકાને એના ફાઈનલ યરના ‘જિનિયસ પ્રોજેક્ટ’ના આધારે અમેરિકાની કોઈ ટોપ કોલેજમાં એડમિશન મળી ગયું હતું !
સુવિક અહીં બેઠો બેઠો માલવિકાનું ફેસબુક પેજ જોઈને નિસાસા નાંખતો રહ્યો અને ત્યાં માલવિકાએ કોઈ ‘જર્મન જિનિયસ’ને પોતાનો બોયફ્રેન્ડ બનાવીને એને બાટલામાં ઉતારી લીધો હતો ! અને હવે ?.....
હવે એ જ માલવિકા બેંગલોરની કોઈ મોટી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર હતી ! અને પોતે અમદાવાદની કોઈ ફાલતુ આઈટી કંપનીના, ફાલતુ પગારની નોકરીમાંથી, છૂટવા માટે અહીં બેંગલોર સુધી ઈન્ટરવ્યુ આપવા લાંબો થયો હતો.
“જો સુવિક, સિમ્ફી ઈન્ફોમેટિક્સનો જોબ ઈન્ટરવ્યુ બહુ ટફ હોય છે…”
“ખ-બ-ર છે !” સુવિકે દાંત ભીંસ્યા. “ઓનલાઈન ટેસ્ટ પછી પણ અહીં ત્રણ ત્રણ રિટન ટેસ્ટ છે. એમાં 80 પરસેન્ટ મળે તો જ ઇન્ટરવ્યુ થશે.”
માલવિકાએ તેના ખભે હાથ મુકતા કહ્યું “સ્વીટુ ! યુ આર અ જિનિયસ ! તને તો 80 પરસેન્ટ ઈઝિલી મળી જશે.”
સુવિક છંછેડાયો. “હા, આ વખતે તો મળશે જ ને ? કારણ કે મારી મહેનતનું ફળ ચોરી જનારું કોઈ મારી આસપાસ નથી ને !”
માલવિકા સુવિકનો ટોણો સમજી ગઈ. તે કંઈ બોલી નહિ. કોફી પુરી કર્યા પછી બન્ને ઊભા થયાં.
માલવિકા આ વખતે ખરેખર રડવા જેવી થઈ ગઈ. તેણે સુવિકને “આઈ એમ વેરી સોરી…” કહેતાં તેને ગાઢ આલિંગન આપી દીધું.
બિચારીનું ડુસકું સુવિકને તેના કાનમાં એકદમ નજીકથી સંભળાયું. આ વખતે આખા શરીર ઉપરાંત છેક દિલ સુધી પેલી 2500 MBPSની ઝણઝણાટી દોડી ગઈ.
“સુવિક, કેન આઈ મેક ઈટ અપ ટુ યુ ? મેં અત્યાર સુધી તારી સાથે જે કંઈ કર્યું એના બદલામાં હું કંઈક આપવા માગું છું.”
“શું ?” સુવિકને નવાઈ લાગી.
માલવિકાએ તેના હાથમાં એક પેન-ડ્રાઈવ આપી. “સુવિક, ત્રણે એક્ઝામમાં પૂછાનારા ક્વેશ્ચન્સ અને તેના સાચા આન્સર્સ આમાં છે ! હવે એ ના પૂછીશ કે એ મને ક્યાંથી મળ્યા…”
માલવિકા સુવિકના ગાલે હળવી કિસ કરીને જતી રહી. સુવિક વિચારતો રહ્યો. “બિચારી છોકરી… સાવ ખરાબ તો નથી…”
સુવિકે એક્ઝામો આપી. એમાં માલવિકાએ આપેલાં જ પેપરો નીકળ્યાં ! સુવિકને જોબ મળી ગઈ.
એનો સેલેરી 65000માંથી સીધો 2,65,000 થઈ ગયો ! વટ કે સાથ છાતી ફૂલાવતો તે ઈન્ટરવ્યુની કેબિનમાંથી બહાર નીકળ્યો ત્યાં તે માલવિકાને જોઈને છક્કડ ખાઈ ગયો !
“માલવિકા તું ? અહીં ?”
માલવિકાએ ખતરનાક રીતે સ્માઈલ આપતાં કહ્યું “હું જ તારી પ્રોજેક્ટ મેનેજર છું !"
"હેં?"
"હા યાર, પ્રોજેક્ટ એટલો મોટો છે કે તારા જેવો જિનિયસ જ મને હેલ્પ કરી શકે… આઈ નીડ યુ ! આઈ વોન્ટ યુ ! વેલકમ ટુ સિમ્ફી, માય સ્વીટુ ! કોન્ગ્રેચ્યુલેશન્સ…”
માલવિકાએ ‘ગાઢ’ આલિંગનો આપ્યાં ! અને 2500 MBPSની ઝણઝણાટીમાં ફસાયેલો સુવિક ? એ દાંત ભીંસીને બબડી રહ્યો હતો “સાલી ખડૂસ? તું મને અહીં પણ નહીં છોડે…”
- મન્નૂ શેખચલ્લી
email mannu41955@gmail.com
Girls are like that..... 😁
ReplyDeleteવાહ. જબરજસ્ત ઝટકા વાળો ઍન્ડ. છેક સુધી જકડી રાખે એવી થીમ.
ReplyDeleteMaza padi
ReplyDelete